Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાધુ-સંતોએ ધર્મમાં વધુ અને સંસારી પ્રવૃત્તિઓમાં ઓછી ડૂબકીઓ લગાવવી જોઈએ
પ્રયાગરાજના મહાકુંભના મુખ્ય અતિથિ જેને કહી શકાય તે સાધુ સંતો તો નેપથ્યમાં જ રહ્યા! આ ધર્મ સમારંભના મુખ્ય આયોજક, સ્વપ્નદૃષ્ટા, રાજકીય નેતા યોગી આદિત્યનાથજી પણ સાધુ જ છે. એક તરફ ધર્મનો મહા મેળો પ્રયાગરાજમાં ધમધમી રહ્યો છે ત્યારે બીજીતરફ જૂનાગઢમાં કેટલાક સાધુ-સંતો અને રાજકીય નેતાઓએ અંદરો અંદર બાંયો ચડાવી છે. સાધુ સંતોની પુણ્ય ભૂમિ મનાતા જૂનાગઢમાં ભવનાથ અને ભૂતનાથ મંદિરના સંતો હવે તો વેશ્યાઓ અને ડાન્સરો સુધીના એક બીજા ઉપર આક્ષેપો કરવા સુધી પંહોચી ગયા છે! આ સનાતન ધર્મ ઉપર મોટું કલંક છે.
સનાતન ધર્મમાં સાધુ, સંત, મહંત અને બાવા એમ ચાર ભાગ પડેલા છે. દરેકની ભૂમિકા, જીવન, આચરણ અને પ્રવૃત્તિ બાબતે કોઈ લેખિત ગાઈડલાઇન નથી, પરંતુ માન્યતાઓ સ્પષ્ટ છે. સેના અને પોલીસમાં દરેક કેડરનો પોષાક અલગ હોય તેમ આ ક્ષેત્રમાં પણ હોદ્દા, પંથ, કાર્ય અનુસાર અલગ-અલગ પહેરવેશ હોય છે. નજીકનો દાખલો લઈએ તો જામનગરમાં આણદાબાવા મહંતનો અને ખીજડા મંદિરના મહંતનો પોષાક ભિન્ન હોય છે. સ્વામિનારાયણ પંથ પણ તેનો આગવો પહેરવેશ ધરાવે છે. આ તમામને સંન્યાસી ગણવામાં આવે છે. તે ભૌતિક બાબતોથી પર રહે છે.
માત્ર હિન્દુ કે સનાતન ધર્મમાં જ આ વ્યવસ્થા છે તેવું નથી. દરેક ધર્મમાં અલગ અલગ નામથી આ વ્યવસ્થા છે. જૈન, ક્રિશ્ચન, મુસ્લિમ, ઈસાઈ, જ્યુસ, શીખ એમ દરેક ધર્મ સંસાર ત્યજી ધર્મ પ્રણેતા બનવાની વ્યક્તિને મંજૂરી આપે છે.
પ્રયાગરાજમાં એક સમયની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડામાં સામેલ થઈ ત્યારે મોટો સવાલ એ ઊભો થયો કે, કિન્નર અખાડામાં મહિલા શા માટે? ત્યાં માત્રને માત્ર કિન્નરો જ હોવા જોઈએ. દુઃખની બાબત એ છે કે, આ બહુ મહત્ત્વના ક્ષેત્રમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે, સમાજને માર્ગ બતાવનારાઓ પોતે જ માર્ગ ભટકી ગયા, જો કે આ અંગે વિવાદ સર્જાતા સભ્યપદ છીનવાયુ હોવાના અહેવાલ છે.
લક્ષણો
સાધુ, સંત, મહંત કે બાવાના લક્ષણો શું હોવા જોઈએ? ટૂંકમાં જાણવું હોય તો કહી શકાય કે, સરળ, સહનશીલ, જ્ઞાની, કરૂણાસભર, ધર્મ પરાયણ, શાંત, અજાત શત્રુ, સાદગી સભર, વિશ્વાસુ, નિર્મોહી વગેરે.. વગેરે. બીજી રીતે કહીએ તો કામ, ક્રોધ, લોભ કે મોહ ત્યાગીને જીવતા લોકો આ વ્યાખ્યામાં આવે.
સાધુ સંતના ઉમદા લક્ષણો માપવા હોય તો ભગવાન બુદ્ધ અને મહાવીરના જીવન ચરિત્રો વાંચવા. બંનેએ ત્યાગીને ભોગવો નો ઉત્તમ જીવન માર્ગ દર્શાવ્યો.
સંસાર છોડતાં પહેલા દિક્ષા લેવી જરૂરી છે. દીક્ષા માટે દરેકની અલગ અલગ વિધિઓ પ્રસ્થાપિત છે, જે ફિરકાઓ કે પંથ અનુસાર હોય છે. ગાદીપતિ અને સેવક એમ બે ફાંટા પણ હોય છે. સંસાર ત્યાગ કરનાર લોકો જુદી માટીના હોવા જોઈએ. જૈન સાધુ અને સાધ્વીજીઓ બહુ કઠોર જીવન જીવે છે. મારા મત અનુસાર આ પંથ સાધુતાના સૌથી વધુ લક્ષણો ધરાવે છે. તેઓ પગપાળા વિહાર કરે છે, માંગીને ખાય છે અને ભૌતિક સુખ સુવિધાઓથી અંતર જાળવે છે. રામાયણમાં રાક્ષસરાજ રાવણ પણ સીતાનું અપહરણ કરવા માટે સાધુ વેશ ધારણ કરી આવ્યો હતો, તેનો મતલબ એ કે, સાધુની પ્રતિષ્ઠા એટલી ઊંચી હતી કે, સીતા માતા પણ તેના પ્રત્યે કરૂણા દાખવે અને વિશ્વાસ કરે!
ચલતા ભલા
એક પ્રસિદ્ધ ઉક્તિ અનુસાર સાધુ તો ચલતા ભલા. એનો અર્થ એવો કે, સાધુતા અપનાવેલ વ્યક્તિએ કાયમ માટે એક ઠેકાણે રહેવું ન જોઈએ. તેનું કાયમી રહેઠાણ ન હોવું જોઈએ, તેમણે સતત પરિભ્રમણ કરતાં રહેવું. આ પાછળનો ઉત્તમ આદર્શ એવો પણ છે કે, સાધુ સમગ્ર સમાજને નિરંતર નિહાળી શકે, સમાજનું મૂલ્યાંકન કરી શકે અને સમયોચિત માર્ગદર્શન કરી શકે. ધર્મનો વ્યાપ વધારી શકે. બીજી તરફ સાધુ સંતો થોડા સમય માટે રોકાઈ શકે, નિત્યક્રમ કરી શકે અને શ્રમ મુક્ત થઈ શકે તે માટે નિવાસ સુવિધાઓ પણ ઠેર ઠેર ઊભી કરવામાં આવી છે. મંદિરો, ધર્મશાળા, ઉતારા તે માટે સ્થાપવામાં આવે છે.
વર્તમાન
વર્તમાન સમયમાં જીવનના તમામ પાસાઓને કળયુગની અસરો થઈ છે, તેમાંથી સાધુ, સંતો, મહંતો, બાવાઓ પણ મુક્ત રહી શક્યા નથી. કેટલાક કિસ્સાઓમાં તો સામાન્ય માનવી કરતાં વધુ વૈભવી જીવન જીવે છે, મિલકતો ઊભી કરે છે, પોતાનું વર્ચસ્વ વધારવા માટે કાવાદાવા કરે છે. જૂનાગઢમાં તો મંદિરની ગાદી માટે અધિકારીઓ અને પદાધિકારીઓને મોટી રકમ આપવામાં આવી હોવાની વાત બહુ ચગી છે! દ્વારકામાં પણ સંતો વારંવાર વિવાદમાં ચમકતા રહે છે. ધર્મના રક્ષકો બોડીગાર્ડ રાખે છે. ખાનગી વિમાનોમાં ઊડાઊડ કરે છે. ધનિક ભક્તોને ઘરે જ ઉતારો રાખે છે. પોતાના મોટા આધુનિક સંકુલો બનાવી તેને આશ્રમ જેવું રૂપાળું નામ આપે છે. મોંઘી ફી વાળી શાળા કોલેજોનું સંચાલન કરે છે. ધર્મ એ જીવન શુદ્ધિનું સાધન છે, હથિયાર નથી!
જવાબદારી
ધર્મના રક્ષકો જ માર્ગ ભૂલે તો તેના માટે જવાબદારી કોની? જવાબ સાદો અને સ્પષ્ટ છે.. સમાજની જ. સાધુ, સંતો જો સાદગી ભૂલે તો તે માટે તેના અનુયાયીઓ અને ભક્તો જ સીધી રીતે જવાબદાર મનાય. ગુરૂ પણ જો ગુનેગાર હોય તો તેનો કાન આમળવાની જવાબદારી શિષ્યોની છે. નબળા મનના લોકો હવે ધર્મમાં ચમત્કાર કે આશરો શોધી રહ્યા છે. પોતાના ગુરૂ સંસારની વૈતરણિ પાર કરાવી દેશે તેવા ભ્રમમાં ચેલાઓ રાચી રહ્યા છે. ધર્મગુરૂ જો સ્વર્ગની સીડી ચડાવી શકતા હોત તો, પહેલાં પોતે જ ચડી જાત!
જામનગરની ભાગોળે આલીશાન મહેલ જેવો બંગલો ધરાવતા ધનિક, મોટા ગુરૂ પધરામણી કરે ત્યારે તેના માટે બંગલો ખાલી કરી આપી બહુમાળી એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહે છે. ગુરૂજીની વિદાય પછી પરત ફરે છે. મોટા નામાંકિત ધર્મ ગુરૂને પ્રવાસ માટે ચાર્ટર્ડ વિમાનો પણ આપવામાં આવે છે. શિષ્ય લાભની કે પ્રતિષ્ઠા વધારવાના હેતુથી આવું કરે તે સ્વાભાવિક છે, પરંતુ સાધુ, સંતો પણ આવું સ્વીકારે તે ખૂંચે તેવું છે.
અહી તમામ ધર્મો બાબતેની ચર્ચા કરવામાં આવે છે, કોઈ ચોક્કસ ધર્મ, સમુદાય કે વ્યક્તિની વાત નથી. હા, જવાબદારી તમામ લોકોની છે.
ગણતરી
ભારત ધર્મ આધારિત દેશ છે. આગામી વસતી ગણતરીમાં ધાર્મિક સાધુ, સંતો, મહંતો, આશ્રમો, મંદિરો, ઉતારા જેવી બાબતોની પણ અલાયદી ગણતરી થવી જોઈએ. તમામ ૧૩ અખાડાના સભ્યો કેટલા, તેની મિલકતો કેટલી જેવી બાબતોની ગણતરી કરવામાં આવે તે જરૂરી છે. દેશમાં સંપ્રદાયો કેટલા, તે બાબતે પણ અભ્યાસ કરવામાં આવે તે જરૂરી છે. સરકાર ઉપરાંત યુનિવર્સિટીઓ, સંશોધકો પણ આ વિષય ઉપર અભ્યાસ કરી શકે છે.
વ્યાખ્યા
સાધુ એટલે ધાર્મિક તપસ્વી, ભિક્ષુક અથવા હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં કોઈપણ પવિત્ર વ્યક્તિ જેણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે. તેમને ક્યારેક યોગી, સન્યાસી અથવા વૈરાગી તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં સાધુ માટે ભિખ્ખુ શબ્દ છે. સાધુ એટલે એવી વ્યક્તિ જે 'સાધના' કરે છે અથવા આધ્યાત્મિક શિસ્તના માર્ગને ઉત્સુકતાથી અનુસરે છે. જોકે મોટાભાગના સાધુઓ યોગી છે, પરંતુ બધા યોગી સાધુ નથી હોતા. સાધુનું જીવન ફક્ત બ્રહ્મના ધ્યાન અને ચિંતન દ્વારા ચોથા અને અંતિમ આશ્રમ (જીવનનો તબક્કો) મોક્ષ (મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ) પ્રાપ્ત કરવા માટે સમર્પિત હોય છે. સાધુઓ ઘણીવાર સાદા વસ્ત્રો પહેરે છે, જેમ કે હિન્દુ ધર્મમાં ભગવા રંગના વસ્ત્રો અને જૈન ધર્મમાં સફેદ અથવા કંઈ નહીં, જે તેમના સન્યાસ (દુન્યવી સંપત્તિનો ત્યાગ)નું પ્રતીક છે. હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં સ્ત્રી ભિક્ષુકને ઘણીવાર સાધ્વી કહેવામાં આવે છે, અથવા કેટલાક ગ્રંથોમાં આર્યિકા કહેવામાં આવે છે.
એક સદી વ્યાખ્યા અનુસાર સાધના કરે તે સાધુ! ''સાધુ'' શબ્દ ઋગ્વેદ અને અથર્વવેદમાં જોવા મળે છે જ્યાં તેનો અર્થ ''સીધો, સાચો, સીધા ધ્યેય તરફ દોરી જતો'' થાય છે. વૈદિક સાહિત્યના બ્રાહ્મણ સ્તરમાં, આ શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે સંદર્ભના આધારે ''સુનિશ્ચિત, દયાળુ, તૈયાર, અસરકારક અથવા કાર્યક્ષમ, શાંતિપ્રિય, સુરક્ષિત, સારો, સદાચારી, માનનીય, ન્યાયી, ઉમદા'' હોય. હિન્દુ મહાકાવ્યોમાં, આ શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ''સંત, ઋષિ, રૂષ્ટા, પવિત્ર પુરૂષ, સદાચારી, પવિત્ર, પ્રામાણિક અથવા સાચો'' હોય. સંસ્કૃત શબ્દો ''સાધુ'' ('સારા માણસ') અને ''સાધ્વી'' ('સારી સ્ત્રી') એવા ત્યાગીઓનો ઉલ્લેખ કરે છે જેમણે પોતાના આધ્યાત્મિક વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમાજથી અલગ અથવા તેની ધાર પર જીવન જીવવાનું પસંદ કર્યું છે. આ શબ્દો ''સાધ'' મૂળમાંથી આવ્યા છે, જેનો અર્થ થાય છે ''પોતાના ધ્યેય સુધી પહોંચવું'', ''સીધું કરવું'', અથવા ''સત્તા મેળવવી''. સાધના શબ્દમાં પણ આ જ મૂળનો ઉપયોગ થયો છે, જેનો અર્થ ''આધ્યાત્મિક અભ્યાસ'' થાય છે. તેનો શાબ્દિક અર્થ ''સાધના'' અથવા આધ્યાત્મિક શિસ્તનો માર્ગ અપનાવનાર વ્યક્તિ થાય છે.
કુંભમેળો
દેશમાં યોજાતા કુંભ મેળાઓ સાધુ, સંતો, મહંતો, સંન્યાસીઓ માટેનું સૌથી મોટું પર્વ છે. આ પ્રસંગે સૌથી વધુ સંખ્યામાં એકત્ર થાય છે. મૂળભૂત અર્થમાં આ સાંસારિક જીવો માટેનું પર્વ કે પ્રસંગ નથી. એક માન્યતા અનુસાર સાધુ સંતો જ્યાં સ્નાન કરે, ત્યાં ત્યારબાદ જ સંસારી લોકો સ્નાન કરી શકે, સાધુ સંતોના સ્નાનથી નદી પવિત્ર થાય અને તેનો લાભ સંસારી લોકોને મળે. પ્રયાગરાજના કુંભમાં અમૃત સ્નાન સામાન્ય લોકોએ પ્રથમ કર્યું અને દુર્ઘટનાને કારણે સાધુ સંતોએ બપોરે સ્નાન વિધિ કરી. શાસ્ત્રો અનુસાર આ ક્રમ માન્ય નથી!
બીજી એક માન્યતા અનુસાર ગંગામાં કર્મોના પાપ ધોવાતાં નથી. મહાભારતમાં ભીષ્મ ગંગા પુત્ર હોવા છતાં તેમણે કર્મોના ફળ ભોગવવા પડ્યા હતા. મૃત્યુ માટે બાણ સૈયાની પીડા ભોગવવી પડી હતી. તો પછી કળયુગમાં જાણી જોઈને કરેલા પાપ કેવી રીતે ધોવાય?
પાતળી ભેદ રેખા
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. આપણે કાયમ આ રેખાની મધ્યમાં જીવીએ છીએ. સાચું અને સાતત્ય પૂર્ણ જીવન જીવીએ અને સાત્ત્વિક પરંપરાને અનુસરીએ તેવો હાર્દિક અનુરોધ.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial