| | |

પ્રેમિકાની હત્યાના કેસમાં પ્રેમીને આજીવન કેદની સજા

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં પરિણીત પ્રેમીના ઘરમાં બેસવાની જીદ કરતી પ્રેમિકાને પ્રેમીએ સાડા પાંચ વર્ષ પહેલાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમાં અદાલતે આરોપી પ્રેમીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

જામનગરના મયુરનગર વામ્બે આવાસ રોડ પર રહેતા અને કડીયા કામ કરતા રમેશ સુરેશભાઈ કંટારીયાના સંપર્કમાં સાથે કામ કરતા પ્રભાબેન પ્રવિણભાઈ આવ્યા હતાં. પોતાના પતિ સાથે મનદુઃખ થતા એકલા રહેતા પ્રભાબેન સાથે ઘનિષ્ઠતા કેળવાઈ હતી. તે દરમ્યાન પ્રભાબેને પોતાને ઘરમાં બેસાડવા માટે રમેશને દબાણ કર્યું હતું પરંતુ પોતે અગાઉથી પરિણીત હોય રમેશે ઈન્કાર કર્યો હતો. તેમ છતાં પ્રભાબેન અવારનવાર આગ્રહ કરતા હતાં.

તે દરમ્યાન ગઈ તા. ૪-૧૦-૧૩ની રાત્રિએ પ્રભાબેને રમેશને રવિ રામજી વાઘેલા તથા રાજુ રામજી વાઘેલાની હાજરીમાં ઘરમાં બેસાડવા માટે ફરીથી કહેતા રમેશે તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમજવા તૈયાર નહીં થયેલા પ્રભાબેનને તે રાત્રિના એકાદ વાગ્યે વામ્બે આવાસ નજીકના રેલવે પાટા પાસે મળેલા પ્રભાબેને પોલીસ કેસ કરવાનું કહીં દોટ મૂકી હતી. તેની પાછળ દોડેલા રમેશે ધક્કો મારી પ્રભાબેનને ઉકરડામાં ફેંકી દીધા પછી પોતાની પાસે રહેલી છરી વડે ઘા ઝીંકી પ્રભાબેનની હત્યા નિપજાવી હતી અને મૃતદેહને ઉકરડામાં જ દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતની મૃતકના બહેન મધુબેન પરબતભાઈ બાપોદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૨૦૧, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧)ની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ જામનગરના એડી. સેશન્સ જજ પી.સી. રાવલની અદાલતમાં ચાલવા પર આવતા બંને પક્ષો તરફથી રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે પુરાવા તથા સાહેદોના નિવેદન લક્ષમાં લઈ આરોપી રમેશ સુરેશભાઈ કંટારીયાને આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કેદની સજા, રૃા. ૧૦,૦૦૦નો દંડ, આઈપીસી ૨૦૧ના ગુન્હામાં એક મહિનાની સજા, રૃા. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ (૧)ના ગુન્હામાં રૃા. ૫૦૦નો દંડ ફટકારાયો છે. સરકાર તરફથી પીપી ધવલ વજાણી, મૂળ ફરિયાદ તરફથી વકીલ મનોજ એસ. ઝવેરી રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit