લગ્ન પહેલાં જ બનેવીએ સાગરિતો સાથે મળીને સાળા પર છરીથી હુમલો કર્યો

જામનગર તા. ૨૩ઃ ઓખામાં મફતીયાપરામાં રહેતા એક યુવાનના ઘરમાં ગુરૃવારે રાત્રે ઘૂસી ગયેલા છ શખ્સે છરી વડે હુમલો કરી આ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાનની માસીની દીકરી સાથે એક આરોપીની સગાઈ થઈ હતી. તેણે લગ્નની ઉતાવળ કરતા આ યુવાનને શાંતિ રાખવાનું કહેતા તેમના પર હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા બર્માસેલ કવાટરમાં રહેતા અને કડીયા કામ કરતા હમીરભા માનસંગભા માણેક પર ગુરૃવારે રાત્રે જીતુ તેમજ શ્યામ બાબુભા, શિવમ, ડુંગર, અજય તથા એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી છરી વડે હુમલો કરી માર માર્યો હતો. આ શખ્સોએ હમીરભાને પકડી રાખ્યો હતો જ્યારે જીતુએ વારાફરતી છરીના ચાર ઘા માર્યા હતાં. ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે ગઈકાલે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યા મુજબ હમીરભાઈની માસીની દીકરીની અગાઉ જીતુ સાથે સગાઈ કરવામાં આવી હતી. ત્યારપછી જીતુ અવારનવાર પોતાના ભાવી સાસુ સાથે લગ્ન ઝડપથી કરાવી દો તેમ કહી ઝઘડો કરતો હતો. તે બાબત હમીરભાના ધ્યાનમાં આવતા તેણે જીતુને ઉતાવળ નહીં કરતા કહ્યું હતું આથી બોલાચાલી થયા પછી ગુરૃવારે રાત્રે જીતુ સહિતના છ શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતાં. આરોપીઓએ માર માર્યા પછી હવે વચ્ચમાં બોલતો નહીં, જો બોલીશ તો પતાવી દઈશુ તેવી ધમકી પણ આપી હતી. પોલીસે હમીરભાની ફરિયાદ પરથી હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit