Advertisement
Author: નોબત સમાચાર

મોદી કેબિનેટે 'શાન્તિ' બિલને મંજુરી આપતા પરમાણુ ઉર્જાક્ષેત્રે ખાનગીક્ષેત્ર માટે દ્વાર ખુલ્યા

મૂડી, જમીન અને ટેકનોલોજી ખાનગીઃ સુરક્ષા અને સંચાલન સરકાર સંભાળશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: 'શાન્તિ' બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દેતા હવે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો થયો છે.

કેન્દ્ર સરકારે એક  મોટો નિર્ણય લેતા 'શાન્તિ' બિલને મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક પગલાથી હવે ખાનગી કંપનીઓ માટે ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશના દ્વાર ખુલી ગયા છે. આ બિલ ૧૯૬૨ના પરમાણુ ઊર્જા કાયદા પછીનો સૌથી મોટો સુધારો સાબિત થશે. ૬૩ વર્ષ જૂના રાજ્યના એકાધિકારને તોડીને, હવે ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગીદારી મળશે.

જોકે, સરકારી એજન્સીઓ સુરક્ષા અને સંચાલનનું નિયંત્રણ સંભાળશે, પરંતુ ખાનગી કંપનીઓ મૂડી, જમીન અને ટેકનોલોજી લાવશે. આ પગલું દેશના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા અને ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે અનિવાર્ય છે.

આઝાદી પછી ભારતમાં પરમાણુ ક્ષેત્ર એક કિલ્લાની જેમ બંધ હતું. માત્ર પરમાણુ ઊર્જા વિભાગ અને સરકારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન જ તેનું સંચાલન કરતા હતા. ૧૯૬૨ના કાયદામાં સ્પષ્ટ લખ્યું હતું કે ખાનગી કંપનીઓ કે રાજ્ય સરકારો પરમાણુ પ્લાન્ટ ચલાવી શકશે નહીં. પરિણામે, અત્યાર સુધીમાં માત્ર ૮ જીડબલ્યુ ક્ષમતાના સરકારી પ્લાન્ટ્સ જ બન્યા છે, જે દેશની કુલ વીજળીનો માત્ર ૩% છે.

આ બિલ જૂના કાયદાઓ-૧૯૬૨ના એટોમિક સીએનજી એકટ અને ૨૦૧૦નો સિવિલ લિયાબિલીટી ફોર ન્યુકલીયર ડેમેજ એકટમાં સંશોધન કરીને ખાનગી પ્રવેશનો માર્ગ ખોલશે. 'કંપની'ની વ્યાખ્યા બદલીને કંપનીઝ એકટ, ૨૦૧૩ હેઠળ રજિસ્ટર્ડ કોઈપણ ફર્મને લાઇસન્સ મળી શકશે.

ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને ટેકનોલોજીમાં રોકાણ કરશે. તેઓ ઉત્પાદિત વીજળીના માલિક બનશે, એટલે કે વેચીને નફો કમાઇ શકશે. જયારે સરકાર એટલે કે એનપીસીઆઈએલ અથવા ડીએઈ જ રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને સંવેદનશીલ સામગ્રી (યુરેનિયમ) સંભાળશે. આ બિલ ફેક્ટરીમાં બનતા સસ્તા, સુરક્ષિત અને ઝડપી સ્મોલ મોડ્યુલર રિએક્ટરના નિર્માણને પ્રોત્સાહન આપશે.

૨૦૪૭ નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય માટે પરમાણુ ક્ષેત્રમાં પીપીપી મોડેલનો પ્રયોગ

ભારતે ૨૦૪૭ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન કરવા માગે છે. પરમાણુ ઊર્જા કોલસો કે સૌર ઊર્જા કરતાં વધુ સ્થિર અને સ્વચ્છ સ્ત્રોત માનવામાં આવે છે. હાલની ૮ જીડબલ્યુથી ૧૦૦ જીડબલ્યુ સુધી (૧૨ ગણો વધારો) પહોંચવાના લક્ષ્ય માટે ૧૫-૧૯ લાખ કરોડ (૨૧૪ અબજ ડોલર)ની જંગી મૂડીની જરૂર પડશે, જે એકલા સરકારી સંગઠન એનપીસીઆઈએલ માટે સંભાળવી અશક્ય છે. સૌર અને પવન ઊર્જામાં પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલની સફળતાને ધ્યાનમાં રાખીને, પરમાણુ ક્ષેત્રમાં પણ આ જ મોડેલ અપનાવવામાં આવશે.

ખાનગી ક્ષેત્રના પ્રવેશથી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવીનતા વધશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ સાથે જ કેટલાક મહત્ત્વના પડકારો પણ છે. સૌથી મોટો પડકાર જવાબદારી(લાયબિલિટી) કાયદાનો છે. હાલમાં, ૨૦૧૦નો 'સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ' ઉપકરણોના સપ્લાયરો પર ભારે જવાબદારી નાખે છે. શાંતિ બિલમાં થનારા સુધારાથી આ જોગવાઈ હળવી થઈ શકે છે, જે અમેરિકન જીઈ-હીટાચી એસએમઆર જેવી વિદેશી ટેકનોલોજીને ભારતમાં આકર્ષવા માટે જરૂરી છે.

આ ઉપરાંત, હાઇબ્રિડ મોડેલ(ખાનગી અને સરકારી ભાગીદારી)માં નિયમન અને સલામતી જાળવવી પડકારરૂપ રહેશે, જોકે સલામતી આઈએઈએ(આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી)ના ધોરણો પર આધારિત હશે. વિવાદોના ઝડપી નિરાકરણ માટે એક નવું ન્યુક્લિયર ટ્રિબ્યુનલ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, ઉદ્યોગ જગતનું સ્પષ્ટ માનવું છે કે જો લાયબિલિટીના નિયમો પૂરતા સ્પષ્ટ નહીં થાય તો વૈશ્વિક ખેલાડીઓ ભારતીય બજારમાં રોકાણ કરવામાં ખચકાશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં પોતાના બજેટ ભાષણમાં જ આ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક 'ન્યુક્લિયર એનર્જી મિશન'ની પણ જાહેરાત કરી હતી, જેના હેઠળ નાના મોડ્યુલર રિએક્ટર(એસએમઆર) પર સંશોધન અને વિકાસ(આરએન્ડડી) માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. વળી, ૨૦૩૩ સુધીમાં ૫ સ્વદેશી એમએમઆર શરૂ કરવાની યોજના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh