Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની ગમખ્વાર દુર્ઘટનાના કારણોની આજે ફરીથી ચર્ચા થઈ રહી છે અને એ.એ.આઈ.બી.ના પ્રાથમિક તપાસ રિપોર્ટનું વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. એવું કહેવાયું છે કે વિમાનના બંને એન્જિનને ઈંધણ નહીં પહોંચતા બંધ પડી ગયા હતા, જેને ચાલુ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ મુદૃે હવે ટેકનિકલ તપાસ પછી અન્ય એંગલોથી તપાસ ચાલુ રહેશે અને આવુ કેમ થયું ? તેનો જવાબ મેળવવાનો પ્રયાસ થશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે આ અંગે ૧૫ પેઈઝનો રજૂ કરેલો રિપોર્ટ ચર્ચામાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રીને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ દુર્ઘટનાની ઉંડી તપાસ તમામ દૃષ્ટિકોણથી (એંગલથી) કરાશે, જેમાં ષડ્યંત્ર કે તોડફોડની સંભાવનાઓનો પણ સમાવેશ થાય છે, એટલે કે આ વિમાન દુર્ઘટના પાછળ કોઈ કાવતરૃં હોય તેવી શક્યતા ને નકારાઈ નથી. એન્જિન ફેઈલર, ફ્યુઅલ પુરવઠાની સમસ્યા, બીજી કોઈ ટેકનિકલ ખામી, માનવીય ભૂલ તથા તમામ એંગલથી તપાસ કરીને ત્રણ મહિનામાં વિગતવાર રિપોર્ટ આવવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તો તમામ ચર્ચાનો મુદ્દો "રન" માંથી "કટ ઓફ" માં ફ્યુલ કટ ઓફ સ્વીચ કેવી રીતે પહોંચી ગઈ અને પાઈલોટો વચ્ચે થયેલી વાતચીત જ છે, અને તેના પરથી જ આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરૃં પણ હોઈ શકે છે, તેવી આશંકાઓ પ્રગટ થઈ છે.
આ પ્રાથમિક રિપોર્ટ મુજબ અત્યારે જે કારણો સામે આવ્યા છે, તેના જુદા-જુદા અર્થઘટનો થઈ રહ્યા છે, અને ફ્યુલ સ્વીચ જો વિમાન જમીન પર હોય, ત્યારે જ ઓન-ઓફ કરાતી હોય, તો તે કોણે કરી ? તેવો સવાલ પણ ઉઠે છે. જે હોય તે ખરૃં, પણ આ બાબતની તલસ્પર્શી અને તમામ એંગલથી તપાસ થાય, અને ફાઈનલ રિપોર્ટ બહાર આવે, તે પછી જ બધી વાતો કલીયર થાય તેમ છે, તેથી ત્રણ મહિના પછી વિગતવાર રિપોર્ટ આવે, તેની રાહ જોવી રહી...
અમદાવાદના પ્લેન ક્રેશની તપાસમાં તો બ્લેકબોક્સ અને અન્ય રેકોર્ડીંગ, જરૃર પડે તો એરપોર્ટ, રન-વે ના સી.સી.ટી.વી. કેમેરા તથા તેમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તેમાં ઉંડુ ઉતરવું પડે તેમ છે, અને તેથી તેમાં ત્રણેક મહિનાનો સમયગાળો જોઈએ, પરંતુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તો જવાબદારોને છાવરવા ન હોય, તો કારણો અને તારણો સ્પષ્ટ જ છે, આ બ્રિજ જર્જરિત હોવા છતાં કેમ ચાલુ રખાયો અને જાગૃત નાગરિકોએ ઘણાં મહિનાઓ પહેલા રજૂઆતો કરવા છતાં આ બ્રિજની મજબૂતિને કલીનચીટ અપાઈ હોય, તો તેની પાછળના કારણો ક્યા હોઈ શકે, તેની ઉંડી તપાસ પણ કરવી જરૃરી છે, અને ભાંગફોડ કે સ્થાપિત હિતોના કોઈ ષડયંત્રની સંભાવનાઓ પણ ચકાસી લેવી જોઈએ, ખરૃં ને ?
અમદાવાદની પ્લેન દુર્ઘટના પછી સંબંધિત એરલાઈન્સ કે ડ્રીમલાઈનર પ્લેનના ઉત્પાદકો તેનો બચાવ કરે અને દુર્ઘટનાના અર્થઘટનોમાંથી જ પોતાની એઈફ સાઈડ બતાવવાનો પ્રયાસ કરે, તે સમજાય, પરંતુ કોના સંદર્ભે સરકાર, અધિકારીઓ કે કોઈ રાજનેતા અથવા પાર્ટી તેના બચાવ કે વિરોધમાં ઉતરે, તો દાળમાં કાંઈક કાળુ હોવાની આશંકાઓ જાગે, તે પણ હકીકત છે. કોઈ પણ બચાવ અથવા વિરોધ સાથે મજબૂત પ્રમાણો, આધાર કે પુરાવા ન હોય, તો તેનો કોઈ મતલબ પણ નથી.
જો કે, આ દુર્ઘટના થયા પછી અન્ય કંપનીઓના વિમાનોની ચકાસણી કરવાની પ્રક્રિયા પણ વધુ ચૂસ્ત-દૂરસ્ત થઈ ગઈ છે અને ઉડ્ડયન દરમ્યાન પણ જો કોઈ નાની-સરખી ખામી કે શંકા જણાય તો તરત જ તેના પર લક્ષ્ય અપાય છે, અને તે કારણે જ ઈમરજન્સી લેન્ડીંગની ઘટનાઓ પણ વધી રહી છે, જે સારા સંકેત છે, કારણે માનવ જિંદગીથી વિશેષ મૂલ્યવાન કોઈ ચીજ નથી.
એવી જ રીતે ગંભીરા પુલની દુર્ઘટના પછી અન્ય જર્જરિત પુલોની ગણતરી પણ થવા લાગી છે, અને ખંભાળીયાના જર્જરિત બ્રિજ જેવા માત્ર કાગળ પર બંધ કરાયેલા તેમજ અન્ય પ્રતિબંધ મુકવા જેવા પુલોની તસ્વીરો પણ અખબારોના પાને ચમકવા લાગી તથા મીડિયા-સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગી છે. જો કે, મોરબી ઝુલતા પુલની દુર્ઘટના તથા તે પછીની પુલ દુર્ઘટનાઓમાંથી પણ કોઈ કાયમી બોધપાઠ લેવાયો હોય તેમ લાગતું નથી.
જે બ્રિજ અને માર્ગો સામાન્ય વરસાદમાં પણ તૂટી-ફૂટી જાય તેના જવાબદારો સામે માત્ર ગડકરી ફેઈમ જુસ્સેદાર નિવેદનોથી નહીં ચાલે, પરંતુ વાસ્તવમાં કડક પગલાં લેવાય તે જરૃરી છે. એટલું જ નહીં, જ્યારે કોઈપણ નવા માર્ગ કે પુલનું લોકાર્પણ થાય, ત્યારે તેના ઉદ્ઘાટન પહેલા જ ઉદ્ઘાટન કરનાર મહાનુભાવોએ તેની મજબૂતી, ગુણવત્તા તથા કોન્ટ્રાકટર સાથે થયેલા કરારોની ચકાસણી કરવાનું ફરજીયાત હોવું જોઈએ, જેથી ઉદ્ઘાટન પછીના ગેરંટી પીરિયડમાં જો માર્ગ કે પુલને લઈને કોઈ ફરિયાદ ઊભી થાય કે દુર્ઘટના સંભવ હોય તો સંબંધિત કોન્ટ્રાકટરો, તે કામોને પ્રમાણિત અધિકારીઓ અને તે પુલ કે માર્ગનું ઉદ્ઘાટન કરનાર મહાનુભાવોને પણ સાંકળીને ઉચિત કાર્યવાહી સરકાર, તંત્ર અને પાર્ટીની કક્ષાએથી પણ થઈ શકે.
હવે તંત્રો સાથે સાઠગાંઠ કરીને ભ્રષ્ટાચારને સિસ્ટોમેટિક સ્વરૃપ આપનાર પદાધિકારીઓ તથા નેતાઓને પણ કાનૂની રીતે જવાબદાર ગણવાની ક્રાન્તિકારી પહેલ કરવાની જરૃર છે, અને એ પ્રકારની ત્રેવડ હોય, તેને જ સત્તામાં રહેવાનો અધિકાર છે, તેવો નવો કોન્સેપ્ટ પણ આકાર લેવા લાગ્યો છે, તેથી ભ્રષ્ટ અદૃશ્ય ગેંગોએ પણ હવે ચેતી જવાની જરૃર છે, અન્યથા આપણાં દેશમાં મજબૂતમાં મજબૂત સરકારોને પણ આ જ જનતાએ ઘરભેગી કરી છે, તે ભૂલવા જેવું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial