જામનગર જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માહ સપ્ટેમ્બરની ઉજવણીઃ પાંચસુત્રીય પ્રવૃત્તિ

જામનગર તા.૧૬ઃ જામનગર જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા 'પોષણ માહ- સપ્ટેમ્બર'ની ઉજવણી થઈ રહી છે, જેમાં સગર્ભા અને અતિશય કુપોષિત બાળકોને કેન્દ્રમાં રાખીને પાંચ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ સૂત્ર સાથે સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે પોષણ માહ સપ્ટેમ્બર ૨૦૨૦ અંતર્ગત મુખ્ય પાંચ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સેનિટેશન તેમજ પૌષ્ટિક આહારનો સમાવેશ કરાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સાથે જામનગર જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા તેમજ તમામ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ સપ્ટેમ્બર ૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોષણ અભિયાનને સફળ બનાવવા ગૃહ મુલાકાત, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ કાઉન્સેલિંગ, સુખડી વિતરણ, હેન્ડવોશ, પોષણ તોરણ અને પોષણ સલાડ તેમજ ટી.એચ.આર. પેકેટમાંથી વિવિધ વાનગી નિદર્શન હરીફાઈ યોજાઈ હતી.

આ હરીફાઈમાં આંગણવાડીના તમામ લાભાર્થી દ્વારા વિવિધ વાનગી બનાવવામાં આવી, જેમાં શ્રેષ્ઠ વાનગીઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતાં. કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવવામાં આવ્યા અને તે તોરણ જોખમી સગર્ભા અને અતિ કુપોષિત બાળકોના ઘેર લગાડવામાં આવશે તેમજ કિશોરીઓ દ્વારા તેમને પોષણને લગતી માહિતી આપવામાં આવશે, જેથી કુપોષણમાં ઘટાડો થાય.

આ તમામ પ્રવૃત્તિ જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગના માર્ગદર્શન તથા પી.ઓ. સી.ડી.ભાંભીના પ્રોત્સાહન હેઠળ કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ માહ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ દ્વારા જામનગર જિલ્લાને સંપૂર્ણતઃ કુપોષણ મુકત બનાવવા તરફ અગ્રેસર કરવાના પ્રયાસો કરવામાં આવશે.

close
Ank Bandh
close
PPE Kit