રાષ્ટ્ર અને રાજ્યમાં રસીકરણની રફ્તારઃ વિશ્વમાં કરોડો લોકોને વિવિધ વેક્સિન મૂકાઈ

પડોશી દેશોને ફ્રી વેક્સિન મળી, પણ ખૂટતી જરૃરિયાત પૂરી કરવા બજાર ભાવે ખરીદશે?ઃ અનુમાનો

નવી દિલ્હી તા. ર૩ઃ કોરોનાની બે પ્રકારની રસી ભારતે બનાવી લીધી છે અને કોવિશિલ્ડ તથા કોવેક્સિનને માન્યતા અપાઈ છે તથા તેનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે એક ત્રીજી રસીની ચર્ચા થઈ રહી છે. અત્યારે ફ્રી વેક્સિનેશન ચાલી રહ્યું છે, સાથે સાથે પડોશી રાષ્ટ્રો પૈકી કેટલાક દેશોને પણ ફ્રી કોરોનાની રસી ભારત મોકલી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૧ હજારથી વધુ અને અત્યાર સુધીમાં ૪૭ હજારથી વધુ લોકોને રસી મૂકવામાં આવી છે. રસી માટે બોલાવવામાં આવતા લોકોમાંથી ૮૦ થી ૯૦ ટકા લોકો રસી મૂકાવી રહ્યા છે. અત્યારે ફ્રન્ટલાઈન અને હેલ્થ વર્કર્સનું રસીકરણ થઈ રહ્યું છે. આ તબક્કો પૂર્ણ થયા પછી પ૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનો વારો આવશે. તે તબક્કામાં પ૦ વર્ષથી વધુ ઉંમરનો નેતાગણ પણ રસી મૂકાવશે, તેવું જાહેર થયું છે.

ભારતે કોરોના સામે જંગ તો લોકડાઉનથી જ આદર્યો હતો અને અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓ ભોગવીને લોકોએ કોરોના સામેની લડત ચાલુ રાખી હતી. હવે કોરોનાની સાયકલ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને વેક્સિનેશનનો કાર્યક્રમ તેનો જ એક ભાગ છે. દેશના તમામ ૧૩૦ કરોડ લોકોને રસી મૂકવી કદાચ લગભગ અસંભવ હશે, અથવા ખર્ચાળ હશે કે પછી વૈજ્ઞાનિકો-તબીબોના મત મુજબ જરૃરી નહીં હોય, જે હોય તે ખરૃ, પરંતુ ૩૦ કરોડ લોકોને રસીકરણનો એક્શન પ્લાન તો અમલમાં મૂકાઈ જ ગયો છે.

રાષ્ટ્રીય કક્ષાએથી કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન અને મંત્રીમંડળના અન્ય રાજ્યોના સંકલનથી દેશભરમાં ચાલી રહ્યો છે, જેમાં રાજ્યો પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે.

દેશમાં પહેલા અઠવાડિયામાં ગઈકાલ સુધીમાં એક કરોડમાંથી લગભગ ૧૩ લાખ હેલ્થવર્કર્સને કોરોનાની રસી મૂકી દેવામાં આવી છે, જેમાંથી માત્ર હજારેક જણાને સાઈડ ઈફેક્ટ થઈ હોવાનું કહેવાય છે. કર્ણાટકમાં સૌથી વધુ ૧.૮૦ લાખ અને આંધ્રપ્રદેશમાં ૧.રપ્ લાખથી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે, જો કે પંજાબ, દિલ્હી અને ઝારખંડમાં કોઈ કારણે રસીકરણની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે.

ગઈકાલ સુધીના આ આંકડાઓ મુજબ ભારતમાં સૌથી વધુ વેક્સિનેશન થઈ રહ્યું છે. વેક્સિનેશન શરૃ કરવામાં અઠવાડિયા પહેલા ભારત ૩૧ મો દેશ હતો. સૌથી વધુ વેક્સિનેશનની દૃષ્ટિએ ભારત અગ્રીમ છે.

એક અઠવાડિયા પછી દૈનિક વેક્સિનેશનની પ્રક્રિયાને ગતિ આપવા ડોઝની સંખ્યા ડબલ કરાશે. જેથી ઝડપ વધશે. ગુજરાતમાં દરરોજ ૧૩ હજારથી વધુ ડોઝની ગણતરીએ સવાચાર લાખ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને રસી મૂકતા લગભગ મહિનો થઈ જશે. રાજ્યમાં અત્યારે ૧૬ હજાર જેટલા લોકો આ કામગીરી ૧૬૧ કેન્દ્રો પરથી આયોજનપૂર્વક કરી રહ્યા છે.

દુનિયાની દૃષ્ટિએ જોઈએ તો સાડાપાંચ કરોડથી વધુ લોકોને જુદી જુદી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે, જો કે તેમાં ચીન અને અમેરિકામાં જ ત્રણ કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન સામેલ છે.

એક તરફ કોરોનાના આવા કેસો તથા મૃતાંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રસીકરણ વેગીલુ બન્યું છે. તેથી આ મહામારીમાંથી ઝડપભેર રાહત કે છૂટકારો મળશે, તેની ઉમ્મીદ જાગી છે.

વેક્સિનેશનની રફ્તાર જોતા રસીકરણનો કાર્યક્રમ લાંબો ચાલશે, પરંતુ ધીમે ધીમે સંક્રમણ ઘટી રહ્યું હોવાથી એવું લાગે છે કે, આ મહામારીમાંથી રાહત પણ એ જ ગતિથી મળશે. ભારતની વસ્તી વધારે હોવાથી રસીકરણના આંકડાઓમાં સંખ્યાની દૃષ્ટિએ ભારત આગળ છે, જ્યારે ટકાવારીની દૃષ્ટિએ પાછળ રહી જતું હશે. કેટલાક દેશોને કોરોના વેક્સિનનો કેટલોક જથ્થો ફ્રી આપીને ભારતે વૈશ્વિક કક્ષાએ પ્રશંસા મેળવી છે, જો કે કેટલાક દેશોને તેમની જરૃરિયાત પૂરી કરવા ભારત સહિત વિશ્વની વેક્સિન બનાવતી કંપનીઓ પાસેથી વેક્સિનનો જથ્થો બજારભાવે ખરીદવો પણ પડી શકે છે. માનવ જિંદગીઓ બચાવવા બધા દેશો તત્પર છે.

close
Ank Bandh
close
PPE Kit