વાલ્મિકીવાસ પાસેથી શરાબના પાંચ ચપલા સાથે એક ઝબ્બેઃ દેશી દારૃની ભઠ્ઠી પકડાઈ

જામનગર તા. ૪ઃ જામનગરના દિગ્વિજય પ્લોટમાં આવેલા વાલ્મિકીવાસ પાસેથી પોલીસે એક શખ્સને અંગ્રેજી શરાબના પાંચ ચપલા સાથે પકડી પાડ્યો છે જ્યારે ખીજડીયા બાયપાસ પાસેથી પાંચ બોટલ લઈ જતો શખ્સ ઝડપાયો છે અને શેખપાટમાંથી દેશીદારૃની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં દિગ્વિજય પ્લોટ ૪૯માં વાલ્મિકીવાસ નજીકથી પસાર થતાં જીતેન્દ્ર દેવજીભાઈ પરમાર ઉર્ફે પીન્ટુ નામના શખ્સને રોકાવી પોલીસે તેની તલાસી લેતા તેના કબજામાંથી એક બોકસ મળી આવ્યું હતું.

તે બોક્સમાંથી રાજસ્થાન માટે બનાવવામાં આવેલી વ્હીસ્કીની પાંચ નાની બોટલ નીકળી પડતા પોલીસે ૧૮૦ એમએલના આ પાંચ ચપલા કબજે કરી જીતેન્દ્રની ધરપકડ કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસ પાસેથી ગઈકાલે બપોરે પસાર થયેલા જીજે-૧૦-બીએસ-૬૨૬૪ નંબરના મોટરસાયકલને પોલીસે રોકાવી તેના ચાલક રાજપાર્કવાળા જયેશ મનસુખલાલ ગઢવીની તલાસી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ સાંપડી હતી. પોલીસે બોટલ તથા મોટર સાયકલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

જામનગર તાલુકાના શેખપાટ ગામ પાસે દેશીદારૃ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી ત્રાટકેલા પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા શેખપાટના જ ઘોઘુભા નટુભા સોઢા નામના શખ્સની ભઠ્ઠી પકડાઈ ગઈ હતી. ત્યાંથી આથો, તૈયાર દેશી દારૃ તથા ભઠ્ઠીના સાધનો કબજે કરી પોલીસે ઘોઘુભાની અટકાયત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit