જામનગરના વિશ્વેશ મહેતાએ કન્યા કેળવણીના સંદેશ સાથે બુલેટ પર દેશની ચારે દિશાના સીમાડા સર કર્યા

સફળતા માણસની પ્રતિભાને પ્રમાણિત કરે છે. સફળ માણસનો અવાજ સમાજમાં બરાબર ઝીલાય છે એટલે જ જો આ અવાજમાં કોઈ સંદેશ વહેતો મૂકવામાં આવે તો એ સંદેશ મોટું પરિવર્તન લાવી શકે.

આવા જ વિચારથી નગરના વિશ્વેશ મહેતા નામના યુવાને કન્યા કેળવણીના સંદેશ સાથે દેશની ચારેય દિશાના સીમાડાઓની બુલેટ યાત્રા કરી લીમ્કાબુક ઓફ રેકોર્ડસ-૨૦૨૦નો ન્યુ સોલો બાઈક રાઈડર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 'નોબત'ના પત્રકાર આદિત્યએ વિશ્વેશ મહેતા સાથે તેમની આ 'રેકોર્ડ' ટુર અંગે ગોષ્ઠી કરી હતી.

મૂળ જામનગરના વિશ્વેશ મહેતા હાલ અમદાવાદમાં મર્ચન્ટ નેવી ક્ષેત્રે કાર્યરત છે. તેઓ વેસ્ટલાઈન શિપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એચ.આર.ડિપાર્ટમેન્ટમાં સેવારત છે. યુવાનીથી જ બાઈકીંગનો શોખ ધરાવતા વિશ્વેશે આ પૂર્વે પણ પોતાની રોયલ એનફિલ્ડ 'બુલેટ'બાઈક ઉપર ૪૮ દિવસાનં ૧૭ હજાર કીમીનો પ્રવાસ ખેડ્યો હતો. પરંતુ તેઓ કોઈ રેકોર્ડ બનાવી શક્યા ન હતા. રેકોર્ડ બનાવવા તેમણે ભારતની ઉત્તર-દક્ષિણ પૂર્વ-પશ્ચિમ ચારેય દિશાના સીમાડાઓ રેકોર્ડ ટાઈમમાં બુલેટ પર સર કરવાનો નિર્ધાર કર્યો. તેમણે ભારતની પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છમાં આવેલ કોટેશ્વર, દક્ષિણ ભારતમાં કન્યાકુમારી, પૂર્વ ભારતમાં અરૃણાચલ પ્રદેશમાં ચાઈના બોર્ડર પાસે આવેલ તેઝુ તથા ઉત્તર ભારતમાં લેહની યાત્રા કરી.

વિશ્વેશે ૨૧ મે ૨૦૧૯ના દિને કોટેશ્વરથી પોતાની યાત્રાનો આરંભ કર્યો હતો. કોટેશ્વર થી ક્રમશઃ કન્યાકુમારી, તેઝુ, લેહ અને લેહથી પૂનઃ કોટેશ્વર પહોંચીને ૮ જુન ૨૦૧૯ના પોતાની યાત્રા પૂર્ણ કરી હતી. કુલ ૧૭ દિવસ, ૧૮ કલાક અને ૫૧ મિનિટમાં આ યાત્રા કરી વિશ્વેશે લિમ્કા બુક ઓફ રેકોર્ડસ ૨૦૨૦નો 'ન્યુ સોલો બાઈક રાઈડર રેકોર્ડ' પોતાના નામે કર્યો છે. આ અંગે તેમને લીમ્કા બુક તરફથી ઓફિશ્યલ કન્ફર્મેશન મળી ચૂક્યું છે. સંભવતઃ એપ્રિલમાં તેમને રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત થશે.

દેશમાં કન્યા ભ્રૂણહત્યાનું ઉચું પ્રમાણ છે ત્યારે સ્ત્રીઓ જાતે જ આવા ગર્ભપાતની વિરૃદ્ધ જાગૃત થાય એ માટે તેમનામાં કેળવણીનું સિંચન કરાવાના સંદેશ સાથે દેશની ચારે દિશાના સીમાડાઓ સર કરી વિશ્વેએ એ પ્રભાવી પેસેન્જરનું કાર્ય કર્યું છે. તેઓ જૈન હોવાથી તેમણે સમગ્ર યાત્રા દરમ્યાન જૈન ભોજન જ આરોગ્યું હતું. આ માટે પૂર્વોત્તરના રાજ્યોમાં તેમને થયેલા સ્થાનિક બાઈકર ગ્રુપો ના સુખદ અનુભવ પરથી તેઓ નોર્થ-ઈસ્ટના રાજ્યો પ્રત્યે પ્રવર્તતી ગેરમાન્યતાઓનું ખંડન કરે છે. યાત્રા દરમ્યાન વિશ્વેશે વિષમ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં ૫૦ ડીગ્રી આસપાસ તાપમાન અને લેહ તરફ જતી વખતે હિમવર્ષા સાથે તીવ્ર ઠંડીનો સામનો મક્કમ મનોબળ સાથે કરી અંતિમ ચરણમાં લથડેલી તબીયતને અતિક્રમીને પણ યાત્રા પૂરી કરી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી વિશ્વેશે નગરના ગૌરવમાં વધારો કર્યો છે. આ યાત્રા માટે વિશ્વેશને કોઈ સ્પોન્સર મળ્યા ન હતા. સમગ્ર યાત્રાનો કુલ અઢી થી ત્રણ લાખનો ખર્ચ તેમણે જાતે જ ભોગવ્યો હતો. વિશ્વેશે યોગ્ય સ્પોન્સર મળે તો ભવિષ્યમાં બુલેટ પર કોઈ શુભ સંદેશ સાથે ઈન્ટરનેશનલ ટૂર કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. તેમની આ મહત્વાકાંક્ષા પૂર્ણ થાય અને તેઓ ફરી નગરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન...

close
Nobat Subscription