Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુલાઈ મહિનો ડેન્ગ્યુ વિરોધી મહિના તરીકે ઉજવાઈ રહ્યો છે
ખંભાળિયા તા.૨૯: ચોમાસામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શક સૂચનો જાહેર કરાયા છે. જુન માસમાં મેલેરિયા વિરોધી ઝુંબેશ અંતર્ગત્ત આરોગ્યકર્મીઓએ જિલ્લાના ૧.૫૦ લાખ ઘરોમાં સર્વેલન્સ કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં લેવાયા હતા. હવે જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન પાણીજન્ય અને વાહકજન્ય રોગો મુખ્યપણે જોવા મળે છે. પાણીજન્ય રોગોમાં ઝાડા,ઉલટી, કમળો, ટાયફોઈડ જેવા વગેરે રોગો જોવા મળે છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયા વગેરે વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાય છે.
જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવનાર છે. ડેન્ગ્યુના મચ્છર (એડીસ) ચોખ્ખા પાણીમાં ઘરની અંદર રહેલા નાના પાત્રોમાં ઇંડા મુકે છે જે ૭ થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે. ત્યાર બાદ દર્દીના સંપર્કમાં હોવાથી તે મચ્છર ચેપી બની બીજા તંદુરસ્ત વ્યકિતઓને કરડવાથી વાહકજન્ય રોગો ફેલાય છે. આ માટે ઘરની આજુ-બાજુ કે ઘરમાં પાણી ભરાતા હોય તે અટકાવવા જોઈએ. એડીસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મુકયા બાદ તેના પોરા પાણીમાં જોઈ શકાય છે. આ મચ્છર ટાઈગર મચ્છર તરીકે જાણીતા છે. રંગે કાળો અને શરીરના પૃષ્ઠ ભાગ પર સફેદ રંગના ટપકા ધરાવે છે અને એ મચ્છરચેપી હોઈ ડેન્ગ્યુનો રોગ ફેલાવે છે.
સામન્ય રીતે સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા વગેરે ભંગાર, સુશોભન માટેના ફુવારા વગેરેમાં વરસાદ બંધ રહયા બાદ સ્થિર અને બંધીયાર ચોખ્ખા પાણીમાં એડીસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પુખ્ત મચ્છર બની રોગચાળો ફેલાય છે. ડેન્ગ્યુ મચ્છરથી બચવા માટે માટે પાણી સંગ્રહ કરવાના પાત્રો હવાચુસ્ત બંધ રાખવા, છોડના કુંડા તથા પક્ષીઓના પીવાના પાણીના કુંડા દર ૩ દિવસે સાફ કરવા, અગાસી, છજામાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવી. બિનજરૂરી પાત્રોનો નિકાલ કરીને જરૂરી પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખવા. આ મચ્છર મુખ્યત્વે દિવસે જ કરડે છે અને જમીનથી ૨ ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવતા હોઈ મોટેભાગે પગના નીચેના ભાગમાં કરડતા હોય છે. આથી પૂરૂ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, સંધ્યા સમયે ઘરના બારી-દરવાજા બંધ રાખવા, દવાયુકત મચ્છર દાનીનો ઉપયોગ કરવો જોઈએ.
જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવેલ, તેમાં આરોગ્ય કાર્યકરો તેમજ આશા બહેનો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની આશરે આઠ લાખની વસ્તીના ૧.૫૦ લાખ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવેલ તેમાં ૨૧,૩૫૭ ઘરોમાં ૯૫૨ પાત્રો મેલેરિયા માટે પોઝીટીવ નીકળેલ આ પાત્રોમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા એબેટ (ટેમેફોસ) નાખવામાં આવેલ છે. આ ઉપરાંત ૨૮૫ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવેલ છે, તેમજ ૬૦૩ બિનજરૂરી પાત્રનો નિકાલ કરેલ છે.
પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચવા માટે ઉપર મુજબની તકેદારી રાખવા તેમજ રોગ અટકાયત માટે સર્વે કરવા આવતા આરોગ્ય કર્મચારી અને આશા બહેનોને સહકાર આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોકોને અનુરોધ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા મેલેરિયા અધિકારી અને ટીમ દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ અને ઝુંબેશ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુચારૂ આયોજન કરવામાં આવી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial