Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોટા આવકવેરા પત્રકો ભરનાર લોકોને લક્ષ્મીજીનું પૂજન કરવાનો નૈતિક અધિકાર નથી
પ્રભુએ નવું વર્ષ આપ્યું છે, તો માણસે પણ નવું જીવન શરૂ કરવું જોઈએ. આ ઈસુનું નવું વર્ષ છે, ભગવાન ઈસુનો જન્મ થયો, હિન્દુ કેલેન્ડરમાં પણ કારતક માસથી નવું વર્ષ શરૂ થયું છે. ભગવાન રામ અનિષ્ટ રાવણ ઉપર વિજય મેળવી પરત ફર્યા હતા. આપણે પણ અનિષ્ટો ઉપર વિજય પ્રાપ્ત કરી નવા જીવન કે નવા આચાર-વિચારોનો પ્રારંભ કરવો જોઈએ. જીવીત વિશ્વમાં એક માત્ર સાપ જ સમયાંતરે પોતાના આવરણ સમાન કાંચળી ઉતારે છે, બીજા કોઈ જીવમાં આવી દુર્લભ વ્યવસ્થા નથી! માણસો તો સ્વાર્થ માટે નીતનવા રંગ-રૂપ ધારણ કરતા રહે છે. ધર્મ અને સાદગીના પાઠ ભણાવતા લોકો લકઝરી લાઈફ જીવે છે, ચાર્ટર્ડ વિમાનોમાં ઊડે છે અને સંસારી કરતાં વધુ સુખ સુવિધાઓ ભોગવે છે. એક માત્ર સામાન્ય માનવી જ સામાન્ય જિંદગી જીવે છે બાકી બધા સાદગીના નાટકો કરે છે!
એક રાજાને વિચાર આવ્યો કે મારા રાજમાં કેટલા લોકો એવા છે કે જે મારા નિર્ણય કે આદેશને માન આપે છે તે ચકાશું. તેને શહેરની વચ્ચે કુંડ બનાવ્યો અને તેના ઉપર સફેદ કપડું ઢાંકી દીધું, અને આદેશ કર્યો કે દરેક નાગરિકે તેમાં એક કળશો દૂધ નાખવાનું. થોડા પવિત્ર લોકોએ દૂધ નાખ્યું, બીજા લોકોએ વિચાર્યું કે બધા જ દૂધ નાખે છે, ત્યારે હું એક લોટો પાણી નાખીશ તો કોઈને ખબર નહીં પડે અને દૂધમાં ફર્ક નહીં પડે! શહેરના મોટાભાગના લોકોએ આવું વિચારી હોજમાં પાણી ઠાલવ્યું, રાજાએ સફેદ કપડું દૂર કર્યું ત્યારે ખબર પડી કે પોતાના રાજમાં ઘણાં તકલાદી મનોવૃત્તિવાળા લોકો છે.
આ વાર્તા બહુ જૂની અને ચવાઈ ગયેલી છે, પરંતુ આજના સમયમાં પણ સો ટકા બંધ બેસતી કથા છે. હું એક જ કચરો જાહેરમાં ફેંકીશ તો શું ફર્ક પડશે? હું એક કરવેરા નહીં ભરૃં, તો શું ફર્ક પડશે? હું એક ભેળસેળ કરીશ તો શું ફર્ક પડશે? આવું વિચારી મોટાભાગના લોકો રાષ્ટ્રને નબળું પાડે છે!
૨૦૨૫ ના વર્ષમાં નાના-મોટા, ધનિક-નિર્ધન, સ્ત્રી-પુરૂષ સૌ કોઈએ એક સારો નિર્ણય કરવો જોઈએ. દરેક વ્યક્તિ એક પવિત્ર નિર્ણય કરે તો સમાજને લાભ થશે. કુંડમાં દૂધ જ નાખવાનો નિર્ણય તમામ લોકો કરે તો રામરાજ્ય દૂર નથી. રામની જરૂર નથી, રામ જેવા કર્મો કરવાની આવશ્યકતા છે. વર્તમાન વર્ષને સચ્ચાઈના વર્ષ તરીકે ઉજવો. જો કે આવી મધમીઠી સલાહ તો હજારો મોટીવેશનલ વકતાઓ આપે છે, પરંતુ આપણને તે કાનથી આગળ ઊતરતી જ નથી.
સત્યના પ્રયોગો
મહાત્મા ગાંધીજીની આત્મકથાના ઉલ્લેખ વગર સત્યની મહત્ત્વતા અધૂરી ગણાય. મારી જાણ અનુસાર ગાંધીજી પછી કોઈપણ રાજકીય કે સામાજિક અગ્રણીએ સત્યનો ઉલ્લેખ કરી કાર્ય કર્યા નથી. કદાચ સત્યને અભેરાઈ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. ગાંધીજીના સત્યના પ્રયોગોના ફળ આપણે આરોગી રહ્યાં છીએ, પરંતુ હવે નવા નેતાઓ દ્વારા પ્રજાને ઓર્ગેનિકને બદલે પરાણે પકવેલા ફળ ખવડાવવામાં આવી રહ્યાં છે! પરિણામ શું આવશે તે રામ જાણે.
સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
દેશમાં ચૂંટણી લડતા લોકોએ પોતાની મિલકતોની જાણકારી જાહેર કરવી જરૂરી છે, તે રીતે હવે આ લોકોએ પોતાના જીવનનો સત્ય ટૂંકસાર પણ આપવાનું ફરજિયાત કરવું જોઈએ. દરેક ઉમેદવારે ખુલ્લા મને પાપોનું શાબ્દિક પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રજા હવે ઠાલા વચનોથી થાકી ગઈ છે! ગાંધીજીના સત્યના પ્રયોગો આત્મકથા દરેક લોકો માટે અલ્ટિમેટ ગાઈડલાઇન છે, અવશ્ય વાચવી અને અનુસરવી જોઈએ.
આજે અહીં કેટલાક સરળ અને અમલમાં મૂકી શકાય તેવા નિર્ણયોની ચર્ચા કરવી છે. એન્જિઑગ્રાફીના વાચકો એકાદ પ્રણ લે તેવી આગ્રહભરી વિનંતી છે.
સત્ય વક્તા
સમાજમાં અસત્ય બહુ મોટું ઘર્ષણ પેદા કરે છે. વારંવાર અસત્ય બોલવાથી ભરોસાની કડી તૂટે છે. દરેક વ્યક્તિએ સત્ય બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. કળીયુગમાં કદાચ રોજ સત્ય બોલવું શક્ય ન હોય તો સપ્તાહમાં ચોક્કસ દિવસે સત્ય બોલવું. આ માટે ચોક્કસ વાર પણ નક્કી કરવો. આ દિવસે જો સત્યનું ઉચ્ચારણ ન થઈ શકે તો મૌન પાળી સામેની વ્યક્તિની માફી માંગી લેવી. સત્ય હમેશાં અસત્યથી લાંબુ ટકે છે. સત્ય ગંગાજળ જેવું પવિત્ર છે, તેનું પાન અનેક વિટંબણાઓ દૂર કરે છે. સોશિયલ મીડિયા ઉપર જાહેર કરી દેવું કે, આ ચોક્કસ વારે હું સત્ય જ બોલીશ! દેશના ૧૫૦ કરોડ લોકો જો આવો નિર્ણય કરે તો ૧૫૦ કરોડ સત્યોનું ઉચ્ચરણ થાય!
સત્ય આચરણ
આ બહુ જરૂરી છે. ડગલેને પગલે અસત્યનું આચરણ યુદ્ધ પેદા કરે છે. સત્ય બોલવું અને સત્યનું આચરણ કરવું તેમાં બહુ મોટો ફર્ક છે. આવકવેરાના પત્રકમાં સાચી વિગતો જ ભરવી, તે સત્યનું આચરણ છે. ખોરાકમાં ભેળસેળ ન કરવી, દાદાગીરી ન કરવી, ખોટો દેખાડો ન કરવો, નબળા માણસને અન્યાય ન કરવો, પઠાણી વ્યાજ ન વસૂલ કરવું, દર્દીને બિનજરૂરી દવાઓ ન આપવી, સારવારમાં પણ પ્રમાણભાન રાખવું, અસીલને ખોટા ભ્રમમાં ન નાખવો જેવા અનેક સત્ય આચરણના માર્ગો છે.
કળીયુગમાં અસત્ય વ્યાપક અને સર્વત્ર છે. ડગલેને પગલે દરેક બાબતોમાં સંશય રહે છે. સત્યના આચરણને કારણે પ્રગતિની ગતિ ધીમી હોય છે, પરંતુ નક્કર હોય છે.
સત્ય જીવન
કળીયુગમાં સો ટકા સાચા જીવનની અપેક્ષા રાખી ન શકાય, પરંતુ ડગલેને પગલે અસત્ય પણ ચલાવી ન લેવાય. નવી પેઢીને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ખબર જ નથી. મારે તેની તલવારના યુગમાં ગાંધીજીને વાચવા કોણ નવરૂ છે? વર્તમાન સમયમાં દરેક નાગરિકે જીવનમાં એક સત્ય અપનાવવું જોઈએ. તંદુરસ્ત શરીર માટે આપણે નીતનવા અખતરા કરીએ છીએ, ચાલવું, દોડવું, ઉપવાસ, ભક્તિ, ઉજવણી વગેરે.. વગેરે. તો પછી સ્વચ્છ જીવન માટે સત્યના પ્રયોગો કેમ ન કરી શકીએ?
