Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રયાગરાજના કુંભમેળામાં તમામ ૧૩ અખાડા સામેલ થયા છેઃ જૂનાગઢમાં શિવરાત્રિ પર્વે વિવિધ અખાડાઓ હાજરી પુરાવે છે
ભારતીય સંસ્કૃતિમાં અખાડાઓ પ્રાચીનકાળથી મહત્ત્વ ધરાવે છે. અખાડાઓ સાધુઓનો એવો સમૂહ છે જે વિવિધ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રરક્ષા અને ધર્મરક્ષા માટે કામ કરે છે. આ પ્રકારના ઉદેશથી દેશ અને ધર્મ બન્નેની રક્ષા માટે અખાડાના સાધુઓ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો પણ ઉપયોગ કરતા રહ્યા. મહાભારતમાં પણ જરાસંઘના અખાડાનો ઉલ્લેખ જોવા મળે છે. બે પ્રકારના અખાડા હોય છે, જેમાં (૧) મલ કુસ્તી માટેના અખાડા અને (૨) સાધુ સંતોના અખાડા. પ્રયાગરાજમાં કે ગિરનારના શિવરાત્રિના મેળામાં આવે છે તે સાધુ સંતોના અખાડા હોય છે. જૂનાગઢમાં શિવરાત્રિ પર્વ પ્રસંગે શાહી સ્નાન માટે આવતા નાગા બાવાઓના અખાડા સામાન્ય રીતે કોઈ ધાર્મિક પ્રસંગોએ જોવા મળતા નથી, તે માત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરમાં એક રાત્રિએ જ એકત્ર થાય છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં અખાડા અતિ પ્રાચીન માનવામાં આવે છે. સામાન્ય રીતે ૧૩ પ્રકારના અખાડા છે. ઉત્તર પ્રદેશના મહાકુંભના સ્થળ પ્રયાગરાજમાં આ તમામ ૧૩ અખાડા ઉપસ્થિત રહ્યા છે. અખાડા સનાતન ધર્મની ધરોહર છે.
એન્જિઑગ્રાફીના લેખક મૂળ જૂનાગઢના વતની છે, માટે તેને ૪૦ વર્ષ પહેલાનાં ભવનાથના શિવરાત્રિના અદ્ભુત મેળાનો અનુભવ છે. શિવરાત્રિની રાત્રિએ નાગા બાવાઓના સરઘસની રવાડી નીકળે તે જોવા માટે મોટી જનમેદની ઉપસ્થિત હોય. ઢોલ, નગરાં અને વિવિધ વાદ્યો સાથે અંગ કસરતના ખેલ કરતાં અસંખ્ય નાગા બાવાઓ ભવનાથના મૃગી કુંડ તરફ પ્રયાણ કરે અને ત્યાં શાહી સ્નાન કરે. આ નાગા બાવાઓ પૈકીનાં કેટલાક અઘોરી પણ હોય છે. શાહી સ્નાન બાદ તમામ ગિરનારના જંગલમાં ચાલ્યા જાય છે. સામાન્ય દિવસોમાં તે ક્યાંય જોવા નથી મળતા.
આ લેખકે અનેકવાર ત્યાં ભાંગનો પ્રસાદ લીધો છે. અહી ભાંગ, ચરસ, ગાંજો જેવા નશીલા દ્રવ્યો અનેક સાધુઓ અને અખાડાઓમાં જોવા મળતા હતા, અનેક સંસારીઓ તેની મજા લેવા સાધુઓની સેવા ચાકરી પણ કરતાં હતા!
વર્તમાન
કુંભ મેળા કે ભવનાથના મેળાનું હવે આધુનિકરણ થઈ ગયું છે, ઓરિજિનલ ફ્લેવર રહી નથી. મારા મતે આવી પ્રાચીન પરંપરાઓના મેળાવડાઓમાં સરકારે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. કુંભના મેળામાં ફિલ્મી કલાકારોના મનોરંજન કાર્યક્રમો યોજાય તો અખાડાઓની મજા મરી જાય છે.
સાંસ્કૃતિક મહત્ત્વ
ગુજરાતમાં પણ મુખ્યત્ત્વે જૂનાગઢ ભારતીય સંસ્કૃતિમાં અખાડાઓ પ્રાચીનકાળથી મહત્ત્વ ધરાવે છે. અખાડાઓ સાધુઓનો એવો સમૂહ છે જે સંકટના સમયે રાજધર્મથી વિરૂદ્ધ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રરક્ષા અને ધર્મરક્ષા માટે કામ કરતો હતો. આ પ્રકારના સંકટથી દેશ અને ધર્મ બન્નેની રક્ષા માટે અખાડાના સાધુઓ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો પણ ઉપયોગ કરતા હતા. તેથી અખાડા અંતર્ગત પહેલવાનો માટે એક મેદાન હતું જેનો ઉપયોગ શરીર શૌષ્ટવ વધારવા માટે થતો હતો. સાધુઓ જુદા-જુદા દાવપેચ અજમાવીને અભ્યાસ કરતા હતા. સાધુઓના આ અખાડા પરથી વ્યાયામ શાળા માટે પણ આ શબ્દ પ્રચલિત બન્યો હોવાનું માનવામાં આવે છે.
વર્તમાનમાં અખાડા
ભારતના સાધુઓમાં અખાડા પ્રથા આજે પણ મહત્ત્વ ધરાવે છે. ભારતના સૌથી મોટા સાધુઓના કુંભમેળામાં સાધુઓના દેશભરના અનેક અખાડાઓના દર્શન થાય છે. સાધુઓના અખાડાઓ આવેલા છે. શિવરાત્રિના મેળામાં આ સાધુઓ વિવિધ અંગ કસરતના કરતબો અજમાવે છે. આ બન્ને મેળાઓમાં સાધુઓના અખાડાઓ સંમેલિત થઈને શાહી સ્નાન કરે છે. જદુનાથ સરકારે દશાનામી સંપ્રદાયના નિર્વાણી અખાડા દ્વારા તેમને આપવામાં આવેલી ૧૯મી સદીની હસ્તપ્રતના આધારે વિવિધ અખાડાઓની સ્થાપના તારીખનું દસ્તાવેજીકરણ કર્યું.
દશનામી સંપ્રદાયમાં ૧૦ અખાડા છે, જેમાંથી ૬ પ્રાચીન અખાડા છે. સરકાર દ્વારા ટાંકવામાં આવેલી હસ્તપ્રત ૬ અખાડાઓના વડાની વંશાવળીની વિગતો આપે છે. આ હસ્તપ્રત મુજબ, ૬ લશ્કરી અખાડા નીચેના વર્ષોમાં સ્થાપવામાં આવ્યા હતા, દશનામી લશ્કરી અખાડાઓમાં માંસ ખાવા અથવા નશીલા પદાર્થો લેવા પર પ્રતિબંધ હતો.
(૧) આવાહન અખાડા (૨) અટલ અખાડા (૩) નિર્વાણી અખાડા (૪) નિરંજની અખાડા (૫) જુના અખાડા જે મૂળરૂપે ''ભૈરવી અખાડ'' તરીકે ઓળખાતું હતું. (૬) આનંદ અખાડા.
અખાડામાં ચોક્ સંપ્રદાય હોય તેની માન્યતાની એક ચોક્કસ પ્રણાલી છે અને તેની અંદર કોઈ ચોક્કસ ગુરૂના વંશને પરંપરા કહેવામાં આવે છે. ત્યાં ૩ અલગ-અલગ માન્યતા-પ્રણાલી સંપ્રદાય છે (વૈષ્ણવ, શૈવ અને દશાનામી સંપ્રદાય), જેમાંથી દરેક ૩ પ્રકારના ગુરૂ-શિષ્ય પરંપરા વંશ (દેવ, ઋષિ અને માનવ પરંપરા) માંથી એકને અનુસરે છે, દરેક સંપ્રદાય-પરંપરામાં શાસ્ત્રધારીઓના અનેક અખાડા હોઈ શકે છે. (બૌદ્ધિક) અથવા અસ્ત્રાધારી (યોદ્ધાઓ), અને મોટા અખાડામાં એક અથવા વધુ કાયમી માથાઓ (વડા) હોઈ શકે છે.
અખાડાના બે પ્રકાર છે.. શાસ્ત્રધારી અને અસ્ત્રાધારી. આદિ શંકરાચાર્યએ દશનામી સંપ્રદાયની સ્થાપના કરી, ત્યારે તેમણે તપસ્વીઓને બે વર્ગોમાં વિભાજિત કર્યાઃ (૧) શાસ્ત્રધારી (શાસ્ત્ર ધારકો) બુદ્ધિજીવીઓ અને (૨) અસ્ત્રાધારી (શબ્દશસ્ત્ર ધારકો) યોદ્ધાઓ. આ નાગા સાધુઓ (દશનામી સંપ્રદાયનો પેટા સમૂહ)નો સંદર્ભ આપે છે, જે શંકરાચાર્ય દ્વારા હિંદુ સેના તરીકે કામ કરવા માટે બનાવવામાં આવેલ સશસ્ત્ર આદેશ છે. આ શસ્ત્રો ધરાવનાર સાધુઓ જરૂર પડે ત્યારે યોદ્ધા કે રક્ષક તરીકે સેવા આપતા હતા અને આ રીતે તેઓ અખાડા અથવા રેજિમેન્ટમાં વહેંચાયેલા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટીતંત્રે અખાડાઓની લડાયક ભૂમિકાને મર્યાદિત કરી હતી. હાલમાં, નાગા સાધુ હજુ પણ શસ્ત્રોવહન કરે છે, પરંતુ તેઓ કુસ્તી સિવાય કોઈ પણ પ્રકારની લડાઈની પ્રેક્ટિસ ભાગ્યે જ કરે છે.
પ્રયાગરાજ કુંભ
આ મહા કુંભ મેળા વહીવટીતંત્રે ૧૩ અખાડાઓને ત્રણ મુખ્ય સ્નાન દિવસોમાં 'રાજસી સ્નાન' (જેને 'અમૃત સ્નાન' અને 'શાહી સ્નાન' પણ કહેવાય છે) માટે મંજૂરી આપી છે જેમાં કયા સમય અને ક્રમમાં કરવામાં આવશે તે અંગેનું સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જે ૧૩ મુખ્ય અખાડાઓ છે તેમાં (૧) મહા નિર્વાણી અખાડા (૨) નિરંજની અખાડા (૩) જૂના દશનામ અખાડા (૪) અવહાન અખાડા (૫) નિર્મોહી અખાડા (૬) દિગંબર અખાડા (૭) નિર્વાણી અખાડા (૮) નવા ઊદાશીન અખાડા (૯) બાબા ઊદાશીન અખાડા (૧૦) નિર્મલ અખાડા (૧૧) અટલ અખાડા (૧૨) આનંદી અખાડા (૧૩) અગ્નિ અખાડા.
રાજકીય
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વૈશ્વિક રીતે હિન્દુ સમ્રાટ તરીકે ઊભરી આવ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પછી કોણ? તેવા સવાલના જવાબમાં હવે હિન્દુ મહા નેતા તરીકે યોગીજી પ્રસ્થાપિત થયા છે. પ્રયાગરાજના મહાકુંભ મેળા પછી હવે તે સીધી રીતે દિલ્હીની દોડમાં આગળ નીકળી ગયા છે. ભાજપમાં પણ તે ટ્રેન્ડિંગ કરી રહ્યા છે.
સંગઠન
સાધુ સંતોના અખાડાઓની મહા પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે, જે સમયાંતરે મળે છે અને સંગઠન માટે ચર્ચા કરે છે. વિવાદ થાય ત્યારે ન્યાય નિર્ણય પણ કરે છે. અખિલ ભારતીય અખાડા પરિષદ હિન્દુ સમાજમાં અખાડાઓની પ્રણાલી પર આધારિત છે. સંસ્કૃતમાં અખાડાનો શાબ્દિક અર્થ કુસ્તીનું મેદાન થાય છે, પરંતુ તે ચર્ચાનું સ્થળ પણ દર્શાવે છે. હિન્દુ ધર્મના સ્વરૂપ અને હિન્દુ ફિલસૂફીના આધારે આવા ૧૩ સંગઠનો છે જે પરિષદને અનુસરે છે. મોટાભાગના અખાડા વૈષ્ણવ (વિષ્ણુના ભક્તો) અને શૈવ (શિવના ભક્તો) છે.
જ્યારે અખિલ ભારતીય અખાડા પરિષદ ચૂંટણી રાજકારણમાં ભાગ લેતું નથી, હિન્દુ સમાજમાં તેનું સ્થાન એક અગ્રણી હિન્દુ નેતૃત્વ સંગઠન તરીકે ખૂબ મહત્ત્વનું છે. કેટલીકવાર, તેણે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સહયોગ કર્યો છે, જે એક હિન્દુ ધાર્મિક સંગઠન છે. તે રાજકારણમાં વધુ ખુલ્લેઆમ સામેલ છે અને હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોના સંઘ પરિવારનો ભાગ છે. અખિલ ભારતીય અખાડા પરિષદે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદના સ્થળે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટેના આંદોલનને પ્રોત્સાહન અને સમર્થન આપ્યું છે. આ સ્થળ હિન્દુ દેવતા રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. ૧૯૮૯માં નિર્મોહી અખાડાએ આ સ્થળ અંગે મુકદ્દમો દાખલ કર્યો હતો, અને ૨૦૧૦ માં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા તેમના દાવાને સમર્થન આપવામાં આવ્યું હતું, જેણે અખાડાને સ્થળના એક તૃતીયાંશ ભાગનો નિયંત્રણ આપ્યો હતો.
નૈસર્ગિક
અખાડામાં દિક્ષા લેનાર સાધુ સંતો દુન્યવી બાબતોથી દૂર રહે તેવો સામાન્ય રિવાજ છે. સુખ અને ભોગ વિલાસ તેમના માટે વર્જ્ય છે. લઘુતમ વસ્ત્રો સાથે સતત ધર્મ આરાધના અને તપસ્યા કરતા રહે છે. કંદમૂળ ખાઈને જીવે છે. વસ્તીથી દૂર એકાંત કે જંગલમાં નિવાસ કરે છે અને સતત પ્રવાસ કરતા રહે છે. જૂનાગઢમાં શિવરાત્રિની રાત્રિએ નાગા બાવાઓનું સરઘસ નીકળે છે તે તેની નૈસર્ગિક જીવન શૈલી છે. પાંચ દાયકા પહેલાં નાગા બાવાઓ મૃગી કુંડમાં શાહી સ્નાન કરતા અને આજે કરે છે તેમાં ઘણો ફરક છે. હાલમાં સદા સાધુઓ પણ વસ્ત્રહીન થઈ નાગાબાવાના સરઘસમાં ભળી જઈ ડૂબકી લગાવે છે. નકલી સાધુઓનો રાફડો ફાટ્યો છે.
જ્યાં અખાડાઓ પ્રવૃત્તિ કરતા હોય ત્યાંથી સરકારે દૂર રહેવું જોઈએ. પ્રયાગમાં હવે નૈસર્ગિક કુંભમેળો રહ્યો નથી. સાધુઓ પણ ભૌતિક સુખ સુવિધાઓ ધરાવતા થયા છે. કેટલાક સાધુઑ અતિ મોંઘા મોબાઈલ, લેપટોપ કે ટેબ વાપરતા થયા છે. હાર્લી ડેવિસન કે બી. એમ. ડબલ્યુ. જેવી મોંઘી બાઇક વાપરે છે. તેમને પણ આધુનિકતાનો પવન લાગી ગયો છે.
કુંભ એ અતિ પ્રાચીન પરંપરા છે, તેના આયોજનની એક અલાયદી વ્યવસ્થા હોય છે, જે સંપૂર્ણ રીતે અખાડા અને સાધુઑ હસ્તક હોય છે. સરકારે તેના આયોજનમાં પડવું ન જોઈએ. ત્યાં વાતાનુકૂલિત નગર ઊભું કરવું, ફિલ્મ કલાકારોના કાર્યક્રમો યોજવા, વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કરવા જેવી બાબતો આ નૈસર્ગિક ઉજવણીમાં વિક્ષેપ ઊભો કરે છે. કુંભનો પ્રચાર કરવાથી લાખો કરોડો લોકો ત્યાં ઉમટી પડે છે જેમને એક ઉત્કંઠા સિવાઈ બીજો કોઈ હેતુ હોતો નથી.
મહાકુંભનું પ્રવાસન વધારવાના ઉદ્દેશથી સરકારે સંચાલન કે આયોજન ન કરવું જોઈએ. ત્યાં મહા સ્નાન માટેની જગ્યા મર્યાદિત છે, ત્યાં કરોડો લોકો ધસારો કરે તો ત્યાંની પવિત્રતા કે પર્યાવરણ જાળવી નથી શકાતી. ગુજરાતમાંથી ૨૦ લાખ લોકો ત્યાં જવાની ધારણા છે.
કુંભના મેળામાં પવિત્રતા, પર્યાવરણ અને પરંપરા જળવાઈ રહે તે માટે જાગૃત બનવા માટે અનુરોધ છે.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial