જામનગર તા. ૧૩ઃ ખંભાળીયા ધોરીમાર્ગ પર બેડ ગામના પુલ પાસે ગઈકાલે બપોરે એક ટેન્કરે ડબલ સવારીમાં જતા મોટર સાયકલને હડફેટે લેતા બાઈકચાલક ખંભાળીયાના વિપ્ર યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પાછળ બેસેલા તેમના મિત્ર ઘવાયા હતાં.
ખંભાળીયામાં રહેતા અને મંડપ સર્વિસના કામ સાથે સંકળાયેલા ભવ્ય રશ્મીનભાઈ શુક્લ (ઉ.વ. ૨૧) અને તેમના મિત્ર મહીપાલસિંહ મયુરસિંહ ગઈકાલે કોઈ કામ માટે મોટર સાયકલમાં જામનગર આવવા માટે રવાના થયા હતાં.
આ મિત્રોનું મોટરસાયકલ જ્યારે બપોરે ત્રણેક વાગ્યે જામનગરથી સિક્કા પાટીયા વચ્ચે આવેલા બેડ ગામના પાટીયા નજીક પહોંચ્યુ ત્યારે બેડમાંથી ફૂલસ્પીડમાં એક ટેન્કર નીકળ્યું હતું જેની જબરદસ્ત ટક્કર બાઈકને વાગતા ભવ્ય તથા મહીપાલસિંહ (ઉ.વ. ૩૦) ફેંકાઈ ગયા હતાં. આ અકસ્માતમાં ભવ્યભાઈનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત મહીપાલસિંહને ૧૦૮ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. દોડી આવેલા સિક્કા પોલીસના સ્ટાફે ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી ટેન્કરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.