અયોધ્યામાં રામ મંદિરના નિર્માણાર્થે જગદ્ગુરુ શંકરાચાર્યજીની ચળવળ

દ્વારકા તા. ૯ઃ અયોધ્યામાં રામ જન્મ ભૂમી પર રામ મંદિરના નિર્માણ અંગે આજે સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચૂકાદો જાહેર થઈ ચૂક્યો છે, ત્યારે દ્વારકાની શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્યજી સ્વામી સ્વરૃપાનંદજી મહારાજે વર્ષ ૧૯૮૯ થી શરૃ કરેલી ચળવળની વિગતો તેમણે પ્રસ્તુત કરી છે.

તા. ૩ જૂન ૧૯૮૯ ના દિને ચિત્રકૂટમાં અખિલ ભારતીય રામ જન્મ ભૂમિ પુનરોદ્ધાર સમિતિ દ્વારા શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં સાધુ-મહાત્મા સંમેલન યોજાયું હતું.

તા. ર૭ એપ્રિલ ૧૯૯૦ ના દિને શંકરાચાર્યજી વારાણીસ પહોંચ્યા હતાં. તા. ૩૦ મી એપ્રિલ ૧૯૯૦ ના દિને શિલાઓ સાથે તેમનું ગાઝીપુર સુધી પ્રસ્થાન થયું હતું. ગાઝીપુરથી આઝમ ગઢ પહોંચેલા શંકરાચાર્યજીની પોલીસે ધરપકડ કરી હતી અને તા. ૯ મે ૧૯૯૦ ના દિને તેમને છોડી મૂકવામાં આવ્યા હતાં. પોલીસ કમિશનરે માફી પણ માંગી હતી.

તા. ૧૯ થી ર૧ માર્ચના દિને જ્યોતેશ્વર ગોરેગાંવમાં અખિલ ભારતીય વિરાટ સાધુ મહાત્મા સંમેલન યોજાયું હતું જેમાં રામ જન્મ ભૂમિના પુનરોદ્ધાર માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. તા. ર૭.૧૦.૧૯૯૩ ના દિને રાજસ્થાન 'દો જાંટી બાલાજી ધામ'માં શંકરાચાર્યની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ ગર્ભગૃહ અયોધ્યામાં કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. રામમંદિરના પ્રસ્તાવિત નક્શા શંકરાચાર્યની પ્રેરણાથી કંબોડીયાના અંકોરવાટ મંદિરના આધારે મધ્યપ્રદેશ સરકાર પાસે બનાવડાવ્યા હતાં. તા. ૧૭ મી નવેમ્બર ૧૯૯૩ ના સવારે ૧૦ વાગ્યે અલ્હાબાદથી દશરથ-કૌશલ્યા રથયાત્રાનો આરંભ શંકરાચાર્યએ કરાવ્યો હતો. જે રથયાત્રા તા. ૧.૧ર.૧૯૯૩ ના દિને સમાપ્ત થઈ હતી.

close
Nobat Subscription