ધનિક લોકોને ઓછી આવકના પ્રમાણપત્રો મેળવવા માટે દોડધામ કરતાં જોઈને દયા આવે છે. સરકારી લાભો લેવા માટે હાથે કરીને ગરીબ દેખાવાની મનોવૃત્તિને હું માનસિક ગરીબી ગણું છું. આ દેશમાં કાગળ ઉપર ગરીબ દેખાવાની પણ ફેશન છે. શું આપણે આપણી સાચી આવક પણ ન બતાવીએ? આ દેશમાં નાણુ પણ કાળુ છે! એક તરફ લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરીએ અને બીજીતરફ તે અપવિત્ર થાય તેવા કાળા ધોળા કરીએ છીએ? ખોટા આવકવેરા પત્રકો ભરનાર લોકોને લક્ષ્મીજીનું પૂજન કરવાનો નૈતિક અધિકાર નથી. ડમી શાળાઓ ચલાવનાર સંચાલકોને સરસ્વતી માતાની પૂજા કરવાનો અધિકાર નથી. અસત્ય જીવન જીવતા લોકો માટે સંકટ મોચક હનુમાનજી પણ મદદે આવતા નથી.
સત્ય ભારત
હવે, સત્ય ભારત કરવાનો સમય પાકી ગયો છે. અસત્યના પાયા ઉપર મહાન ભારતની ઇમારત લાંબુ નહીં ટકે. સ્વચ્છ ભારત અભિયાન કરતાં પણ સત્ય ભારત અભિયાન બહુ મહત્ત્વનું છે. નરેન્દ્ર મોદી વિવિધ અભિયાનો સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે પ્રખ્યાત છે. તેમણે પોતાનું નામ દેશના ઇતિહાસમાં લખાવવા માટે આ ઉત્તમ માર્ગ છે. કદાચ, અડધો દેશ પણ સત્યનો માર્ગ અપનાવે તો બેડો પાર થઈ જાય! કળીયુગનો પ્રભાવ ચરમસીમા ઉપર છે. સેવાદારો હવે મેવાદારો બની ગયા છે.
ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામે અભિયાન ચલાવવામાં આવે છે. ખોવાયેલી કે ચોરાયેલી ચીજ વસ્તુઓ શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવે છે, આવી ઘટનાઓની પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે. ગુજરાત સરકારે આવી રીતે સત્ય વચન અભિયાન શરૂ કરવું જોઈએ. દિવસમાં એકવાર સાચું બોલવું જોઈએ. તેરા તુજકો અર્પણની જેમ નૈતિકતા અભિયાન શરૂ કરવામાં આવે તો પોલીસ વિભાગનું મનોબળ વધે તે નિશ્ચિત છે.
૨૦૨૫ ની સાલમાં પ્રામાણિકતા અને સત્યતા વધે તે માટે તમામ લોકોએ પ્રયાસો કરવા જોઈએ. તંદુરસ્ત જીવન માટે શુદ્ધ પર્યાવરણ મહત્ત્વનું છે તેમ તંદુરસ્ત સમાજ માટે સત્ય પ્રાણવાયુ છે. ઝાડ અને શબ્દ લીલાચ્છમ રહેશે તો જ જીવન મજબૂત બનશે.
સત્યનો સ્વાદ કડવો પણ હોય શકે છે, તો પણ ઔષધિ સમજીને આરોગી લેવું જોઈએ. મહાભારતમાં અશ્વસ્થામાં મરાયો જેવું અર્ધસત્ય ન બોલાયું હોત તો તેનો અંત કદાચ જુદો હોત. રાજ કપૂરની ફિલ્મ બૉબીમાં પણ જૂઠ બોલે, કૌવા કાટે, કાલે કૌવે સે ડરીઓ ગીત હતું. સાચી વાત છે, જૂઠ જેવા કાળા મનહૂસ કાગડાઓથી દૂર રહેવું જ જોઈએ. આપણે ધર્મભીરૂ પ્રજા છીએ, તો પણ રામ અને કૃષ્ણને બદલે વારંવાર શકુની અને મંથરા જેવું વર્તન કરવા માંડીએ છીએ. તસુભાર જમીન માટે મહાભારતમાં મોટો ઝગડો થયો હતો, આજે પણ જર, જમીન અને જોરૂ કજિયાના છોરૂ માનવામાં આવે છે.
શું આપણે નવા વર્ષમાં આવી અનેક માન્યતાઓને ખોટી ન પાડી શકીએ? આ અસત્ય નામનો મહારોગ વળગ્યો છે, જીવલેણ છે, જડીબુટ્ટી નજીકમાં મળે તેવી આશા નથી. સડેલી આ માનસિકતાને કાપીને દૂર ફેકી શકાય તેમ પણ નથી. આ મહાવ્યાધિને નેસ્તનાબૂત કરવા માટે એક માત્ર સત્ય નામના ઉપચારનો આશરો છે. રોજ થોડું થોડું સત્ય જીવતા રહેશું તો અસત્યને માત કરી શકીશું.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial