Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: જામનગરમાં આ વર્ષે શ્રાવણ મહિનાના લોકમેળાનું આયોજન વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ અડધા પ્રદર્શન મેદાનમાં કરવાનો નિર્ણય કરાયા પછી એ મહાનગરપાલિકા તંત્ર બરાબરનું ધંધે લાગી ગયુ ંછે.
જો કે, શ્રાવણ મહિનાના દરેક સોમવાર, શ્રાવણ મહિનાની અમાસ તેમજ જન્માષ્ટમીના મેળાના દિવસોની સરખામણીમાં આ વર્ષે સળંગ ૧૫ દિવસના આયોજનની જાહેરાત મોડે મોડે કરવામાં આવી છે.
પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડ ધમધમતું હોવાથી જ મહાનગરપાલિકા દ્વારા શહેર આસપાસ વિશાળ મેદાનની શોધખોળ કરવામાં આવી હતી. તેનો સીધો અર્થ એ જ થઈ શકે કે પ્રદર્શન મેદાનમાં એસ.ટી. બસ સ્ટેન્ડના કારણે મેળા યોજી શકાય તેવી સ્થિતિ નથી.
અંતે... જાણે કોઈનો અહમ સંતોષવાનો કારસો હોય અથવા લોકમેળાના આયોજન દ્વારા થતી તગડી કમાણીને બ્રેક ન લાગે તે માટે જાણે ધરાર આયોજન કરવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ થઈ છે.
એસ.ટી. બસ સ્ટેન્ડમાં ચોવીસ કલાક દરમ્યાન મોટી સંખ્યામાં બસો જામનગરથી જ ઉપડે છે અને જામનગર ટર્મીનેટ થાય છે. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની લાંબા અંતરની બસો નો અહીં ૧૦-૧૫ મિનિટનો હોલ્ટ હોય છે. આ થ્રુ બસોની સંખ્યા પણ ઘણી છે. ૨૪ કલાક ધમધમતા બસ સ્ટેન્ડમાં ઉતારૂઓની ભારે ભીડ જામે તે સ્વાભાવિક છે. ઉતારૂઓની રિક્ષા અને અન્ય વાહનો સાથેની અવરજવર પણ વ્યાપક રહે છે. અનેક વાહનો પાર્ક થયેલા હોય છે. અહીં બસ સ્ટેન્ડ કાર્યરત થવાની પ્રદર્શન મેદાનની આસપાસના માર્ગો પર નાના ધંધાર્થીઓ પણ ખડકાઈ ગયા છે. પ્રદર્શન મેદાનમાં એસ.ટી. બસોને આવવા-જવા માટે એક જ પ્રવેશદ્વાર છે. તહેવારોના સમયમાં બહારગામથી આવનારા-જનારા લોકોની સંખ્યામાં ખૂબ વધારો થાય છે. અને એસ.ટી. તંત્રને વધારાની એસ.ટી. બસો દોડાવવી પડતી હોય છે. તો આ મેદાનમાં તહેવારો ટાણે જ લોકમેળાનું આયોજન અનેક સમસ્યઓ સર્જે તે નવાઈ નહીં..?
લોકમેળામાં જવા-આવવા માટેના માર્ગ ઉપરાંત એસ.ટી. બસ સ્ટેન્ડમાં આવવાના બંને માર્ગમાંથી લોકોને પ્રવાહ અંદર-બહાર થશે તો કોણ અટકાવશે ? માલ-સામાન સાથેના ઉતારૂઓની શું હાલત થશે...બસ સ્ટેન્ડ માટેની જગ્યામાં લોકમેળાની ભીડ જમા થશે તો તેને બહાર કેવી રીતે કાઢી શકાશે...?
અડધા પ્રદર્શન મેદાનમાં પ્લોટોની સાઈઝ શું રાખવી, વિધિવત રાઈડો માટે કેવી રીતે જગ્યા નક્કી કરવી, રમકડાંના સ્ટોલ, ખાણી-પીણીના સ્ટોલ, નાની રાઈડ્સ વગેરેની સાઈઝ-જગ્યા નક્કી કરવામાં પણ ભારે ગડમથલ છે. તેમાંય લોકમેળામાં સુચારૂ વ્યવસ્થા માટેની જરૂરી સેવા, કંટ્રોલરૂમ, ઈમરજન્સી સહાય રૂમ. મેડીકલ રૂમ ફાયરબ્રિગેડ તેમજ પાણીના સ્ટોલ વગેરે માટે પર્યાપ્ત જગ્યા રાખવી તેના સ્થાન નક્કી કરવામાં પણ જગ્યા ટૂંકી હોવાથી મુશ્કેલી પડી રહી છે.
જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા એસ.ટી.વિભાગ, પોલીસ વિભાગ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી યોગ્ય આયોજન થયા તે માટે પૂરજોશમાં મહેનત કરવામાં આવી રહી છે. એસ્ટેટ વિભાગના જણાવ્યા પ્રમાણે મનપા કચેરી દ્વારા પ્રદર્શન મેદાનમાં આ તમામ બાબતો અંગે ચોક્કસ માપ લઈ પ્લાન નકરો તૈયાર કરવામાં આવશે અને ત્યાર પછી મનપા દ્વારા જાહેર કરાયેલા પ્લાન, નકશા મુજબ પ્લોટની ટેન્ડર પ્રક્રિયા થઈ શકશે.
આમ, રવિવારે તો મનપા તંત્ર રાત થોડી ને વેશ ઝાઝા જેવી સ્થિતિમાં ઉંધે માથે થઈને કામગીરીમાં વ્યસ્ત થઈ ગયું છે.
ના કરે નારાયણ ને કોઈ નાની અમથી ઘટના કે બબાલ પણ થાય તો ધક્કા મુક્કી-નાસભાગ જેવી સ્થિતિમાં રાજકોટના ગેમઝોનકાંડ જેવી દૂર્ઘટનાનું ભયસ્થાન ધ્યાનમાં રાખીને ફુલપ્રૂફ આયોજન થાય તે જરૂરી છે. તેમજ મશીન રાઈડ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ એસઓપીની તમામ જોગવાઈઓ-નિયમોનું ચૂસ્તપણે પાલન કરીને જ પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવે તે પણ હાલના સમયમાં એટલું જ જરૂરી છે.
અંદાજે ૪૦-૫૦ હજાર લોકોની અવરજવર
જામનગર એસ.ટી. બસ ડેપોમાંથી હાલ દરરોજની ૧૦૦૮ ટ્રીપ દોડે છે...
જામનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં કંટ્રોલ વિભાગના વડાના જણાવ્યા પ્રમાણે ૨૪ કલાક દરમ્યાન ૧૦૦૮ બસોની ટ્રીપ થાય છે. અને આ ૨૪ કલાક દરમ્યાન સામાન્ય દિવસોમાં (રજા કે તહેવાર સિવાયના દિવસોમાં) અંદાજે ૪૦-૫૦ હજાર લોકોની અવરજવર થાય છે.
તહેવારો દરમ્યાન જામનગરથી તુલેશ્વર, દ્વારકા, બેટ-દ્વારકા જેવા પ્રવાસન સ્થળો માટે વધારાની બસો દોડાવવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ વગેરે શહેરોમાંથી પણ દ્વારકા માટે વધારાની બસો વાયા જામનગર થઈને દોડાવવામાં આવે છે. હાલના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મનપા તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવાનો નિર્ણય કરાયો છે તે સંદર્ભમાં લોકમેળા માટે જાહેર કરાયેલા ૧૫ દિવસ સુધી એસ.ટી.બસો ક્યા માર્ગે થઈને પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ સ્ટેશને અવરજવર કરશે તે અંગે કોઈ રૂટ કે જાહેરનામું હજી જાહેર થયું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial