Advertisement

ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટોઃ ટેસ્ટ ઓછા થતાં હોવાથી કોરોના કેસોમાં ઘટાડો દેખાડાય, પરંતુ હકીકત જુદીઃ દલીલો

વકીલોએ ધીમા વેક્સિનેશન, દવાઓ, અવ્યવસ્થા અને હોસ્પિટલોની ઉણપોના મુદ્દા ઊટાવ્યાઃ

અમદાવાદ તા. ૪ઃ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી ચાલી રહી છે, જેમાં વકીલો દલીલો કરી રહ્યા છે અને ધીમુ વેક્સિનેશન, દવાઓ, અવ્યવસ્થા અને હોસ્પિટલની કાર્યપદ્ધતિ-ઉણપોના સવાલો ઊઠાવી રહ્યા છે.

કોરોના વાઈરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૃ કરાઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલે ભરૃચની હોસ્પિટલમાં આગની દૂર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નહોતું તેવી જાણ કરવામાં આવી હતી. સાથે જ આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ. તેમ કહ્યું હતું. સાથે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે. આ ફાયર એનઓસી મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.

હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ પરસી કવિનાએ ટેસ્ટીંગની અછતનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક શહેરોમાં રિસોર્સની અછત સર્જાય છે જેમાં ઘણાં પ્રબ્લેમ છે જેમાં મુખ્ય ૩ સમસ્યા છે જેમાં પહેલું છે ટેસ્ટનું રિપોર્ટીંગ જે લેટ થાય છે. બીજુ છે જેમાં કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટીંગની વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સાધનો ધૂળ ખાય છે ત્યાં પૂરતો સ્ટાફ નથી. આ ગંભીર બાબત છે. તેમણે કહ્યું, અમારા એડવોકેટ એસો.એ જિલ્લાના બાર એસો. જોડે વાત કરીને પરિસ્થિતિઓ જાણી છે એને ધ્યાનમાં લઈને આજે રજૂઆત કરીએ છે. સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા, પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટીંગની સુવિધાઓ અભાવ છે. ધન્વન્તરિ રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ પીએચસી સેન્ટર આગળ જ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સુવિધાઓ અને સારવારનો અભાવ છે.

એડવોકેટ પરસી કવિનાએ આગળ કહ્યું, ડીઆરડીઓ હોસ્પિટલમાં ૬૦૦ જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. તમે ડીઆરડીઓ હોસ્પિટલમાં બાથરૃમ જોવ તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે. આપણને આની વ્યવસ્થા હજી નથી આવડી. કોઈ સ્ટાફ નથી ત્યાં સફાઈ કામદારોનો આરટી-પીસીઆર ટેસ્ટીંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. ર૬ જગ્યાએ આરટી-પીસીઆર ચાલુ કરવામાં આવ્યા. ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. આરટી-પીસીઆરની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે. એટલે ટેસ્ટીંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. સરકારને એવું લાગે છે કે, રાહત થઈ. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જોઈએને કેમ જણાવતા નથી.

એડવોકેટ પરસી કવિનાની દલીલ પર હાઈકોર્ટે કહ્યું કે, રેમડેસિવિર કેન્દ્ર સરકાર રાજ્યને કઈ રીતે આપે છે કેટલા આપે એ પણ અમે પૂછીશું. એડવોકેટ શાલીન મહેતાએ કહ્યું કે, હજી ઓક્સિજનની અછત છે. ઓક્સિજન વગર દર્દીઓની હાલત ગંભીર થઈ રહી છે. દરેક હોસ્પિટલ દર્દીઓને ઓક્સિજન માટે ના પડે છે એવું ન કરવું જોઈએ. આ બાબતે સરકારે કંઈ કરવું જોઈએ. હોસ્પિટઠલમાં તો ઓક્સિજન પૂરો પાડવો જોઈએ. સુપ્રિમ કોર્ટે કોરોનાની ચેઈન તોડવા રાજ્યમાં લોકડાઉનની જરૃર લાગે તો લોકડાઉન લાદવા માટે કહ્યું છે. લગ્નમાં પ૦ લોકોની હાજરી યોગ્ય નથી. સંક્રમણ વધી શકે છે. ડીઆરડીઓ હોસ્પિટલમાં જમવાનું ૪ વાગે મળે છે અને દર્દીઓને બાથરૃમ લઈ જવા માટે કોઈ હોતું નથી. ૧ કલાક બેડમાં બેસીને રાહ જોવી પડે છે.

બીજી તરફ એડવોકેટ આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, સરકારી સ્કીમનો લાભ લેતા બાળકોને ફૂડ કુપન, રાશન કીટ અને ભણવાનું મટિરિયલ આપવામાં આવે જુવેનાઈલ કસ્ટડીના બાળકોને ટ્રીટમેન્ટ અને ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. પ્રેગ્નેટ મહિલાઓ માટે હોસ્પિટલમાં અલગ સુવિધાઓ કરવામાં આવે. નારી નિકેતનમાં સજા કાપી રહેલી મહિલાઓ માટે ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવે. દરેક ધારાસભ્યને રપ લાખ સિવાય બીજી ૧.પ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે. રપ લાખમાં ર૧ લાખની એમ્બ્યુલન્સ જ આવે છે. બીજી ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે બીજી ગ્રાન્ટ આપવામાં આવે.

સુઓમોટો સુનાવણી દરમિયાન એડવોકેટ નીરવ મજમુદારે દલીલ કરી કે, એએમસી એ ખાનગી હોસ્પિટલમાં ગવર્મેન્ટ ક્વોટા માટે પ૦ ટકા બેડ રિઝર્વ રાખવા માટે ઓર્ડર કર્યો હતો. તેમની ટીમ તે બાબતનું ધ્યાનમાં રાખી રહી છે કે, પ૦ ટકા બેડ ખાલી છે કે હવે આ પરિસ્થિતિમાં જો કોઈ ક્રિટિકલ કન્ડીશનમાં દર્દી આવે તો તેને દાખલ કરવામાં નથી. આવતા. કારણ કે તે પ૦ ટકા બેડ અનામત રાખવામાં આવ્યા છે. હવે કોઈ ગંભીર  હોય તો તેને ગવર્મેન્ટ ક્વોટા માટે પહેલા ફોર્મ ભરવાનું? મામલતદાર અને કલેક્ટર જોડે જવાનું આ યોગ્ય નથી. જે ગંભીર હોય તેને પહેલા દાખલ કરવા જોઈએ.

એડવોકેટ અમિત પંચાલે ટોકન મુદ્દેની પીઆઈએલ અંગે રજૂઆત કરી. ટોકન સિસ્ટમ હતી, તે ખાલી ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ જ અલોટ કરી છે. તેઓ જોડે હાઉસ કીપિંગનો સ્ટાફ નથી. રીસેપ્શન પર ઓછો સ્ટાફ જોવા મળે છે. ૯૦૦ બેડમાં બધા ભરાયા નથી. માત્ર ૬૪૧ જ વર્કિંગ છે. લોકો ગેરમાર્ગે દોરાઈને ત્યાં જાય છે.

રાજ્યમાં ૧૧૯૦ મેટ્રીક ટન ઓક્સિજનની જરૃર સામે કેન્દ્ર ૯૭પ મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડે છે જ્યારે બાકીનો જથ્થો રાજ્ય સરકાર અન્ય રીતે મેળવતી હોવાનો દાવો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવિટમાં સરકારે કર્યો છે અને જણાવ્યું છે કે, રેમડેસિવિરના ડોઝમાં પણ અમદાવાદ જિલ્લાને કુલ જથ્થાના રપ.૪, ટકા આપી દેવામાં આવે છે. એફિડેવિટમાં વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારની માંગણીને કારણે કેન્દ્રએ ર૦૦ મેટ્રીક ટન જેટલો વધારો મેડિકલ ઓક્સિજનનો જથ્થો આપ્યો છે. રાજ્ય કક્ષાએ સરકારે ઓક્સિજન સપ્લાય માટે કન્ટ્રોલરૃમ પણ તૈયાર કર્યો છે.

પહેલા કોરોના વેવમાં પ૦હજાર બેડ હતાં ત્યાં ૧ મે ની સ્થિતિએ ૧,૦૩,૦૩૩ બેડ ઊભા કરવામાં આવ્યા છે. જીએમડીસીના ધન્વન્તરિ હોસ્પિટલમાં પણ બીજી મે ની સ્થિતિએ ૬૪૧ જેટલા દર્દીઓ દાખલ થયા છે. સરકારે કહ્યું છે કે, તેમણે આરટીપીસીઆરના મશીનો વધારીને ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો કર્યો છે. સરકાર પાસે જ ૭ર મશીનો છે. ટેસ્ટ માટે તમામ લેબોરેટરી જે અગાઉ ર શીફ્ટમાં ચાલતી હતી તે હવે ર૪ કલાક ચાલે છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો લીધો ઉધડો

યુનિવર્સિટીઓને ટેસ્ટીંગ માટે આદેશ કરોઃ હાઈકોર્ટ

અમદાવાદ તા. ૪ઃ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સુનાવણી દરમ્યાન સરકારી પક્ષે સ્વીકાર્યું કે યુનિવર્સિટીઓ રાજ્ય સરકારને ગાંઠતી નથી. સરકાર દ્વારા યુનિવર્સિટીઓને વિનંતી કરાયા પછી સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ ચર્ચા સાથે કરવામાં આવી રહી રહી છે. અદાલતે આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે યુનિવર્સિટીઓને ટેસ્ટીંગ માટે સરકારે વિનંતી કે ચર્ચા કરવાની ન હોય, પણ આદેશ જ કરવાનો હોય. કમલ ત્રિવેદીએ સરકાર તરફથી દલીલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર આ દિશામાં કાર્યરત છે. સરકાર કાંઈ છુપાવવા માંગતી નથી. આજની તારીખે ૭૧ મશીનો કામ કરી રહ્યા છે. ટોકન સિસ્ટમ હટાવી લેવાઈ છે. હાઈકોર્ટે પૂછ્યું કે મ્યુનિ. કમિશ્નરની કામગીરી પર કે કોર્પોરેશન પર રાજ્ય સરકાર દેખરેખ રાખતી નથી. તે પછી સરકારે જાહેર કર્યું કે જો યુનિવર્સિટીઓ ટેસ્ટીંગ માટે સહયોગ નહીં આપે તો રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit