સ્પેનમાં કોરોનાથી ર૪ કલાકમાં ૭૩૮ અને ઈટાલીમાં ૬૮૩ ના મોતઃ ચિંતાજનક સ્થિતિ

નવી દિલ્હી તા. ર૬ઃ સ્પેન અને ઈટાલીમાં કોરોનાનો ક્રૂર પંજો પડતા ર૪ કલાકમાં જ સેંકડો લોકોના જીવ ગયા છે. બન્ને દેશોમાં મૃતદેહોના ઢગલા થતા સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

કોરોના વાયરસના કારણે દુનિયામાં સૌથી વધારે ખૌફનાક હાલત હાલમાં સ્પેન અને ઇટાલીની થયેલી છે. બંને દેશોમાં કોરોના વાયરસે ખૂબ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેતા એક પછી એક મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકની જ વાત કરવામાં આવે તો ઇટાલીમાં ૬૮૩ લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં તો ૭૩૮ લોકોના મોત થઇ ચુક્યા છે.

મોતના મામલે હવે ઇટાલી બાદ સ્પેન પણ ચીન કરતા આગળ છે. સ્પેનમાં મોતનો આંકડો વધીને ૩૬૪૭ સુધી પહોંચી ગયો છે. જ્યારે ઇટાલીમાં મોતનો આંકડો ૭૫૦૩ સુધી પહોંચી ગયો છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા.

ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા.  કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જોવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધી છે. ઇટાલીમાં ચિંતાજનક રીતે મોતનો આંકડો અને કેસોની સંખ્યા વધી રહી છે. ઇટાલીમાં મોતનો આંકડો તો કોરોના વાયરસની જ્યાંથી શરૃઆત થઇ હતી તે ચીન કરતા હવે વધી ગયો છે. ઇટાલી અને સ્પેનમાં  ચારેબાજુ કોરોના વાયરસના કારણે લાશોના ઢગલા થઇ ગયા છે. સ્થિતિ એટલી હદ સુધી વણસી ગઇ છે કે મૃત્યુ પામેલા લોકોને પરિવારના સભ્યો અલવિદા કહેવાની સ્થિતિમાં પણ નથી. ઇટાલીમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને દર્દીઓની જર્મનીમાં પણ સારવાર કરવામાં આવી રહી છે. ઇટાલીમાં એક દિવસમાં જ ૫૨૪૯ નવા મામલા સપાટી પર આવ્યા છે. જ્યારે કોવિડના કારણે સકંજામાં આવી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૬૯૧૭૬ સુધી પહોંચી ગઇ છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૬૮૨૦ સુધી પહોંચી ગઇ છે. બે દિવસ સુધી આંકડા ઘટી ગયા બાદ ઇટાલીના નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યુટના ચીફ સિલવિયો બ્રુસાફેરોએ કહ્યુ હતુ કે આ સકારાત્મક નંબર છે. પરંતુ સ્થિતિ સુધરી રહી છે તેમ કહેવા માટે સાહસ કરી શકાય નહીં.ઇટાલી સરકાર ભારે પરેશાન છે. સ્થિતિને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી.

બીજા  વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૃ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે છ વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતા.  એટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે.

 હવે સ્થિતિને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે. ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.

close
Nobat Subscription