Advertisement
Author: નોબત સમાચાર

હવે ગુજરાત બનશે રાષ્ટ્રીય રાજનીતિનું એ.પી. સેન્ટર...

'યુદ્ધ ઔર પ્યાર મે સબ જાયઝ હૈ...'ના સૂત્ર હેઠળ બેફામ વાણી વિલાસ

                                                                                                                                                                                                      

હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરસીમાએ પહોંચ્યો છે, અને ધગધગતા આક્ષેપો-પ્રતિઆક્ષેપોની વચ્ચે ચૂંટણી ઢંઢેરાઓના લોક-લૂભાવન વાયદાઓ થઈ રહ્યા છે. વચનોની લ્હાણી થઈ રહી છે અને જનતાને સ્વપ્નો દેખાડાઈ રહ્યા છે. દેશના બંધારણીય પદો પર બિરાજમાન ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે, અને આ બધા જ નેતાઓ તથા સ્ટાર પ્રચારકો ઘણી વખત અમર્યાદ શબ્દપ્રયોગો પણ કરતા હોય છે. એવું કહેવાય છે કે, 'યુદ્ધ ઔર પ્યાર મેં સબ જાયજ હૈ...!'

ચૂંટણીને ભલે રાજનેતાઓ જંગ કે યુદ્ધ કહેતા હોય, પરંતુ વાસ્તવમાં આ લોકતંત્રનું પર્વ છે, એક તંદુરસ્ત સ્પર્ધા છે અને જનાદેશ પછી સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ હોય છે, અને તેઓ પર દેશના સંચાલન વિકાસ, લોકકલ્યાણ અને બંધારણને અનુરૂપ શાસન સાથે દેશની સુરક્ષા તથા લોકોની સલામતિની જવાબદારી હોય છે. આ કારણે જ વિપક્ષનો અવાજ મહત્ત્વપૂર્ણ ગણાય છે. જો કે, કમનસીબી એ છે કે મજબૂત બહુમતિ મળ્યા પછી પક્ષો અને ગઠબંધનો વિપક્ષોની અવગણના કરતા હોય છે, તો બીજી તરફ વિપક્ષો પણ હન્ડ્રેડ પરસન્ટ નેગેટિવિટીનો માર્ગ અપનાવે, ત્યારે એવી પ્રતીતિ થાય છે કે 'હમામ મેં સબ નંગે હૈ...'

બિહારમાં તાજા સર્વેક્ષણ મુજબ એનડીએને ફટકો અને મહાગઠબંધનને ફાયદો થવા જઈ રહ્યો હોવાના તારણો નીકળી રહ્યા છે. કેટલાક સર્વે એનડીએની તરફેણ પણ કરી રહ્યા છે. આ કારણે પ્રથમ તબક્કાના મતદાન સુધી તારણો ફરતા રહેવાના છે.

બીજી તરફ બિહારની ચૂંટણીના પ્રચારની સમાંતર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો વધારવાના પ્રયાસો કરી રહી છે, અને કોંગ્રેસની નબળાઈ તથા ભાજપ સામે જનતાની નારાજગીનો ફાયદો ઊઠાવીને એક મજબૂત વિકલ્પ બનવાનો પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે.

પંજાબમાં પણ 'શિશમહેલ' બનાવ્યો હોવાના ભાજપના આક્ષેપ પછી કેજરીવાલ ગિન્નાયા છે અને તેના પુરાવા માગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાંટાવચ્છ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતે ભાજપની નિંદર ઊડાડી દીધી હોય તેમ લાગે છે, કારણ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માને ગુજરાતમાં આવીને ગુજરાત સરકાર, ભાજપ અને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા છે. 'કડદા' પ્રથાના વિરોધમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ત્યાં સુધી કહેવાયું કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ તો માત્ર નામના જ મુખ્યમંત્રી છે અને નાયબ મુખ્યમંત્રીનું પદ આપીને હર્ષ સંઘવીને મુખ્યમંત્રીની મહત્ત્વપૂર્ણ સત્તાઓ આપી દેવામાં આવી છે. સંઘવી 'સુપર સી.એમ.' છે!

આ મહાપંચાયતમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને વિસાવદરના ધારાસભ્ય તથા 'આપ'ના દિગ્ગજ ગોપાલ ઈટાલિયા ઉપરાંત કેજરીવાલ, ઈશુદાન ગઢવી સહિતના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજોએ ભાજપ સામે જે તડાતડી બોલાવી છે, તે જોતા એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે, હવે ગુજરાત રાષ્ટ્રીય રાજનીતિનું એ.પી. સેન્ટર બનવા જઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh