નગરમાં જોરદાર ઝાપટા સાથે પોણો ઈંચઃ વસઈમાં પોણાત્રણ ઈંચ વરસાદ

જિલ્લાના ર૪ ડેમોમાંથી ર૦ ડેમોમાં ૧૦૦ ટકા જળસંગ્રહઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં ગઈકાલે સાંજે પલટાયેલા હવામાનના પગલે જોરદાર ઝાપટું પડતા પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત વસઈમાં પોણાત્રણ ઈંચ તથા ધૂતારપુરમાં સવાબે ઈંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. સારો વરસાદ થવાના પગલે જામનગર જિલ્લાના કુલ ર૪ ડેમોમાંથી ર૦ ડેમો પાણીથી ૧૦૦ ટકા ભરાઈ ગયા છે.

જામનગરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાના મંડાણ થયા છે જેમાં ગઈકાલે પણ રાબેતામુજબ બપોરથી જ નભમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતાં, અને સાંજે ૪ વાગ્યા પછી થોડી જ વારમાં ધોધમાર પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના વસઈમાં પોણાત્રણ ઈંચ, ધૂતારપુર અને અલિયાબાડામાં સવાબે ઈંચ વરસાદ પડતા માર્ગો, ખેતરો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. લાખાબાવળમાં ૧૬ મી.મી., મોટી બાણુંગારમાં રપ મી.મી., ફલ્લામાં ર૪ મી.મી., દરેડમાં ૧૦ મી.મી. અને જામવંથલીમાં પાંચ મી.મી. વરસાદ પડ્યો હતો.

જોડિયા તાલુકાના હડિયાણામાં પાંચ મી.મી. તથા ધ્રોળ અને લતીપુરમાં માત્ર ૩ મી.મી. જેટલા વરસાદી છાંટા પડ્યા હતાં.

કાલાવડ તાલુકાના ખરેડીમાં ૧૦ મી.મી., ભ. ભેરાજામાં ૧પ મી.મી., નવાગામમાં પાંચ મી.મી., મોટા પાંચદેવડામાં ૧૦ મી.મી., જામજોધપુર તાલુકાના સમાણામાં પાંચ મી.મી., ધુનડામાં ર૮ મી.મી. વરસાદ પડ્યો હતો. લાલપુર અને પીપરતોડામાં ચાર-ચાર મી.મી., મોટા ખડબામાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો.

જામનગર જિલ્લામાં થયેલા સારા વરસાદના પગલે ડેમોમાં પણ પાણીની સારી આવક થઈ છે. જિલ્લાના કુલ ર૪ ડેમોમાંથી ર૦ ડેમો પાણીથી ૧૦૦ ટકા ભરાઈ ગયા છે.

close
Ank Bandh
close
PPE Kit