| | |

લોકડાઉનની ખાટીમીઠી

કુદરતે આખરે રિપ્લેનું બટન દબાવી જ દીધું.

ઘડિયાળના કાંટે, મશીનની જેમ, સતત દોડતો માણસ જાણે બે ઘડી માટે થંભ્યો છે. કહેવાતી પ્રગતિ પાછળની આ દોડ દિશાહિન છે અને એટલે જ અર્થહિન છે. આભાસી પ્રગતિ પાછળની આ અર્થહિન દોડ, એટલે કે રેપ્રેસને અટકાવવા જ કુદરતે માણસના પગમાં કોરોના અને લોકડાઉનની સજ્જડ બેડીઓ પહેરાવી દીધી છે.

માણસ જાણે બે ઘડી થંભ્યો છે, લોકડાઉનના પાંજરે પુરાયો છે અને પશુપક્ષીઓ આજ આઝાદીથી-મુક્તપણે બધે જ વિચરી રહ્યા છે!

માણસમાત્રને અને ખાસ તો સ્ત્રીઓને, હંમેશાં એક ફરિયાદ રહી છે, 'મને ટાઈમ મળતો જ નથી ને!' પરંતુ લોકડાઉનના થોડાક દિવસોમાં જ આ સમસ્યા ઉલ્ટાઈ ગઈ. લોકડાઉનમાં નવરા બેસીને માણસો કંટાળી ગયા.

સવારના પહોરમાં, પોતાની પહેલી ચા પી રહેલા નટુને શ્રીમતીજીએ સુમધુર અવાજે પૂછ્યું, ''ડિયર, લોકડાઉનમાં મારે સમયનો સદ્ઉપયોગ કરવો છે, તો હું શું કરૃં?''

''ચાલ આપણે ડોકટરોની સલાહ લઈએ!'' નટુએ કહ્યું બન્ને ફેમિલી ડોકટરને મળવા ગયા, પોતાની સમસ્યા કહી, હેલ્થ હિસ્ટ્રી કહી અને ડોકટરની સલાહ માંગી તો ડોકટરે કહ્યું, ''તમારૃં વજન ઘટાડો!''

''પરંતુ કેવી રીતે?'' નટુએ પૂછ્યું.

''ડાયટીંગ કરીને...'' ડોકટરે કહ્યું.

''પરંતુ ડાયેટીંગમાં જમવાનું શું?'' નટુ કશું બોલે તે પહેલાં જ તેના શ્રીમતીજીએ પ્રાણ પ્રશ્ન પૂછ્યો.

''તાજા ફ્રુટ ખાવાના અને નાળિયેર પાણી પીવાનું..''

અને આ રીતે શ્રીમતીજીનું ડાયેટીંગ શરૃ થયું, કેળા અને નાળિયેર પાણી સાથે.

બે અઠવાડીયા બાદ નટુએ ડોકટરને ડાયેટીંગનો રિપોર્ટ આપ્યો એટલે ડોકટરે પૂછ્યું, ''તો આ ડાયેટીંગથી વજન કેટલું ઘટ્યું?''

''વજન? વજન તો નથી ઘટ્યું, પરંતુ હવે હું કેળા અને નાળિયેર તોડવા ફટાફટ ઝાડ પર ચડી જાવ છું!''

હવે થોડા દિવસોમાં જ લોકડાઉન-૪ પૂરૃં થશે અને સાથોસાથ સ્કૂલના વેકેશન પણ. હવે સ્કૂલમાં નવા વર્ષની નવી ટર્મ એટલે સ્કૂલના મેનેજમેન્ટ માટે રોકડા રૃપિયાની લણણીની મોસમ. વિદ્યાર્થીઓના વાલીઓ જાણે રૃપિયાના ઝાડ હોય તેમ મેનેજમેન્ટ તેમને દર વર્ષે ખંખેરી લે છે પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે સ્કૂલ બંધ છે તો તેમને કેમ ખંખેરવા? અને આ બધાં જ મનોમંથનમાંથી જન્મ થયો વર્ચ્યુઅલ ક્લાસરૃમનો!

આવા જ એક કે.જી. કક્ષાના વર્ચ્યુઅલ ક્લાસરૃમમાં ટીચરે બાળકને એક કલાકમાં અ.ધ.ધ.ધ. ચાર શબ્દો શીખવ્યા, તેમાંથી બે શબ્દોની ટેસ્ટ લીધી અને બાળકને એ-૧ નો ગ્રેડ આવ્યો. આ જોઈ પતિ બોલ્યો, ''જોયું, આપણું બાળક કેવું હોંશિયાર છે? તેેણે મારૃં મગજ મેળવ્યું છે..!''

''હા સાવ સાચી વાત છે... અને મારૃં મગજ તો હજુ સુધી મારી પાસે જ છે!'' પત્નીએ મમરો મૂક્યો.

લોકડાઉન નવું નવું છે, એટલે તેના પ્રોબ્લેમ પણ નવા-નવા છે અને તેના ઉકેલ માટે વોટ્સએપ યુનિવર્સિટી તો હાજર છે જ! આવો જ એક પ્રશ્ન 'સહિયર' ગ્રુપમાં પૂછવામાં આવ્યો, ''તમે ડીશ ધોવા માટે શેનો ઉપયોગ કરો છો?''

હવે, આ પ્રશ્નના જવાબ તો અસંખ્ય આવ્યા, જેમાંથી શ્રેષ્ઠ જવાબ હતો,

''ડીશ ધોવા માટે, અત્યાર સુધી તો ઘણી વસ્તુઓ જોઈ, તેનો ઉપયોગ કર્યો, પરંતુ આ લોકડાઉનમાં ખબર પડી કે એ બધા કરતા પતિ શ્રેષ્ઠ છે.''

લોકડાઉનના આ કપરા કાળમાં લાલાનું ક્રેડીટ કાર્ડ ખોવાઈ ગયું, મેં કહ્યું, ''ચાલ પોલીસમાં ફરિયાદ કરી દઈએ.''

લાલાએ ફરિયાદ કરવાની ચોખ્ખી ના પાડી.

મેં પૂછ્યું, ''કેમ?''

તો લાલાએ જવાબ આપ્યો, ''મને ખાતરી છે કે ચોર, મારી પત્ની કરતા તો ઓછો જ ખર્ચ કરશે!!''

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit