Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાછળ બેસેલા સગર્ભા પત્ની બેભાન બની ઢળી પડ્યાઃ ધંધાખાર સહિતના કારણોની ચકાસણીઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯વાળા રોડ પર આજે બપોરે એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા એક યુવાન પર અન્ય વાહનમાં ધસી આવેલા બે શખ્સે છરીઓ વડે હુમલો કરી સરાજાહેર હત્યા નિપજાવી હતી. પત્નીની નજર સામે લોહીના ખાબોચીયામાં પતિ ઢળી પડતા આ સગર્ભા મહિલા બેભાન બની ગયા હતા. હત્યા પાછળ ધંધાનો ખાર કે અન્ય કોઈ કારણ? હોવાનું પોલીસ ચકાસી રહી છે ત્યારે આ હત્યામાં ઉપરોક્ત યુવકના હાલના પત્નીના પૂર્વ પતિ સહિત બેની સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે સ્થળ પરથી જાણવા મળ્યું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ઈદ મસ્જિદથી આગળના રોડ પર આજે સવારે સાડા અગિયારેક વાગ્યે નંબર પ્લેટ વગરના નવાનક્કોર એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા જયેશભાઈ ચાવડા નામના યુવાન તથા તેની પાછળ બેસેલા તેમના પત્નીને અન્ય વાહન પર ધસી આવેલા બે શખ્સે આંતરી લીધા હતા.
આ વેળાએ જયેશભાઈ કંઈ સમજે તે પહેલા જ આ શખ્સોએ તેમના પર હલ્લો કર્યાે હતો. તેઓએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી જયેશભાઈ પર ખચાખચ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધુ હતું. જેમાં ગળાના ભાગે છરીઓના ઘા વાગી જતા તેઓ લોહીલુહાણ બની બનાવના સ્થળે જ ઢળી પડ્યા હતા અને હુમલાખોરો પલકવારમાં નાસી ગયા હતા તેમજ છરીઓના ઘાથી ઘવાયેલા જયેશભાઈએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
પતિ પર નજર સામે જ જીવલેણ હુમલો થતો જોઈ અને પતિને ગળામાં છરી વાગી જતી નીહાળી પાછળ બેસેલા જયેશભાઈના પત્ની બૂમો પાડ્યા પછી બેભાન બની સ્થળ પર ઢળી પડ્યા હતા. આ મહિલા સગર્ભા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરાજાહેર છરીઓના ઘા ઝીંકી યુવાનની કરી નખાયેલી કરપીણ હત્યાના પગલે સ્થળ પર ટોળુ એકઠુ થઈ ગયું હતું. કોઈએ જયેશભાઈના અન્ય પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ધસી આવ્યા હતા અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સિટી સીના પીઆઈ એન.બી. ડાભી તેમજ પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આરોપીઓના સગડ દબાવ્યા છે.
વધુમાં જયેશભાઈ પર ધંધાખારના કારણે કે અન્ય કોઈ કારણથી પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સ્થળ પરથી મળેલી વિગત મુજબ જયેશભાઈના પત્નીએ અગાઉ જેની સાથે લગ્ન કર્યા હતા અને તે પછી તેઓ અલગ થયા હતા તે પૂર્વ પતિ સહિતના બે શખ્સ છરી વડે જયેશભાઈ પર તૂટી પડ્યા હતા. પોલીસે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial