Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાતાલના તહેવારો આવી રહ્યા છે અને નાતાલના વેકેશનમાં પણ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી, શિવરાજપુર, ઓખા મઢી સહિતના દર્શનીય અને પર્યટન સ્થળો પર ભાવિકોની ભારે ભીડ થવાની સંભાવના છે, ત્યારે તંત્રોએ પણ સુરક્ષા, સલામતિ, ટ્રાફિક, નફાખોરી, તત્કાળ સારવાર, જરૂર પડયે તત્કાળ રાહત-બચાવ યાત્રિકોના નિવાસ-ભોજન તથા પરિવહન અને તદ્વિષયક તમામ વ્યવસ્થાઓ ચૂસ્ત દૂરસ્ત કરવી પડશે.
યાત્રાધામોમાં દર્શનની વ્યવસ્થામાં ટ્રસ્ટીમંડળ અથવા સમિતિ, પૂજારીવર્ગ, સ્થાનિક પોલીસ તથા સંલગ્ન સુરક્ષાદળોનું લોકલ વ્યવસ્થાતંત્ર સાથે સારૃં સંકલન હોવું જ જોઈએ, એટલું જ નહીં, ભૂતકાળના સ્થાનિક અનુભવો તથા અન્ય યાત્રાસ્થળોના અનુભવોને સાંકળીને ફૂલપ્રૂફ એવો પ્લાન બનાવવો જોઈએ. જેથી યાત્રિકોને પણ તકલીફ ન પડે. અને સુરક્ષા, સલામતિ અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તથા સ્થાનિક પરિવહન, અલ્પાહાર કે સેવા-પૂજાની સામગ્રીમાં નફાખોરી ન થાય, તેના પર ધ્યાન આપવું પડે તેમ છે, અને કેટલાક સ્થળે આ પ્રકારની બાબતોમાં સંકુલમાં જ સ્થાપિત ઈજારાશાહી ખતમ કરવી જોઈએ. આ તમામ મુદ્દાઓમાં ક્યાંય પણ કચાશ રહી જશે તો નાતાલના તહેવારો દરમ્યાન વ્યવસ્થાઓ જાળવી રાખવી મુશ્કેલ બની જવાની છે.
યાત્રાધામોમાં ત્રણ પ્રકારના પ્રવાસીઓ આવતા હોય છે. ખૂબ જ ધનવાન લોકો તો પહેલેથી જ મોંઘી હોટલો બૂક કરાવી લેતા હોય છે, અને પોતાની ગાડીઓ કે અદ્યતન ટેકસીઓની વ્યવસ્થા કરી લેતા હોય છે. બીજા ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો કાં તો પોતાની ગાડીમાં, અથવા ટ્રેન કે બસ દ્વારા આવતા હોય છે. આ વર્ગોના મોટા ભાગના દર્શનાર્થીઓ પેકેજ ટૂરમાં આવતા હોય છે, જેની તમામ વ્યવસ્થાઓ ટ્રાવેલ્સ સંચાલકો કરતા હોય છે. ત્રીજા પ્રકારના નિમ્ન મધ્યમવર્ગીય તથા ગરીબ લોકો પણ દર્શનાર્થે કે પ્રવાસ-પર્યટન માટે આવતા હોય છે. જે પૈકી એક વર્ગ એવો પણ હોય છે કે જેઓ માનતા ઉતારવા કે પછી અન્ય ભાવનાત્મક અને આર્થિક કારણોસર પદયાત્રાઓ કરીને પણ આવતા હોય છે. આ તમામ પ્રવાસીઓનો ધ્યેય દર્શન કરીને હરવા-ફરવાનો હોય છે. જો કે, કેટલાક સમૂહો માત્ર દર્શનાર્થે જ આવતા હોય છે, જ્યારે કેટલાક સહેલાણીઓ માટે આનંદદાયક પ્રવાસ-પર્યટન, હરવું-ફરવું અને નવું નવું જાણવાનો મુખ્ય ઉદૃેશ્ય હોય છે. તંત્રોએ આ તમામ પ્રકારના પ્રવાસીઓ માટે સમાન ઘોરણે તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ, વ્યવસ્થાપકોએ સમાન ભાવે દર્શન-સેવા વગેરે કરાવવા જોઈએ અને દર્શનાર્થીઓમાં અમીર-ગરીબનો ભેદભાવ નહીં જ હોવો જોઈએ, પરંતુ બધી જગ્યાએ કાયમ માટે એવું થતું હોતું નથી, અને કેટલાક સ્થળે તો એનાથી વિપરીત માનસિકતાથી યાત્રિકો-પ્રવાસીઓને વિધિવત રીતે "લૂંટવા"માં આવતા હોય છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને ? આ સ્થિતિ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નથી, પરંતુ દેશવ્યાપી છે. અને તેનું નિવારણ વ્યવસ્થાઓ સંભાળતા તંત્રના અધિકારીઓ, ટ્રસ્ટો, સંસ્થાઓ અને વિવિધ મંદિર-ધાર્મિક સ્થળોની સમિતિઓ કે પ્રાધિકરણોએ કરવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે.હવે તો "પૈસા ફેંકો, તમાશા દેખો" જેવો ઘાટ સર્જાયો છે. અને ભાવનાઓ-શ્રદ્ધા અને આસ્થાને નાણાકીય ત્રાજવે માપવામાં આવતી હોય, તેવું જણાય છે. પ્રવાસ-પર્યટન ક્ષેત્રે તથા દર્શનીય સ્થળોમાં પણ વીઆઈપી કલ્ચરની જ બોલબાલા છે.
મંદિરોમાં વીઆઈપી કલ્ચર એટલું વ્યાપક અને ભયાનક બન્યું છે કે તેના પડઘા સડકથી સંસદ સુધી તો પડતા જ હતા, પરંતુ હવે આ મુદ્દો છેક સુપ્રિમકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે, અને દેશની સર્વોચ્ચ અદાલતે તો ત્યાં સુધી કહી દીધું છે કે ભગવાનને પણ આરામ કરવા નથી દેતા, તે તો શોષણ જ કહેવાય. સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી ધનવાનો માટે કેટલાક મંદિરોમાં અલગ (વીઆઈપી) વ્યવસ્થા કરવામાં આવે છે, તેને લઈને કરી હતી અને તે કોઈ એક ચોક્કસ મંદિરની સૂનાવણી માટે જ હતી, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અસરો થવાની છે અને રાષ્ટ્રવ્યાપી પડઘા પણ પડયા છે.
સુપ્રિમકોર્ટે કહ્યું કે રૂપિયા લઈને ધનવાન લોકો માટે વિશેષ દર્શનીય વ્યવસ્થા આપવી કે સુવિધા આપવી, એ અયોગ્ય છે. એક મંદિર સમિતિના મેનેજમેન્ટે કરેલ અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે આ સવાલો ઉઠાવ્યા હતા.
જે મંદિરની સુનાવણી થઈ રહી હતી, તે મંદિરમાં બપોરે મંદિર બંધ થયા પછી પણ વિશેષ પૂજા-પાઠ-દર્શન વગેરે થતા હોય છે અને સૌથી વધુ રકમ અપાય, તેને ખાસ પૂજા કરાવાય છે, તેવી ફરિયાદ સાથે મંદિરના બદલી નખાયેલા સમયપત્રક અંગે પણ સવાલો ઉઠાવાયા હતા, સીજેઆઈ સહિતની બેન્ચે મોટી રકમ આપનારાઓને વિશેષ પૂજા કરાવાય, તેને અયોગ્ય ગણાવી હતી.
આ મુદ્દે કડક ટિપ્પણીઓ કર્યા પછી સર્વોચ્ચ અદાલતે યુપી સરકાર તથા સંબંધિત પાવરેડ કમિટીને નોટિસ ફટકારીને જવાબ પણ માંગ્યો છે.
આ સુનાવણીનો સારાંશ એ નીકળે છે કે સેંકડો-હજારો કિલોમીટર દૂરથી દર્શનાર્થે આવતા સામાન્ય દર્શનાર્થીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે, અને ધનિકો, સામાન્ય નેતાઓ, ઉદ્યોગપતિઓ, મોટા અફસરો કે અન્ય પોતાને વીઆઈપી માનતા લોકોને વીઆઈપી ટ્રિટમેન્ટ આપીને દર્શનની અલગ વ્યવસ્થા કરી અપાય, તે કદાચ જેના દર્શન કરાવાય છે, તે ઈશ્વરને પણ નહીં ગમતું હોય, જેની એક-એક ક્ષણ કિંમતી હોય અને દેશસેવા કે પબ્લિક સર્વિસ માટે સમર્પિત હોય, અથવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સંતો-મહંતો હોય, તેવા અપવાદો સિવાય તંત્રો, વ્યવસ્થાપકો તથા સમિતિઓ, ટ્રસ્ટોએ સામાન્ય દર્શનાર્થીઓની વધુ ચિંતા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial