માવાપર પાસે અકસ્માત પછી રેઢી પડેલી મોટરમાંથી મળી શરાબની ૧૨૬ બોટલ

જામનગર તા. ૧૩ઃ ધ્રોલથી જોડીયા વચ્ચે આવેલા માવાપર ગામ પાસે ગઈકાલે એક અકસ્માતગ્રસ્ત મોટર પડી હોવાની અને તેમાં શરાબનો જથ્થો હોવાની પરથી ધ્રોલ પોલીસે મોટરની તલાસી લેતા તેમાંથી શરાબની ૧૨૬ બોટલ મળી આવી છે. શરાબની હેરાફેરી કરતા કોઈ શખ્સ મોટરનો અકસ્માત થઈ જતા તેની રેઢી મૂકી પલાયન થયાની શંકા પરથી પોલીસે મોટરના ચેસીસ, એન્જિન નંબર મેળવી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

ધ્રોલ તાલુકાના માવાપર ગામ પાસે ગઈકાલે એક મોટરનો અકસ્માત થયો છે અને તે મોટરમાં અંગ્રેજી શરાબ પડ્યો છે તેવી બાતમી ધ્રોલ પોલીસ સ્ટેશનના હે.કો. રામદેવસિંહ એમ. ઝાલા તથા પો.કો. અનિલ બી. સોઢીયાને મળતા તેઓએ પીએસઆઈ એમ.એન. જાડેજાને વાકેફ કર્યા પછી ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવાપર ધસી ગયો હતો.

તે સ્થળે નંબર પ્લેટ વગરની અને હ્યુંડાઈ કંપનીની વર્ના મોટર અકસ્માતગ્રસ્ત થયેલી જોવા મળી હતી. તેમાં તેનો ચાલક હાજર ન હતો. પોલીસે મોટરની ડેકી તથા દરવાજા ખોલી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨૬ બોટલ મળી આવી હતી. અંદાજે રૃા. ૬૩,૦૦૦ની કિંમતનો શરાબનો જથ્થો અને રૃા. ૮૦,૦૦૦ની મોટર કબજે કરી પોલીસે તે મોટરના ચેસીસ તથા એન્જિન નંબરના આધારે તેના માલિકની શોધ શરૃ કરી છે. કાર્યવાહીમાં સ્ટાફના વનરાજભાઈ ગઢાદરા, મયુરસિંહ જટુભા, સંજય કમાભાઈ સોલંકી સાથે રહ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit