એકબીજાના દિલમાં રહેવું છે ? તો થોડા દુર રહેતા શીખો

પતિ-પત્ની, બન્ને વચ્ચે ગજબનો પ્રેમ, પતિ બાથરૃમમાં નહાવા જાય ત્યારે પત્ની બહાર તેના કપડાં, રૃમાલ, મોજા, બૂટ તૈયાર કરી દે, નાસ્તો કરે ત્યારે સામે જ બેસી રહે, ઓફિસે જાય પછી દર બે કલાકે ફોન-મેસેજ કરીને વાત કરી લે, પતિ ઓફિસના કામે બહારગામ જાય તો પણ પત્ની સાથે જ જાય, બધે સાથે જ, પતિ બધી જ જરૃરિયાત પૂરી કરે, બધું જ આપે.... સિવાય કે સ્પેશ....

બીજી એક વાત પતિ ઘરે હોય ત્યાં સુધી પત્ની તેની આગળ પાછળ ફરે, તેનો મોબાઈલ લઈને જોવે, કોઈનો ફોન આવે તો પણ તે બાજુમાં જ આવી જાય, અને વાતો સાંભળે, પતિ દુકાને જાય એટલે ફટાફટ કલાકમાં કામ પતાવીને પતિની દુકાને જાય. તેની સામે જ બેસી રહે. બપોરે જમવાનું પણ દુકાનમાં.... રાતે બન્ને સાથે જ પાછા આવે... પત્ની દિવસના ૨૩ કલાક પતિની સાથે જ રહે.

એક યુગલ-પ્રેમમાં પાગલ... હજી લગ્ન થયા ન હતા એટલે બન્ને પોતપોતાના ઘરે... છતાં ક્ષણેક્ષણની વિગત એકબીજાને મેસેજથી આપતા રહે, સતત એકબીજાના સંપર્કમાં, જયારે મળે ત્યારે એકબીજાના મોબાઈલમાં આવેલા મેસેજ પણ વાંચે... અને વચ્ચે અઢકળ પ્રેમ... નથી તો બસ....બન્ને વચ્ચે સ્પેશ....

એક પતિ-પત્નીને બહુ પ્રેમ કરે. પત્ની પિયર જાય તો પણ સાથે જાય. ઓફિસના કલાકો સિવાય હંમેશાં પત્નીની સાથે જ ઘરની નાનીમોટી ખરીદીમાં પણ પત્નીની સાથે.. બધાને એમ જ લાગે કે પત્નીનું કેટલું ધ્યાન રાખે છે... બધું જ આવે છે... પણ પત્નીને જે ખબર છે કે તે સ્પેશ જરાય નથી આપતો...

પ્રેમ... કયારેય કોઈની સમજમાં નથી આવ્યો, પ્રેમમાં લોકો કેવું વર્તન કરતા હોય એ કોઈને ન સમજાય. પ્રેમ હોય એટલે સતત તેની સાથે રહેવાની ઈચ્છા થાય. પ્રેમ એટલે ગમતી વ્યક્તિનો પડછાયો બની જવું, પણ પડછાયો બનીને સતત સાથે જ રહેવું એ પ્રેમ નથી. ઉપરના કિસ્સામાં બન્ને વચ્ચે પ્રેમ ભરપૂર છે, એકબીજા ઉપર ઓળઘોળ છે, એકબીજાનું બહું ધ્યાન રાખે છે, નથી આપતાં તો ફક્ત સ્પેશ... અને પ્રેમ જ્યારે હદ વટાવી જાય ત્યારે અળખામણો લાગવા લાગે છે. પ્રેમ બધાને ગમે જ છે, પણ અતિશય પ્રેમમાં કયારેક ગૂંગણામળ થાય છે અને પછી તેમાંથી છૂટવાના રસ્તા શોધાય છે. જ્યારે બે વ્યક્તિ વચ્ચે બ્રેકઅપ થાય ત્યારે એકબીજા પર આરોપ મૂકાતો હોય છે કે, "તેને રહેતાં  આવડયું." પણ ખરેખર સાથે રહેતાં તો દરેકને આવડતું જ હોય છે, નથી આવડતું તો એ છે થોડે દૂર રહેતાં. એકબીજાને સ્પેશ આપતાં, ખરેખર તો આજીવન સાથે રહેવું હોય તો દરેક સમયે, દરેક ક્ષણે એકબીજાની સાથે રહેવાની જરૃર નથી. થોડે દૂર રહેતાં પણ શીખવું જોઈએ.

આપણાંમાં કહેવાય છે કે, લગ્ન પછી સાથે રહેવાનું થાય એટલે આપોઆપ પ્રેમ થઈ જ જાય. સાથે રહેતાં હોય લગ્ન ટકી જાય, પણ એકબીજાથી થોડે દૂર રહીને એકબીજાને સ્પેશ આપવાથી લગ્ન વધુ મજબૂત બનતાં હોય છે. અંતર પ્રેમને વધારે છે. બન્ને વચ્ચે થોડી દૂરી હશે તો જ નજીક જવાની અધિરાઈ વધશે. સતત સાથે રહેવાથી કદાચ એકબીજાથી કંટાળો આવવા લાગશે અને તેનાથી ભાગી છૂટવાનું મન થશે.

સ્ત્રી કે પુરૃષ... બન્નેને અંગત જિંદગી તો જોઈએ જ છે. સતત એકબીજાની સાથે રહેવાને બદલે થોડું અંતર, થોડી પર્સલન સ્પેશ જોઈએ જ છે. પત્ની તો પતિ ઘરે ન હોય ત્યારે પોતાની મરજી મુજબ જીવી લે છે, પણ એ પતિને આ ખુશી આપવાનું ભૂલી જાય છે. તો ઘણી વખત સ્ત્રીને પતિ, બાળકો, સાસુ-સસરા, વ્યવહારની જવાબદારીમાં પોતાની જિંદગી નથી મળતી અને ૫તિ બહાર પોતાની રીતે જીવી લેતો હોય છે. આવા સંજોગોમાં બન્ને એકબીજાથી દૂર થતાં જાય છે અને સંબંધ તૂટતો જાય છે.

ઘણી વખત પતિ-પત્ની પ્રેમમાં એટલા ઓળઘોળ હોય છે કે, એકબીજાને કયાંય એકલા જવા નથી દેતાં. પત્ની ઘરની નાની-મોટી ખરીદી કરવા જાય, શાક, કરિયાણું લેવા જાય, તો પણ પતિ સાથેને સાથે, તો ક્યારેક પતિ પાન-મસાલા લેવા જાય તો પત્ની સાથે જાય. આવો પ્રેમ એક એકબીજાની અંગત જિંદગી પર મારેલી તરાપ છે. એકબીજા પર એટલો પ્રેમ ન વરસાવો જોઈએ કે, ભાગી છૂટવાનું મન થાય.

ઘણી વખત આમાં પતિ કે પત્નીનો ડર કામ કરતો હોય છે. સતત કોઈ પોતાના જીવનસાથીને ઝૂંટવી લેશે એવો ડર લાગતો હોય છે. એકબીજાના મોબાઈલમાં મેસેજ આવે તો પણ બન્નેને થાય કે તેને કોઈ અન્ય સાથે સંબંધ હશે. પણ આવો ડર કે અસલામતી અનુભવવાની જરૃર નથી. જો બેમાંથી કોઈ એક આવો ડર રાખે અને સતત જીવનસાથી પર વોચ રાખે તો તે વ્યક્તિ તેનાથી દૂર થઈ જાય છે.

સંબંધોમાં લાગણી-પ્રેમ બધાંને ગમે છે, પણ માલિકીભાવ આવી જાય તે કોઈને ગમતું નથી. પ્રેમના કારણે તમે નજીક રહેવા ઈચ્છતાં હો એ બરાબર છે, પણ એક વાત યાદ રાખવી કે, સામેના વ્યક્તિની સ્પેશ પણ એટલી જ જરૃરી છે. એનો મતલબ એમ નથી કે, તેને તમારાથી દૂર જવું છે, તેને કયારેક પોતાની સાથે પણ રહેવું હોય છે. સંબંધોમાં એટલા હાવી ન થઈ જવું જોઈએ કે સામેની વ્યક્તિ પોતાની જાત સાથે ન રહી શકે. તેની ક્ષણે ક્ષણનો હિસાબ માંગો તો તે તમારાથી દૂર થઈ જશે.

આપણે ત્યાં બ્રેકઅપ કે ડિવોર્સ વધવાનું એક કારણ આ પણ છે. લગ્નેત્તર સંબંધોનું એક કારણ પણ આ ન મળતી સ્પેશ જ છે. જૂના સમયમાં સંયુક્ત કુટુંબમાં બધા સાથે રહેતાં. આ કારણે પતિ-પત્નીને એકબીજા માટે સમય મળતો ન હતો. અંગત પળો મળતી ન હતી. આથી બન્નેને એકબીજા માટે આકર્ષણ ટકી રહેતું અને જેટલો સમય મળે, એટલો સમય પ્રેમમાં વિતાવતા. પણ હવેના વિભક્ત કુટુંબમાં પતિ-પત્ની બે જ હોય, ચોવીસે કલાક બન્નેને એકબીજાની સામે હોય એટલે આકર્ષણ ઘટી જાય છે. એકબીજાથી થોડાં દૂર જઈને પોતાની જાત સાથે જીવવું ગમતું હોય છે.

આપણે સામાન્ય વાતચીતમાં કે કંઈક લખતી વખતે પણ સ્પેશ ન રાખીએ તો વાક્ય સમજાય જ નહીં, અથવા તેનો અર્થ બદલાઈ  જાય. કોમ્પ્યુટરમાંં અને મોબાઈલમાં પણ સ્પેશ કી હોય જ છે. તેવી જ રીતે સંબંધોમાં પણ સ્પેશ હોવી જ જોઈએ. આ સ્પેશ બે વ્યક્તિ વચ્ચે અંતર વધારતી નથી, પણ અંતર ઘટાડે છે. સતત સાથે રહેવાથી અનુભવાતી ગૂંગળામણ થોડાં દૂર જવાથી હળવી થશે. સંબંધોમાં લાગણી-પ્રેમ-સાથ નિભાવવાનો હોય, આપવાનો હોય, ઉઘરાવવાનો ન હોય. તમે પણ તમારા સંબંધોની સ્થિતિ તપાસી લેજો. એકબીજાના દિલમાં રહેવું હોય તો થોડાં દૂર રહેતાં શીખી લેજો.

  • દીપા સોની, જામનગર.


close
Ank Bandh 29 March
close
PPE Kit