આઝાદીના ઘડવૈયા, સ્વદેશાભિમાની, નિડર અને લોકલાડિલા સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતી

ભારતની આઝાદી અનેક મજલો અને મંજિલોથી આવી, અદના અને અમીર, રાય અને રંક... અનેક ભારતજનોએ એ  કાજે કુરબાનીઓ આપી. તેમાં હિંસા અને અહિંસા બન્ને બળોએ કામ કર્યું. અહિંસાના બળમાં ગાંધીજી પ્રતિનિધિ હતાં તેમ લડાયક (યુદ્ધ) ના બળોના અગ્રણીઓમાં સુભાષચંદ્ર બોઝનું નામ ભૂલાય તેમ નથી!

એમની કર્મણ્યતાએ રાષ્ટ્રપ્રેમનો એવો જુસ્સો પ્રગટાવ્યો કે પુરુષો તો શું, સ્ત્રીઓએ પણ દુનિયા પામી જાય એવા કાર્યો કર્યા. ભારતની નારી માટેનો 'અબળા'નો આક્ષેપ એ સમયથી દૂર ફેંકી 'સબળા'નું બહુમાન અપાવ્યું. સ્વામી વિવેકાનંદના વિચારોની તેમના પર ઊંડી અસર હતી. તેઓ માનવસેવામાં જ પ્રભુ સેવા છે તેમ માનતા.

સુભાષબાબુનો જન્મ કટકમાં ઉચ્ચ્ મધ્યમ વર્ગના પરિવારમાં ર૩ જાન્યુઆરી ૧૮૯૭ ના થયો હતો. તેમના પિતા મનકીનાથ વકીલ હતાં, માતા પ્રભાદેવી ખૂબ પ્રેમાળ ને ધાર્મિક. ગળથૂથીમાંથી નિર્ભયતા, શિષ્ટ અને અભયના સંસ્કાર મેળવેલા સુભાષબાબુને તોફાન-મસ્તી કરવાની ઉંમરે લોકસેવાની જબરી લગની લાગેલ.

પિતા જાનકીનાથનું સ્વપ્ન હતું દીકરાને આઈ.સી.એસ. કરાવવાનું તેથી સુભાષબાબુ ઈંગ્લેન્ડ જઈ આ પરીક્ષા પણ સારા નંબરે પાસ કરી, પરંતુ ઈ.સ. ૧૯ર૦ માં આઝાદી માટેની અસહકારની ચળવળ શરૃ થતા તેમણે પોતાની તેજસ્વી કારકિર્દીને ઠોકર મારી ચળવળમાં સક્રિયપણે ભાગ લેવાનું શરૃ કર્યું. પછી તો તેમના જીવનનું એક જ લક્ષ્ય રહ્યું, 'ભારત માતાની આઝાદી'.

૧૯ર૩ માં કોલકાતાની મ્યુનિસિપાલિટીના તેઓ વહીવટદાર બન્યા. તે સમયે તેઓ 'સ્વરાજ્ય પક્ષ'ના મંત્રી તથા ફોરવર્ડ પત્રના મુખ્યમંત્રી હતાં. તેમના ભાષણો જુવાનોને જુસ્સો ચઢાવતા ત્યારે તેઓ દરરોજ સત્તરથી અઢાર કલાક કામ કરતાં.

સુભાષબાબુ ૧૯૩૮ થી ૧૯૩૯ માં હરિપુરા તેમજ ત્રિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા. સુભાષબાબુના પ્રવૃત્તિ પ્રભાવથી અકળાઈ રહેલી અંગ્રેજ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા. અહીં તેો બર્મી સંગીત શીખ્યા.

સિંહ પાંજરે પૂર્યો રહે? તેમણે અંગ્રેજ સરકારની વિરૃદ્ધ કામ કરી જર્મનીની મદદથી ઈ.સ. ૧૯૪૧ ની ૧પ મી જાન્યુઆરીએ પઠાણના વેશમાં અંગ્રેજોને હાથતાળી દઈ કોલકાતાથી ભાગી પેશાવર ગયા ત્યાંથી અફઘાનિસ્તાન. રહેમતખાન અને લાલા ઉત્તમચંદની મદદથી પેશાવરથી કાબુલ સુધીના પ૦૦ માઈલના અંતરને ભૂખ-તરસ વેઠી પગે ચાલીને પૂરો કર્યો હતો.

