Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નપાણીયા-ખીજડિયા પર પરિવાર પર ટોળુ તૂટી પડ્યાઃ કચરો નાખવાની બાબતે બબાલઃ
જામનગર તા. ૩: જામનગરના નદીપા રોડ પર આવેલી સીદી બાદશાહ જમાતની ઓફિસે ગઈકાલે જૂની બોડીના મંત્રી અને અન્ય ત્રણ શખ્સે નવી બોડીના હોદ્દેદાર પર કોસ-છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો. તેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. નવી બોડીને માન્યતા મળતા બરખાસ્ત થયેલી જૂની બોડીના હોદ્દેદારને ઉપરોક્ત બાબત પસંદ ન પડતા હુમલો થયાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે નપાણીયા ખીજડિયામાં અગાઉની માથાકૂટનો ખાર રાખી એક ટોળાએ સોમવારે રાત્રે હિચકારો હુમલો કર્યાે હતો. ઉપરાંત અગાઉની માથાકૂટ અને પોલીસ ફરિયાદનો ખાર રાખી લાલપુરમાં પ્રૌઢને ધોકો ફટકારાયો હતો. કચરો નાખવા બાબતે દંપતી પર ચાર પાડોશીએ ભીમવાસમાં હુમલો કર્યાે હતો.
જામનગરના નદીપા રોડ પર આવેલી સીદી જમાતની કચેરીમાં ગઈકાલે સાંજે આઠેક વાગ્યે જમાતના નવા હોદ્દેદારો તથા જૂના હોદ્દેદારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. નવા-જૂના હોદ્દેદારોની ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે ગયા ફેબ્રુઆરી મહિનામાં ઈકબાલભાઈ પીરભાઈ કોન્ટ્રાક્ટર (ઉ.વ.૬૭)ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તે વરણી સમાજના જૂના પ્રમુખ સહિતના હોદ્દેદારોને પસંદ પડી ન હતી.
તે દરમિયાન બંને પક્ષ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો. જેમાં નવા હોદ્દેદારો-બોડીને મંજૂર રાખવામાં આવી હતી. તેથી ગઈકાલે સાંજે જમાતના ફાળા માટે ઈકબાલભાઈ કચેરીએ આવીને બેઠા હતા. ત્યારે જૂની બોડીના અખ્તર ઈસ્માઈલ વગીડા ઉર્ફે મુનીયો બાદશાહ, મોયુનુદ્દીન ઉર્ફે મોયલો તથા બે અજાણ્યા શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સોએ ઓફિસમાં હાજર ઈકબાલભાઈ તથા અન્ય ત્રણેક જેટલા હોદ્દેદારો સાથે બોલાચાલી કર્યા પછી જૂની બોડીના મંત્રી અખ્તર ઉર્ફે મુનીયાએ પોતાની પાસે રહેલી કોસ ટેબલ પર પછાડી હતી. તે કોસથી અનવરહુસેન બકરીવાલા પર હુમલાનો પ્રયાસ કરાતા અનવરહુસેને કોસ ઝૂંટવી લીધી હતી. આથી વધુ ઉશ્કેરાયેલા મુનીયાએ નેફામાંથી છરી કાઢી અનવરહુસેનને ઝીંકી દીધી હતી.
આ વેળાએ હાજી મહંમદ વજુગરા વચ્ચે પડતા તેઓને પણ એક ઘા ઝીંકાયો હતો. ઝપાઝપી દરમિયાન સ્લીપ થઈને મુનીયો પડ્યો હતો અને તેનું માથું કચેરીના દરવાજામાં ભટકાતા તેનો કાચ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો અને મુનીયાને પણ માથામાં વાગ્યું હતું. તે પછી ઓફિસની બહાર નીકળતી વેળાએ અનવર હુસેન અને હાજી મહંમદ પર મોયલા અને બે અજાણ્યા શખ્સે હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી આ શખ્સો ચાલ્યા ગયા હતા. ઈજાગ્રસ્ત અનવર હુસેન તથા હાજી મહંમદને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ઈકબાલભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં અક્ષર દેવજીભાઈ પરમારના પરિવાર સાથે અગાઉ ત્યાં જ રહેતા જીજ્ઞેશ હીરાભાઈ પરમાર ઉર્ફે જતીન તથા વિપુલ આલજીભાઈ પરમારના પરિવારને ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી મંગળવારે રાત્રે જતીન, વિપુલ, દીપક આલજીભાઈ, ધાર્મિક પ્રવીણ, પ્રવીણ પ્રેમજીભાઈ, કિશોર પ્રેમજીભાઈ પરમાર અને ત્રણેક જેટલા અજાણ્યા શખ્સોએ પાઈપ તથા પથ્થર વડે હુમલો કરી અક્ષય પરમારના પરિવારના પુરીબેન અને અન્ય વ્યક્તિઓ પર હુમલો કરી માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.રમાં રહેતા દેવીબેન જયંતિભાઈ ચૌહાણ નામના મહિલાએ પાડોશી મણીલાલ વાઘેલા, ગોપાલ મણીલાલ, નયન મણીલાલ, કારીયા મણીલાલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ઘર પાસે દેવીબેનના પતિ કચરો નાખવા ગયા ત્યારે ઉપરોક્ત ચાર આરોપીએ તેઓને ગાળો ભાંડી ધોકાથી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર દેવીબેનને પણ માર મારવામાં આવ્યો હતો.
લાલપુર શહેરના કરબલા ચોકમાંથી ગઈકાલે સાથે પસાર થતા હનીફ બાઉદ્દીન ધાવડાને રોકી લઈ તબેલા શેરીવાળા ઈકબાલ મામદ રાવકરડાએ ગાળો ભાંડી ધોકાથી માર માર્યાે હતો. અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી અને હનીફના સાળા આરીફે પોલીસમાં ઈકબાલના પુત્ર સામે કરેલી ફરિયાદના કારણે વધુ ઉશ્કેરાયેલા ઈકબાલે ધમકી પણ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial