જામજોધપુરમાં જુગાર રમતા બે શખ્સ અને ત્રણ મહિલા ઝડપાયા

સમાણામાંથી ચાર પત્તાપ્રેમીની ધરપકડઃ

જામનગર તા.૧૬ઃ જામજોધપુરના રામવાડી વિસ્તારમાંથી ગઈરાત્રે પોલીસે બે શખ્સ તથા ત્રણ મહિલાને તીનપત્તી રમતા પકડી પાડ્યા છે જયારે સમાણા ગામમાંથી ચાર શખ્સ જાહેરમાં ગંજીપાના કુટતા ઝડપાયા છે.

જામજોધપુર શહેરમાં આવેલી સાનિધ્ય સોસાયટીમાં રામવાડી શેરી નં. ૨માં ગઈકાલે રાત્રે કેટલાક વ્યક્તિઓ જાહેરમાં એકઠા થઈ સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા હોવાની બાતમી પરથી જામજોધપુરના મહિલા પીઆઈ આર.બી. પ્રજાપતિ તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાંથી નિલેશ જેન્તિભાઈ કાલરીયા, પ્રકાશ પરસોત્તમ દેલવાડીયા, ભાવિકાબેન નિલેશભાઈ કાલરીયા, તારાબેન નિલેશભાઈ લાડાણી, નિકીતાબેન પ્રકાશભાઈ દેલવાડીયા નામના પાંચ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૧૦૧૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ તેમજ ચાર વ્યકિતથી વધુને એકઠાં થવા સામે પ્રતિબંધ હોવા છતાં જુગાર રમવા એકત્ર થયા હોય, આઈ.પી.સી. ૧૮૮ હેઠળ બીજો ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમતા હિતેશ જીતેન્દ્રભાઈ પરમાર, હરિશ વસરામભાઈ પરમાર, દાનાભાઈ ગોબરભાઈ બથવાર તથા વિજય રામજીભાઈ મહિડા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી રૃા.૧૦૪૦ ઝબ્બે લીધા છે. ચારેય સામે જુગારધારા તથા જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી પોલીસે તેઓની ધરપકડ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit