ખેડૂત આંદોલન પણ જવાબદારઃ લોકોએ સાવચેત રહેવાનું છોડી દીધું, તે મુખ્યકારણ
નવી દિલ્હી તા. ૭ઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને સ્વીકાર્યું કે, ચૂંટણીઓ તથા લગ્ન સમારંભોના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમણે ખેડૂત આંદોલન તેમજ લોકોએ સાવધ રહેવાનું છોડી દીધું, તેનું પણ મુખ્યકારણ ગણાવ્યું છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને મંગળવારે એ ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-૧૯ના નવા કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી બેઠક દરમિયાન ડો. હર્ષવર્ધને કોવિડ-૧૯ ના વધતા કેસ માટુ મોટા મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, ખેડૂત આંદોલન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ ગણાવ્યું.
બેઠકમાં મહારાષ્ટ્ર, છત્તીશગઢ, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી સામેલ હતાં. ડો. હર્ષવર્ધને સ્પષ્ટપણે કહ્યું કે દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને આ ૧૧ રાજયોમાં અચાનક કેસમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દીધું એવું લાગે છે કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને તિલાંજલી આપી છે. ન તો લોકો માસ્ક પહેરે છે, ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે અને ન તો ભીડમાં કમી છે, જેના કારણે કોરોના વાયરસના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, ગત વર્ષે આપણી પાસે રસી પણ નહતી અને તમામ નિયમોનું પાલન પણ કરાયું હતું જેના કારણે કેસ ઓછા થયા હતાં.
ડો. હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજય છત્તીશગઢમાં પોઝિટિવીટી રેટ ૨૦ ટકા અને ગ્રોથ રેટ ૮ ટકા છે. જયારે ૮૦ ટકા યુકે વેરિએન્ટ પંજાબમાં મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, છત્તીશગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં સામે આવનારા કેસમાંથી ૮૧.૯૦ ટકા કેસ આ રાજયોમાંથી સામે આવ્યા છે.