ખેતીબેંક દ્વારા કરાયેલી વિવાદ અરજીમાં વિલંબ માફ કરવા ઈન્કાર

જામનગર તા. ૭ઃ જામનગરના એક આસામીએ અગિયાર વર્ષ પહેલાં ખેતીબેંકમાંથી લોન મેળવ્યા પછી  પોતાની જમીન ગીરવ મૂકી હતી. તે જમીન અન્યના નામે ટ્રાન્સફર થઈ ગયાની રજુઆત સાથે બેંક દ્વારા પ્રાંત અધિકારીની અદાલતમાં ધા નાખવામાં આવી હતી. તેની સામે કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી પ્રાંત અધિકારીએ બેંકની વિલંબ માફની અરજી નામંજૂર કરી છે.

જામનગર તાલુકાના ફલ્લા અશોક મનજીભાઈ બોડા નામના આસામીની ખેતીની જમીન રે.સ.નં. ૧૪૮માં આવેલી છે. તે જમીન માટે અશોકભાઈએ વર્ષ ૨૦૦૯માં રૃા.બે લાખની લોન મેળવી જમીન ગીરવ મૂકી હતી. તે લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી આ જમીન અશોકભાઈ કોઈને ટ્રાન્સફર કરી ન શકે તેમ હોવા છતાં બેંક દ્વારા તપાસ કરાવાતા આ જમીન સવજીભાઈ વિરજીભાઈ ગાંભવાને ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું.

લોન આપનાર ખેતી બેંકે મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી (ગ્રામ્ય)ની અદાલતમાં ઉપરોકત લોનની ચૂકવણી કરાયા વગર જમીન બાબતની વેંચાણની નોંધ વર્ષ-૨૦૧૬માં પડાવી લેવાઈ હોવાની રજુઆત સાથે વિવાદ અરજી કરી હતી. તેની સાથે વિલંબ માફની અરજી પણ દાખલ થઈ હતી. જેની નોટીસ જમીનના ખરીદદાર સવજીભાઈ ગાંભવાને મળતા તેઓએ પોતાના વકીલ મારફત અદાલતમાં દલીલ કરી હતી કે બેંક પાસેથી જમીન માલિકે ધીરાણ મેળવ્યા પછી તેની ભરપાઈ કરી હોવાની વાત કર્યા પછી બેંક દ્વારા તા. ૪-૪-૧૬ના દિને ગીરો બોજાની નોંધ કરવાનો દાખલો અપાયો છે અને તેના આધારે અશોક નારણભાઈ દલસાણીયાની નોંધ પ્રમાણીત થઈ છે. તે નોંધ અંગે વિવાદી બેંકને નોટીસ બજાવ્યા પછી મંજૂર થઈ છે.

તે ઉપરાંત જમીન મહેસુલ કાયદા હેઠળ નિયત કરાયેલી સમયમર્યાદાથી વધુ સમય પછી અરજી થઈ હોય, વિલંબ માફ કરવા માટેના પુરતા અને સંતોષકારક કારણ હોવા જોઈએ. તે રજુ થયા નથી. બેંકે ચાર વર્ષ ઉપરાંતના સમય સુધી શું કાર્યવાહી થઈ ? તેની વિગતો રજુ થઈ નથી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી પ્રાંત અધિકારીએ વિવાદી બેંકની વિલંબ માફ કરવાની અરજી નામંજૂર કરી છે. સવજીભાઈ ગાંભવા તરફથી વકીલ નાથાલાલ પી. ધાડીયા, પરેશ એસ.સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, હસમુખ મોલીયા, રાકેશ સભાયા, પ્રિયેન મંગે, ગજેન્દ્રસિંહ રોકાયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit