Advertisement
Author: નોબત સમાચાર

તહેવારોમાં તકેદારી જરૂરી... તંત્રો તિકક્ડમ ન ચલાવે... મેળાઓને લઈને મુંઝવણ ? જનપ્રતિનિધિઓ જાગો...

                                                                                                                                                                                                      

ગઈકાલે ગુરૂપૂર્ણિમાની ધામધૂમ અને પૂજ્યભાવ સાથે ગુરૂપૂજન કરીને ઉજવણી થઈ, તો શાળા-કોલેજોથી લઈને ધર્મસ્થળો, ધાર્મિક સંસ્થાઓ અને યાત્રાધામોમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા. આ દરમ્યાન એક તરફ ભક્તિગંગા ઉભરાવા લાગી હતી, તો બીજી તરફ યાત્રાસ્થળો-યાત્રાધામોમાં પણ માનવ મહેરામણ પૂર્ણિમાની ભરતીની જેમ ઉભરાઈ રહ્યો હતો.

યાત્રાધામ દ્વારકામાં પૂનમ ભરવા માટે નિયમિત ભાવિકો આવે છે, તે ઉપરાંત ગઈકાલે ગુરૂપૂર્ણિમા હોવાથી યાત્રિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા ગઈકાલે દ્વારકાના જગતમંદિરની છપ્પન સીડી તરફ જે સ્થિતિ સર્જાઈ હતી, તે દ્વારકા દેવસ્થાન (મંદિર વ્યવસ્થાપન) સમિતિ, વહિવટીતંત્ર, પોલીસતંત્ર અને પૂજારીવર્ગ તથા મંદિરને સંલગ્ન શારદાપીઠ માટે પણ એક પ્રકારે વોર્નિંગ એલાર્મ જેવી ગણાય, કારણ કે આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી તથા શ્રાવણ મહિનામાં યાત્રાધામ દ્વારકા-બેટદ્વારકા-નાગેશ્વરના પ્રવાસે અકલ્પ્ય સંખ્યામાં યાત્રિકો આવવાની સંભાવના છે, અને તમામ ભાવિકો-યાત્રિકો જગતમંદિરમાં દર્શન કરવા તો આવવાના જ છે, તેથી ધક્કા-મુક્કી ટાળવા અને દર્શનાર્થીઓનું સ્વમાન જળવાઈ રહે અને શાંતિથી દર્શન-વ્યવસ્થા સંપન્ન થાય, તેનું સમતુલન જાળવવું અત્યંત પડકારરૂપ બનવાનું છે.

એવું કહેવાય છે કે અષાઢી પૂર્ણિમાના દિવસે જગતમંદિરમાં હૈયે હૈયુ દળાય, તેવી ભીડ હતી. અને થોડા સમય માટે કેટલાક ભાવિકોને ભીડની વચ્ચે મુંઝારો થતો હતો. કૃષ્ણકૃપા કહો કે ભક્તોના નસીબ કહો, પણ જેમ-તેમ કરીને વ્યવસ્થા જળવાઈ અને કોઈ અનિચ્છનિય ઘટના સર્જાઈ નહીં, પરંતુ આમાંથી ધડો લઈને આગામી તહેવારોમાં સંબંધિત તંત્રો તકેદારી રાખશે તેવું ઈચ્છીએ...

આખો શ્રાવણ મહિનો સોમનાથ-નાગેશ્વરના દર્શને આવતા દેશ-દુનિયાના ભાવિકોમાંથી મોટા ભાગના લોકો દ્વારકા તથા બેટ દ્વારકાના દર્શને અવશ્ય જતા હોય છે, પરંતુ આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી ખેડૂતો સહિત  સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છે, તેથી સ્થાનિક ભાવિકોનો ધસારો મંદિરોમાં પણ વધવાનો છે અને મેળાઓમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડવાના છે, ત્યારે આ વખતે જ્યાં જ્યાં મેળાઓ યોજાય છે, ત્યાં ત્યાં સુરક્ષા અને સલામતિ ઉપરાંત વ્યવસ્થિત દર્શન તથા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાની દૃષ્ટિએ પણ વધુ પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ શકે છે.

જામનગરમાં ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ પછી પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ મેળો યોજાશે, તેવી જાહેરાત તો થઈ ગઈ, પરંતુ આ વખતે એક તરફ મેળામાં ભીડ વધવાની શક્યતાઓ છે, અને બીજી તરફ અડધુ પ્રદર્શન ગ્રાઉન્ડ જ ઉપલબ્ધ છે, તે ઉપરાંત બાજુમાં જ કામચલાઉ એસ.ટી. ડેપો હોવાથી ટ્રાફિક-નિયમન, વ્યવસ્થાઓ, સુરક્ષા-સલામતિ ઉપરાંત ચોમાસાની ઋતુ હોવાથી ભીડ નિયમન ઉપરાંત આગ-અકસ્માત-પડવા-વાગવા જેવી દુર્ઘટનાઓ અંગે પણ સાવચેત રહેવું પડે તેમ છે.

જામનગરમાં તો આખુ પખવાડીયું શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડના અડધા ટૂકડામાં યોજાનાર હોવાથી ઊભી થનારી સ્થિતિની ધ્રુજાવનારી સ્થિતિનો અંદાજ કરીને તંત્રો તિક્કડમ ન ચલાવે, શાસકો સૂસ્ત ન રહે અને લોકો પણ  ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેવી આશા જ રાખવી રહી...

નગરમાં પૂર્ણતાના આરે આવીને લટકેલી તથા અટકેલી ફલાયઓવર બ્રિજની કામગીરી, તેની ગુણવત્તા સામે ઉઠેલા સવાલો અને ખાડાઓમાં ગાયબ થઈ ગયેલા માર્ગો તથા ચોમાસાના કારણે વરસાદ-વાવાઝોડાની સંભાવનાઓ વચ્ચે શ્રાવણ મહિનો તથા અન્ય તહેવારોમાં મુશ્કેલી તો પડવાની જ છે, અને પરિણામલક્ષી પગલાં લેતા પહેલા જ (આદત સે મજબૂર) પ્રચાર-પ્રસિદ્ધિ કરતી સ્થાનિક શાસકો અને તંત્રોની જુગલબંધીના ભરોસે પણ રહેવાય તેમ નથી, ત્યારે ટ્રાફિક અને અન્ય નીતિ-નિયમ-કાયદા-કાનૂનને નેવે મૂકીને તહેવારો ટાણે ઉફાણે આવી જતા તત્ત્વો-પરિબળોને અંકુશમાં રાખવાની તકેદારી પણ "ઉચ્ચ" કક્ષાએથી સાર્વત્રિક રાખવી પડે તેમ છે.

શ્રાવણી મેળાઓ તથા તહેવારોમાં મેળાઓ તથા યાત્રાધામોમાં બેફામ નફાખોરી અને ઉઘાડી લૂંટ ન થાય, અને સ્થાનિક તથા રાજ્યવ્યાપી પરિવહનમાં ટિકિટ-ભાડા, રિક્ષાભાડા અને ભોજન-નિવાસની સવલતો આપતા ક્ષેત્રો પર પહેલેથી જ અંકુશ રહે તે અત્યંત જરૂરી છે.

રેલવે તંત્રે પણ જનરલ બુકીંગ સમયે ટ્રેનની ક્ષમતાને અનુરૂપ જ ટિકિટો આપવી જોઈએ, તેથી પહેલેથી બુકીંગ કરાવ્યું હોય, તેવા પ્રવાસીઓ પોતાની સીટ સુધી સમયસર અને સલામત રીતે સરળતાથી પહોંચી શકે.

રેલેવે તંત્ર દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં ચાલુ ટ્રેને કોઈ પણ મુસાફરની સામાન્ય બીમારીમાં પ્રાથમિક સારવાર થઈ શકે, અને દવાઓ આપી શકાય, તેવી વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે વિચારવું જોઈએ, જેથી રેલવેસ્ટેશનો પર કે નજીકના સ્થળે દવા લેવા જતા મુશ્કેલીમાં મુકાવા, ટ્રેન ચૂકી જવા કે મુસાફરી અડધેથી છોડી દેવા જેવી મજબૂરીમાં મુસાફરોને મુકાવું પડે નહીં. ખાસ કરીને યાત્રાધામો તથા મોટા શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેનોમાં આ પ્રકારની વ્યવસ્થા થવી જરૂરી છે.

દર વર્ષે એસ.ટી. દ્વારા જન્માષ્ટમી પર્વે દ્વારકા અને અન્ય તહેવારો પર પ્રાસંગિક ધોરણે અન્ય સ્થળો માટે પણ વિશેષ બસો દોડાવવામાં આવે છે, તેમાં સુધારો વધારો થવો જરૂરી છે, અને લાંબા અંતરની બસોમાં પણ કોઈ મુસાફરને સામાન્ય તકલીફ થાય, તો બસમાં જ ફર્સ્ટ એઈડ કે સારવાર થઈ શકે, તેવી વ્યવસ્થા થઈ શકે અને કેટલાક વ્યૂહાત્મક સ્થળે બસમથકો પર પણ આ પ્રકારની સુવિધાઓ રાખવી જોઈએ. ખાસ કરીને તહેવારોમાં ભારે ભીડ હોય, ત્યારે તો કેટલીક વિશેષ વ્યવસ્થાઓ ઊભી થવી જ જોઈએ ને ?

આપણે ઈચ્છીએ કે તમામ તહેવારો-મેળાઓ ખૂબ જ આનંદ-ઉલ્લાસપૂર્વક અને નિર્વિઘ્ને સંપન્ન થાય, અને એવું ત્યારે જ થશે, જ્યારે આપણે બધા પહેલેથી જ આ માટે જાગૃત રહીશું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh