Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં મહાદેવ મંદિરમાં જઈ નગરના જાણીતા વેપારીએ કરી આત્મહત્યા

નિત્યક્રમ મુજબ મંદિરે આવ્યા પછી પરવાનાવાળી રિવોલ્વરમાંથી ગોળી મારી લીધીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીકના બાલનાથ મહાદેવ મંદિરમાં આજે સવારે છએક વાગ્યે દર્શનાર્થે ગયેલા નગરના મીઠાઈના જાણીતા વેપારીએ કોઈ અકળ કારણથી પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી છે. સ્થળ પર ડચકા ખાતા આ પ્રૌઢને સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં આ પ્રૌઢે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે બાલનાથ મહાદેવ મંદિરમાં આજે સવારે જામનગરના મીઠાઈના જાણીતા વેપારી જયંતભાઈ વ્યાસ (ઉ.વ.૫૦)એ અગમ્ય કારણથી પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા વ્હોરી લીધી છે.

જામનગરમાં માંડવી ટાવર રોડ પર આવેલી સેન્ટ્રલ બેંકની મુખ્ય શાખા નજીક એચ.જે. વ્યાસ નામની વર્ષાેથી જાણીતી મીઠાઈની દુકાન ચલાવતા અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા જયંતભાઈ વ્યાસ રોજના ક્રમ મુજબ આજે સવારે સાડા પાંચેક વાગ્યે પોતાના ઘરેથી સ્નાનાદિ કાર્ય પતાવી દર્શન માટે સિદ્ધનાથ મહાદેવ મંદિર આવવા માટે રિક્ષામાં રવાના થયા હતા.

નાગેશ્વર વિસ્તારમાં રોજ સવારે તેઓની વયની આજુબાજુના વયસ્ક મિત્રો સાથે મળી જયંતભાઈ નાગેશ્વર મહાદેવ મંદિર, બાલનાથ મંદિર તથા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવાના હતા. તેમની સાથે પૂર્વ પોલીસ કર્મચારી નારણભાઈ સહિતના વયસ્કો પણ હતા. તે પછી નિત્યક્રમ મુજબ પહેલાં નાગેશ્વર અને તે પછી બાલનાથ મહાદેવ મંદિરમાં આ તમામ મિત્રો દર્શન માટે પહોંચ્યા હતા અને ત્યાંથી દર્શન કરી સિદ્ધનાથ મહાદેવ મંદિર જળાભિષેક માટે જવાના હતા. તે દરમિયાન બાલનાથ મહાદેવ મંદિરમાં સાથે રહેલા અન્ય મિત્રોથી થોડે આગળ જઈ મંદિરમાં એકદમ શિવલીંગ સામે પહોંચી ગયેલા જયંતભાઈએ ખિસ્સામાંથી પોતાની લાયસન્સવાળી રિવોલ્વર બહાર કાઢી હતી.

સાથે રહેલા મિત્રો કંઈ સમજે તે પહેલાં જયંતભાઈએ તે રિવોલ્વર પોતાના ચહેરાના ભાગ પાસે લાવી ટ્રીગર દબાવી દીધુ હતું અને તેમાંથી વછૂટેલી ગોળી તેમના મ્હોંથી ઘૂસી છેક તાળવા સુધી પહોંચી હતી, તરત જ લોહીલુહાણ બની ઢળી પડેલા જયંતભાઈને જોઈ અને ધડાકો સાંભળી સાથે રહેલા મિત્રો દોડ્યા હતા.

અગાઉ પોલીસબેડામાં ફરજ બજાવી ચૂકેલા નારણભાઈ સહીતના વ્યક્તિઓએ પરિસ્થિતિની નાજૂકાઈ પારખીને શિવલીંગ તરફ પગ અને પોઠીયા તરફ માથું પડ્યું હતું તેવા જયંતભાઈની છાતી પરથી તેમની રિવોલ્વર રૂમાલ વડે ઉંચકી સાઈડમાં મૂકવા ઉપરાંત ડચકા ખાઈ રહેલા જયંતભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજના ભાગરૂપે ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં છેલ્લા શ્વાસો લઈ રહેલા જયંતભાઈને માંડ માંડ જી.જી. હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી પાસે તેમના પરિવારજનના રહેલા મોબાઈલ નંબર પરથી જયંતભાઈના પરિવારને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં જયંતભાઈની શરૂ કરાયેલી સારવાર દરમિયાન જયંતભાઈને આખરી શ્વાસ લીધો હતો. સાથે રહેલા વ્યક્તિઓની જાણકારી પરથી સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.

નિત્યક્રમ મુજબ રિક્ષામાં આવ્યા પછી સાથે રાખેલી રિવોલ્વરથી કરી આત્મહત્યા

જામનગરમાં મીઠાઈની દુનિયામાં વર્ષાેથી નામાંકિત રહેલી એચ.જે. વ્યાસ નામની પેઢીનું સંચાલન કરતા જયંતભાઈ કેટલાક સમયથી રોજ વહેલી સવારે નાગેશ્વર તથા સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા હતા. તેઓને રોજ સવારે એક રિક્ષા ત્યાં મૂકી જતી હતી અને નક્કી કરેલા સમયે પરત લેવા માટે આવી જતી હતી. તે ક્મ મુજબ આજે પણ રિક્ષામાં જયંતભાઈ આવ્યા હતા પરંતુ તેઓ આત્મહત્યાના કઠોર નિર્ણય સાથે જ આવ્યા હોય તેમ સાથે રિવોલ્વર પણ લાવ્યા હતા.

તેમની સાથે રોજ વહેલી સવારે મંદિરમાં દર્શન, જળાભિષેક કરવા આવતા મિત્રો આ બનાવથી ડઘાઈ ગયા હતા. નાગેશ્વર વિસ્તારમાં આવેલા કેટલાક મંદિરોમાં કોઈપણ વસ્તુ બનાવવાની હોય કે લાવવાની હોય તો તે માટે છૂટા હાથે દાન આપી દેતા જયંતભાઈને ત્યાંના વ્યક્તિઓ, મંદિરના પૂજારીઓ પણ ઓળખતા હતા જેથી ઉપરોક્ત બનાવ પછી તરત જ તેમના પરિવારને જાણ કરી શકાય હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh