Advertisement
Author: નોબત સમાચાર

લગ્ન પછી પણ સ્ત્રીની મિલકત એની જ રહે છે!

                                                                                                                                                                                                      

લગ્ન એ જીવનનો સૌથી નાજુક પરંતુ સર્વોચ્ચ સંબંધ છે. બે વ્યક્તિઓ વચ્ચેના આ બંધનમાં પ્રેમ, વિશ્વાસ અને સહજીવનનો આશય રહેલો હોય છે. પરંતુ ભારતીય સમાજમાં વર્ષોથી એક માન્યતા એવી ચાલી આવી છે કે લગ્ન પછી સ્ત્રીનું અસ્તિત્વ, તેની ઓળખ અને તેની સંપત્તિ બધું જ હવે પતિ અને તેના કુટુંબનો ભાગ બની જાય છે. પરંતુ કાયદો સ્પષ્ટ કહે છે કે લગ્નથી સ્ત્રીના વ્યક્તિગત હક્કોમાં કોઈ કાપ પડતો નથી. સ્ત્રી પોતે એક સ્વતંત્ર કાનૂની વ્યક્તિ છે, અને લગ્ન પછી પણ એની મિલકત એની જ રહે છે  કોઈ અન્ય વ્યક્તિને તેના પર હક્ક નથી.

હિંદુ કાયદામાં સ્ત્રીની વ્યક્તિગત સંપત્તિને સ્ત્રીધન તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દના અર્થમાં જ તેની ગહનતા છે  ધન, જે સ્ત્રીનું છે અને જે તે પોતાની ઈચ્છા મુજબ રાખી, વાપરી અથવા દાન આપી શકે છે. સ્ત્રીધન એ ફક્ત દહેજ કે લગ્ન સમયે મળેલી ભેટો નથી; તેમાં માતાપિતા, સગાસંબંધીઓ, પતિ અથવા મિત્રોએ આપેલી ભેટ, નગદ રકમ, દાગીના, કપડા, મિલકત કે પછી પોતાની મહેનતથી કમાયેલું ધન પણ આવરી લે છે. કાયદાની નજરે આ બધી વસ્તુઓ પર સ્ત્રીનો અવિભાજ્ય હક્ક છે.

દુર્ભાગ્યે સમાજમાં હજુ એવી પ્રથા છે કે લગ્ન પછી સ્ત્રીના દાગીના, ભેટો કે અન્ય મૂલ્યવાન વસ્તુઓ સાસરીયામાં સુરક્ષિત રાખવાની વાત કરી લઇ લેવામાં આવે છે. પરંતુ કાયદો કહે છે કે એ વસ્તુઓ જો સ્ત્રીધનમાં આવતી હોય, તો પતિ કે સાસરીયાના કોઈ સભ્ય પાસે એ વસ્તુ રાખવાનો હક્ક નથી. જો રાખે, તો એ વિશ્વાસના ભંગ સમાન ગણાય છે. એક પ્રસિદ્ધ ચુકાદામાં અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહૃાું હતું કે સ્ત્રીધન એ સ્ત્રીની વ્યક્તિગત સંપત્તિ છે; કોઈ અન્ય વ્યક્તિ એને રોકી રાખે કે વાપરે તો એ ગુનાહિત કૃત્ય ગણાય છે.

જો લગ્નજીવનમાં તણાવ ઊભો થાય, અથવા પતિપત્ની અલગ રહેવા લાગે, ત્યારે સ્ત્રીને પોતાના સ્ત્રીધન પરત મેળવવાનો કાયદેસર અધિકાર છે. આ અધિકાર કોઈ દયા પર આધારિત નથી, પરંતુ કાયદાનો સ્વતંત્ર હક્ક છે. સ્ત્રી કોર્ટમાં જઈને પોતાના સ્ત્રીધનની પરત માટે અરજી કરી શકે છે, અને જો પુરાવાઓ જેમ કે ભેટ સમયેના દસ્તાવેજ, ફોટોગ્રાફ્સ, સાક્ષીઓ કે બેંક રેકોર્ડ ઉપલબ્ધ હોય, તો કોર્ટ એ મિલકત પરત આપવાનો આદેશ આપી શકે છે. કાયદાની દૃષ્ટિએ એ પરત આપવી એ ફરજ ગણાય છે, ઉપકાર નહીં.

આ બાબતમાં સૌથી મોટો ભ્રમ એ છે કે લોકો સ્ત્રીધન અને ભરણપોષણ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. કાયદો સ્પષ્ટ કહે છે કે સ્ત્રીધન ક્યારેય ભરણપોષણનો કે સ્થાયી એલિમોનીનો ભાગ નથી. ભરણપોષણ એ પતિની ફરજ છે જે પત્નીને તેના જીવનનિર્વાહ માટે આપવામાં આવે છે, જ્યારે સ્ત્રીધન એ તો પહેલેથી જ સ્ત્રીની પોતાની સંપત્તિ છે. એટલે જો છૂટાછેડા થાય ત્યારે પતિ ભરણપોષણ આપે તો પણ સ્ત્રી પોતાનું સ્ત્રીધન અલગ રીતે દાવો કરી શકે છે. બંને હક્કો સ્વતંત્ર છે અને એકબીજામાં સમાવવામાં આવતા નથી.

સ્ત્રીધન પર સ્ત્રીનો હક્ક કાયદેસર રીતે પૂર્ણ અને અવિચલિત છે. કોઈ પણ વ્યક્તિ  ભલે તે પતિ હોય કે સાસરીનો સભ્ય  સ્ત્રીની મંજૂરી વિના એની સંપત્તિ વાપરી કે વેચી શકતો નથી. જો એ રીતે થાય, તો એ કાયદેસર ગુનો ગણાય છે, અને સ્ત્રીને ગુનાહિત ફરિયાદ કરવાની તથા સંપત્તિ પાછી મેળવવાની બંને રીતથી ન્યાય મેળવવાનો અધિકાર છે. અદાલતો વારંવાર સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે સ્ત્રીધન પરનો હક્ક માત્ર સંપત્તિનો નથી, એ સ્ત્રીના આત્મસન્માન અને આર્થિક સ્વતંત્રતાનું પ્રતીક છે.

જો સ્ત્રી લગ્નજીવન છોડીને પોતાના માતૃઘર પર પાછી જાય, તો પણ એ પોતાના સ્ત્રીધનનો દાવો કરી શકે છે. કોર્ટ એ તપાસ કરશે કે કઈ વસ્તુઓ ખરેખર સ્ત્રીધનમાં આવતી હતી, અને જો એ વસ્તુઓ પતિ અથવા સાસરીયાના કબજામાં છે, તો કોર્ટ તે પરત આપવાનો આદેશ આપે છે. સ્ત્રીને એ માટે અલગથી દાવો કરવાની જરૂર નથી; સ્ત્રીધનનો હક્ક સ્વતંત્ર રીતે પણ અમલમાં આવી શકે છે.

કાયદો એ પણ કહે છે કે સ્ત્રીધન એ સ્ત્રીની સંપત્તિ છે, અને કોઈ પણ સમયે એ સંપત્તિ તેના જીવનભર માટે સુરક્ષિત રહે છે. લગ્ન પછી ઘર, પરિવાર, ઓળખ બધું બદલાય શકે છે, પરંતુ કાયદો કહે છે તમારી સંપત્તિ પર તમારો હક્ક અવિનાશી છે.

સ્ત્રીધનનો હેતુ ફક્ત દાગીના કે ભેટનું રક્ષણ નથી. એ એક સંદેશ છે કે સ્ત્રી કોઈની માલિકી નથી. એ પોતાના પર હક્ક ધરાવતી વ્યક્તિ છે  કાયદેસર રીતે સ્વતંત્ર અને સમાન. એક વિખ્યાત ચુકાદામાં ન્યાયાલયે કહૃાું હતું કે સ્ત્રીધન પરનો કબજો કોઈ અન્ય રાખે તો તે સંસ્કારનું નહીં, ગુનાનો પ્રદર્શન છે.

કાયદો સ્ત્રીને કહે છે કે લગ્નથી તમારૃં ઘર બદલાય છે, પરંતુ તમારા હક્ક નહીં. તમે જે મેળવી છે તે તમારૂ છે, અને રહેશે. સ્ત્રીધન એ સ્ત્રીના આત્મસન્માન, આર્થિક સ્વતંત્રતા અને કાનૂની સુરક્ષાનું પ્રતીક છે જે બતાવે છે કે પ્રેમના સંબંધમાં પણ કાયદો સ્ત્રીની સમાનતા અને સુરક્ષાને પ્રથમ સ્થાન આપે છે.

ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh