લોકડાઉનની કડક અમલવારી કરાવવા એસ.પી.-કલેકટરની સુચનાઃ મુખ્યમાર્ગાે પર સખત ચેકીંગ

જામનગર તા. ર૬ઃ જામનગરમાં લોકડાઉનની સખત અમલવારી કરાવવા આજથી જીલ્લા સમાહર્તા તથા જીલ્લા પોલીસ વડા ખુદ રસ્તા પર આવ્યા છે. એસ.પી.એ કેટલાક માર્ગાે પર થઈ રહેલી ચહેલ પહેલ અટકાવવા ખુદ જ ઉભા રહી નાગરીકોની પુછપરછ કરી હતી.

જામનગર શહેરમાં મુખ્યમાર્ગાે પર લોકડાઉનની અમલવારી સખત રીતે કરાવવા માટે જીલ્લા કલેકટર રવીશંકર અને જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. તમામ મુખ્યમાર્ગાે પર હોમગાર્ડના જવાનો સાથે પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક વ્યક્તિઓ જુદા-જુદા અને બાલીસ કહી શકાય તેવા બહાનાઓ રજુ કરી ચહેલ પહેલ કરતાં હોય તેવા તત્વોને રોકવા અને ઘરમાં જ રહેવા માટે સમજાવવા જીલ્લા કલકેટર તથા એસ.પી. આજથી મેદાનમાં આવ્યા છે.

આજે બપોરે નગરના જી.જી. હોસ્પિટલ, પી.એન. માર્ગ, પ્રવિણ જોષી સર્કલ, સાત રસ્તા, ખોડીયાર કોલોની માર્ગ, સુમેર ક્લબ રોડ સહિતના મુખ્ય માર્ગાે પર જીલ્લા કલેકટર રવિશંકર, એસ.પી શરદ સિંઘલ, સિટી ડીવાયએસપી એ. પી. જાડેજા તેમજ એલસીબી અને એસઓજીનો કાફલો ઉભો રહી ગયો હતો. ખુદ એસ.પી.એ ત્યાંથી પસાર થતાં સ્કૂટર, મોટર સાયકલ, મોટર વગેરે વાહનો રોકાવી તેના ચાલકો પાસે બહાર નીકળવાનું કારણ પુછ્યું હતું.

આ ઉપરાંત લોકડાઉનની સખત અમલવારી થાય તે માટે જીલ્લા પોલીસ વડાએ કામ વગર બહાર નિકળતાં વાહન ચાલકોને રોકાવી તેઓની સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા સુચના આપી દીધી છે. તેથી નગરના સુજ્ઞ નાગરીકોએ જરૃરીયાત સિવાય બહાર નિકળવાનું ટાળવું તે હાલના સમયમાં અત્યંત હિતાવહ રહેશે.

close
Nobat Subscription