Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા. ૧૪.૧૧ કરોડના ખર્ચે સુદામાસેતુનું નવીનીકરણ થશેઃ ટેન્ડર આવ્યા
ખંભાળીયા તા. ૧૨ઃ દ્વારકા ગોમતી નદી પરના સુદામાસેતુના કામ માટે ટેન્ડરો આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ચોમાસામાં પાણી ભરાતા તેવા ત્રણ સ્થળે માઈનોર બ્રિજ શરૃ થતા લોકોને રાહત થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારો કે જ્યાં ચોમાસામાં પાણી ભરાતા રસ્તા પર ટ્રાફિક જામ થવો તથા રસ્તા ચોમાસામાં બંધ થવાના પ્રશ્નો ઉભા થતાં પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેકની રજૂઆતોના પગલે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવીને કોઝવે પર પાણી ભરાતા હતા ત્યાં માઈનોર બ્રિજ બનાવવા આયોજન કરીને હાલમાં જ ચોમાસા પહેલા આ તમામ બ્રિજના કાર્ય પૂર્ણ કરીને ચાલુ કરી દેવાતા લોકોને રાહત થઈ છે.
જિલ્લાના કાર્યપાલક ઈજનેર ઉત્તમભાઈ ચૌધરીએ જણાવેલ કે ખંભાળીયા તાલુકાના બજાણા કોટા કંડોરણા રોડ પર ૨.૫૦ કરોડના ખર્ચે, કલ્યાણપુર તાલુકાના દેવળીયા, ચાચલાણા, કલ્યાણપુર રોડ પર ૧.૨૫ કરોડના ખર્ચે તથા ભાણવડ પંથકના ચોખંડા ભંડારીયા રોડ પર ૧.૫૦ કરોડના ખર્ચે માઈનોર બ્રિજના કામો સંપૂર્ણ થઈ જતા તે ચાલુ પણ કરી દેતા આ ત્રણ વિસ્તારોમાં ચોમાસામાં રસ્તા પર પાણી ભરાવાથી રસ્તા બંધ થવાના પ્રશ્નો હલ થયા છે.
સુદામાસેતુના ટેન્ડરની ચકાસણી
જિલ્લા કાર્યપાલક ઈજનેર ચૌધરીએ જણાવેલ કે દ્વારકામાં ગોમતી કાંઠેથી પંચકુઈ જવા માટેના સુદામાસેતુનું રૃા. ૧૪.૧૧ કરોડના ખર્ચે નવીનીકરણ સાથે મજબૂત પુલ બનાવવા ટેન્ડરીંગ કરતા તેમાં આ પુલ જેણે બનાવ્યો હતો તે ઈન્દોરની કંપની તથા દક્ષિણ ભારતની મળી બે કંપનીઓના ટેન્ડરો આવતા તે અંગે પણ ચકાસણી તથા યોગ્યતા હાથ ધરવામાં આવી છે.