હાલારમાં લોકડાઉનની વ્યાપક અસરઃ ચાંપતો પોલીસ બંદોબસ્ત

જામનગર તા. ર૬ઃ સમગ્ર ભારતને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગર, દેવભૂમિ દ્વારકાના હાલાર પંથકમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે.

છૂટા છવાયા લોકો ક્યાંક કામસર બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જો કે, કામ વગર બહાર નીકળતા લોકોને પોલીસ દ્વારા ઘરે મોકલવામાં આવી રહ્યાં છે.

જામનગરની તમામ બજારો, વેપાર-ધંધા, દુકાનો બંધ જોવા મળે છે. રોડ ઉપર માણસોની નહીંવત અસર જોવા મળી રહી છે. જીવન જરૃરી ચીજવસ્તુઓની દુકાનો ખૂલ્લી રાખવા પરવાનગી આપવમાં આવી હોવાથી દવાના મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરી, કરીયાણાની દુકાનો, શાક માર્કેટ, પેટ્રોલપંપ ખૂલ્લા રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

દ્વારકા યાત્રાધામ હોવાથી ધાર્મિક સંસ્થાઓ, શારદામઠ, સનાતન સેવા મંડળ, સ્વામિ નારાયણ મંદિર, કાનદાસ બાપુ આશ્રમ, બજરંગદાસ આશ્રમ જેવી સંસ્થાઓ સુમસામ બની છે.

માત્ર અટકાયેલા યાત્રિકોને જ અહીં આશરો આપવામાં આવ્યો છે. દ્વારકાની હોટલ, ધર્મશાળાઓના કર્મચારીઓને પણ ઘરે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તો દ્વારકા જિલ્લામાં ક્યાંક લોકો પોલીસની લાકડીઓનો ભોગ બની રહ્યાં છે. શાકભાજીની રેંકડી ધારકોને પોલીસે કારણ વગર ફટકાર્યા હતાં. ગાય-કૂતરાને રોટલા આપવા જનારાઓ સાથે પણ પોલીસ તોછડુ વર્તન કરી રહી છે. કારણ વગર રખડતા લોકો સામે કડકાઈ જરૃરી છે.

દ્વારકાના રત્નાકર સમુદ્ર કિનારે આવેલા હનુમાન મંદિર આયોજીત કાનદાસ બાપુ આશ્રમના સહયોગથી સાધુ-સંતો જરૃરતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખંભાળીયાની શાક માર્કેટમાં ભીડ જોવા મળતા જ પ્રાંત અધિકારી ડી.આર. ગુરૃવની સૂચનાથી અધિકારીઓ દોડી ગયા હતાં અને જરૃરી સૂચનાઓ આપી હતી. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખૂલ્લી જ છે. અમુક દુકાનો બહાર ગ્રાહકો માટે ગોળ વર્તુળ કરી દેવામાં આવ્યા છે. જેથી બે ગ્રાહકો વચ્ચે નિયત અંતર રાખી શકાય. ફલ્લાના અમારા પ્રતિનિધિનો સંદેશ જણાવે છે કે, ફલ્લામાં સંપૂર્ણ લોકડાઉન છે, જરૃરી કામ વગર કોઈ બહાર નીકળતું નથી. ગ્રામ પંચાયત દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ફલ્લામાં તા. ૩-૪-ર૦ ના રોજ યોજાનાર ઉર્ષનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો છે.

close
Nobat Subscription