અનેક તકલીફો સહન કરી સુભાષબાબુ જર્મની પહોંચ્યા ત્યાં હિટલરને મળ્યા. જર્મનીમાં યુદ્ધ કેદીઓની મદદથી તેમણે 'આઝાદ હિન્દ ફોજ'ની રચના કરી. 'તુમ મુઝે ખૂન દો, મૈં તુઝે આઝાદી દુંગા'! સુભાષબાબુએ ૧૯૪ર ની વહેલી સવારે જર્મન રેડિયો પરથી પ્રવચન કરતા કહ્યું, સાથે જણાવ્યું કે ભયને ખંખેરી નાખો, બ્રિટિશ સલ્તનતને ફગાવી દો. આઝાદી માગવાથી નહીં મળે તેને લોહી રેડીને મેળવવી પડશે. જર્મનીમાં ઓસ્ટ્રિયાની કન્યા એમિલી સાથે લગ્ન કર્યા તેનાથી તેમને અનિતા નામની એક દીકરી પણ થઈ.

સુભાષબાબુ જર્મનીથી ટોકિયો ગયા અને ત્યાંથી 'આઝાદ હિન્દ ફોજ'ની કામગીરીનું સંચાલન કર્યું. આઝાદ હિન્દ ફોજને ડો. લક્ષ્મી જેવી વીરાંગનાઓની મદદ મળી હતી. આ ફોજની સ્થાપના સાથે જ 'આઝાદ હિન્દ સરકાર'ની સ્થાપના પણ કરવામાં આવી. સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજની મદદથી ૧૯૪૪ માં 'ચાલો દિલ્હી'નું એલાન આપ્યું અને પૂર્વ ભારતની સરકારે બ્રિટિશ હિન્દ પર આક્રમણ શરૃ કર્યું. આઝાદ હિન્દ ફોજે કોહીમા ને ફાલમ જીત્યા પછી ઈમ્ફાલ તરફ કૂચ કરી. ત્યારે કુદરતી પ્રકોપ થયો. મુશળધાર વરસાદ તૂટી પડ્યો. નદીઓમાં પૂર આવ્યા. દારૃગોળોને ખોરાકનો પુરવઠો મળતો અટકી ગયો. આમ છતાં 'આઝાદ હિન્દ ફોઝ'નો જુસ્સો જબ્બર હતો. એના સૈનિકો કહેતા, 'અમે પાંદડા ખાઈશું નુ પુટ ભરીશું. 'ચાલો દિલ્હી' અમારી પાસે દારૃગોળા નથી તો શું થયું બે હાથ તો છે, પરંતુ નેતાજી પોતાના વહાલા સૈનિકોને અમસ્તા હોમી દેવા માગતા નહોતા. તેમણે ફોજને પાછા ફરવાનો આદેશ આપ્યો. ઈમ્ફાલનો ઘેરો નિષ્ફળ ગયો. સૈનિકો નિરાશ થયા, પરંતુ સુભાષબાબુ સૌમાં જૂસ્સો સિંચતા રહ્યા. અંગ્રેજોને દૂર કર્યા વિના નહિં જંપવાનો તેમનો દૃઢ નિર્ધાર હતો. તેઓ યુદ્ધના જ કામે ૧૮ ઓગસ્ટ ૧૯૪પ ના વિમાન દ્વારા મંચુરિયા જવા નીકળ્યા, પણ પછી નેતાજીને લઈને ઊડેલા એ વિમાનને અકસ્માત થયો અને એમાં તેમનું શું થયું? એની કોઈને ખબર ન પડી! સુભાષબાબુનું વિમાની અકસ્માતમાં અવસાન થયાનું કેટલાક માનતા હતાં તો કેટલાક એ બચીને ગુપ્ત વાસમાં રહ્યા હોવાનું અનુમાન કર્યું. ગમે તેમ પણ આઝાદી જોવા તેઓ ન રહ્યા!'

સુભાષબાબુ ખરા અર્થમાં કર્મયોગી રહ્યા. તેમની યોદ્ધા તરીકેની તપશ્ચર્યા અને આત્મસમર્પણની ભાવનાથી દરેકના દિલમાં હરહંમેશ માટે વસી ગયા. એ મહાન નેતાના જીવનકવનમાંથી આપણે પણ દેશ ભાવના ઉજાગર કરી. દેશને ઉન્નત બનાવવા કશુંક કરી છૂટવાની ખેવના કેળવીએ અને એ માટે સદાય જાગૃત રહી દેશ માટે સમર્પણ અને ત્યાગની વિચારસરણીને સુદૃઢ બનાવવા પ્રયત્ન કરતા રહીએ. એ જ ખરા શ્રદ્ધા સુમન.

મીનાક્ષી આશર મો. ૯૯૭૮૪ ર૧૧પ૭

close
Nobat Subscription