Advertisement
Author: નોબત સમાચાર

ઘોંઘાટ, કૌભાંડ, કટોકટી... કોણ છે બંધારણ વિરોધી ? જામનગરમાં એક વધુ રિફાઈનરી ?

                                                                                                                                                                                                      

અમદાવાદ અને જગન્નાથપુરીમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ સંપન્ન થઈ ગઈ અને આજે સાંજે દ્વારકાના જગતમંદિરની અંદર અષાઢી બીજની રથયાત્રા પરિક્રમા કરશે. અમદાવાદની રથયાત્રામાં બે-ત્રણ ગજરાજો બેકાબૂ થયા, તે ઘટનાએ આપણને બધાને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. એ ગજરાજો કદાચ ડી.જે. તથા અન્ય ઘોંઘાટ સહન નહીં થઈ શકતા બેકાબૂ બન્યા હોવાનું તારણ નીકળી રહ્યું હોય તો એમ કરી શકાય કે વાર-તહેવારે ખૂબ જ મોટા અવાજે ડી.જે.વગાડતા લોકોને અંકુશમાં રહેવા ઈશ્વરે સંકેત આપ્યો છે. સંગીત હંમેશા કર્ણપ્રિય હોઈ શકે, કર્ણતોડ (કાન ફાડી નાખે તેવા અવાજ કરતું) હોવું ન જોઈએ, તેવો સંદ્ેશ આ ઘટનામાંથી મળે છે.

જાહેર માર્ગો પર ખૂબ જ મોટા અવાજે ડી.જે. કે અન્ય રીતે ઘોંઘાટ કરવાથી બીમાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, તથા બુઝુર્ગોને તો તકલીફ થતી જ હોય છે, પરંતુ નાના-મોટા વાહનોના હોર્ન નહીં સંભળાતા નાના-મોટા અકસ્માતો થવાનો ભય પણ રહેતો હોય છે, અને હાનિકર્તા-અવરોધરૂપ ઘોંઘાટ થતો હોય, ત્યારે તેને કોણ અટકાવે ? આથી આ બદી દૂર કરવા સ્વયં ધનપતિઓ, નેતાગીરી, સંસ્થાઓ તથા ઈવેન્ટ મેનેજરોએ જ આગળ આવવું પડશે.

ડી.જે. ના ઘોંઘાટ કરતા યે વધુ તિવ્રતાથી હમણાંથી રાજકીય ક્ષેત્રે થતા વાદવિવાદોનો ઘોંઘાટ ફેલાઈ રહ્યો છે, અને બંધારણને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો ઘોંઘાટ તો ૨૫મી જૂન પછીથી વધુ વ્યાપક બની ગયો છે, અને તેમાંથી ઊભી થતી રસપ્રદ ચર્ચાઓમાંથી રાજકીય ક્ષેત્રે એક નવો જ ઘોંઘાટ વધુ ને વધુ પડઘાઈ રહ્યો છે.

હકીકતે કટોકટીના ૫૦ વર્ષના સંદર્ભે ભારતીય જનતાપક્ષે તા. ૨૫મી જૂનથી ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં લાદેલી કટોકટીનો અધ્યાય ખોલી નાખ્યો છે અને તેના કારણે કટોકટીની કહાનીઓ વર્ણવવામાં આવી રહી છે. કોંગ્રેસે પણ ભાજપના આ અભિયાન સામે બંધારણ બચાવવાની સાંપ્રત સ્થિતિમાં જરૂરિયાત હોવાનું જણાવી પ્રતિપ્રહાર કર્યો છે કે ઈંદિરા ગાંધીએ તો કટોકટી ઉઠાવ્યા પછી ફરીથી જનાદેશ પ્રાપ્ત કરી હતી, અને તે પછી જીવનપર્યત શાસન કર્યું હતું, પરંતુ ભાજપના હાથમાં સત્તાના સુત્રો આવ્યા પછી છેલ્લા ૧૧ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટી જ છે ને ?

કટોકટીની કથા-વાર્તાઓ વચ્ચે તાજેતરમાં આર.એસ.એસ. ના મહામંત્રી દત્તાત્રેય હોંસબોલેએ કટોકટી કાળ દરમ્યાન ઈંદિરા ગાંધીની સરકારે બંધારણના આમુખમાં ઉમેરેલા ધર્મનિષ્પેક્ષતા ને સમાજવાદ જેવા શબ્દો હટાવવાની માંગણી કરી અને તેને કેન્દ્રીયમંત્રીઓએ સમર્થન આપતા નિવેદનો કર્યા પછી કોંગ્રેસે ભાજપને આડેહાથ લેતા કહ્યું છે કે આર.એસ.એસ. અને ભાજપનો ગૂપ્ત એજન્ડા હવે ખૂલ્લો પડી ગયો છે. તેઓ બંધારણને ધરમૂળથી બદલીને ગોડસેની વિચારધારા અમલમાં મુકવા માંગે છે, અને તેથી જ ચૂંટણીઓમાં ૪૦૦ ને પારની નારેબાજી કરી હતી, જેને જનતાએ ઠુકરાવી દીધી હતી, વગેરે...વગેરે...

ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાષ્ટ્રીયકક્ષાએ કટોકટીને લઈને તનાતની ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં યોજનકીય કૌભાંડોમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ પછી હવે કોંગ્રેસના કહેવાતા કેટલાક નેતાઓ પણ સંડોવાઈ રહ્યા હોવાથી અલગ જ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મનરેગા કૌભાંડ રાજ્યવ્યાપી બન્યું છે, અને ઉત્તર ગુજરાતમાં એક વર્તમાન મંત્રીના દીકરાઓ પછી હવે સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસના મોટા નેતા તથા તેના દીકરાની ધરપકડ તથા ભરૂચમાં પણ મનરેગા કૌભાંડને લઈને તપાસ થઈ રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે, તે જોતાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ સ્થિતિમાં આમઆદમી પાર્ટી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસને કૌભાંડીયાઓ સાથે સાંકળીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા આમઆદમી પાર્ટીને જનાદેશ આપશે, તેવો આશાવાદ સેવી રહી છે. આ કૌભાંડીયો ઘોંઘાટ હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને તેનો અવાજ હવે ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચ્યો છે, અને પાંચ દેશોના પ્રવાસે જતા પહેલા ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓનો મુદ્દો વડાપ્રધાન કાર્યાલયના માધ્યમથી આ મુદ્દે હસ્તક્ષેપ કરશે, તેવી અટકળોનું બજાર પણ ગરમ થઈ ગયું છે.

એવું પણ કહેવાય છે કે અમદાવાદની રથયાત્રાના ગજરાજોએ એવો સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દાયકાઓના ભાજપ-કોંગ્રેસના શાસનોને અપનાવી ચૂકેલી રાજ્યની જનતા હવે બહુજન સમાજવાદી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વ્યાપક જનાદેશ આપવાની છે, અને એ પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી બહુજન સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ પણ પડઘાવાનું છે !

જામનગરમાં આ બધા ઘોંઘાટ વચ્ચે પણ એક અલગ જ ચર્ચા થઈ રહી છે. એવા ઉડતા ઉડતા સમાચાર આવ્યા છે કે ભારત સરકારે સાઉદી અરબ તથા ખાડીના દેશો સાથે કરેલી સમજૂતી મુજબ ગુજરાતના દરિયાકાંઠે ઓ.એન.જી.સી. એક જાયન્ટ ગ્રીનફિલ્ડ રિફાઈનરી સ્થાપવાની છે, જે મોટાભાગે જામનગર જિલ્લામાં જ સ્થપાશે. જામનગરમાં રિલાયન્સ અને નયારા પછી જો ઓ.એન.સી.જી. ત્રીજી રિફાઈનરી સ્થાપશે, તો જામનગર જિલ્લો પેટ્રોલિયમ હબ બની જશે. જો કે, ભાવનગર જિલ્લાનો ધારૂકા વિસ્તાર પણ આ માટે વિચારણા હેઠળ છે, પરંતુ મહત્તમ સંભાવના જામનગર (હાલાર) માં આ નવી ગ્રીનફિલ્ડ રિફાઈનરીની જણાવાઈ રહી છે. આ અંગે ઓ.એન.સી.જી. કે સરકાર તરફથી અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ આ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ તો બની જ ગઈ છે. શું આ હાથીકાય (જાયન્ટ) રિફાઈનરીનો સંકેત પણ ઈશ્વરે અષાઢી બીજે આપી દીધો હશે ?

જે હોય તે ખરૃં, પરંતુ હકારાત્મક અભિગમ દાખવીએ, તો ઘોંઘાટના કારણે ભડકેલા ગજરાજોએ જો બહુ નુકસાન પહોંચાડ્યા વિના કોઈ શુભ સંકેતો આપ્યા હોય તો તેને ભગવાન જગન્નાથની કૃપા જ ગણવી પડે. જો કે, ઘોંઘાટીયા પ્રદુષણ સામે તકલાદી તંત્રો કે મત લાલચુ પક્ષો તો દેખાવ ખાતરની કાર્યવાહી જ કરશે, પરંતુ આ મુદ્દે જો લોકો જ સ્વયંશિસ્ત જાળવશે, તો તે વ્યાપક જનહિતમાં ઉમદા અભિગમ જણાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh