Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જતાં પદયાત્રી સંઘમાં મહિલાને હડફેટે લઈ મોટર પલાયનઃ મહિલાનું મૃત્યુઃ બેડ પાસે અકસ્માત

નાગેશ્વર રોડ પર ધ્રાસણવેલ પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: દ્વારકાથી ઓખા તરફના ધોરીમાર્ગ પર ધ્રાસણવેલ ગામ પાસે ગયા બુધવારની રાત્રે એક બાઈક તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી પથ્થર સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકા ચાલીને જતા રાજકોટના કેટલાક પદયાત્રીને સોમવારની વહેલી સવારે ખંભાળિયાથી વીસેક કિમી દૂર મેઘપર ટીટોડી ગામ પાસે એક મોટરે હડફેટે લેતા ઘવાયેલા એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી છે. રવિવારની રાત્રે બેડ ટોલનાકા પાસે જૂનાગઢના આસામીની મોટર સાથે નગરની ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાતા ત્રણ વ્યક્તિ ઘવાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રાંગાસર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા કાનાભા આલાભા સુમણીયા (ઉ.વ.૪૫) નામના યુવાન ગયા બુધવારે રાત્રે દસેક વાગ્યે જીજે-૩૭-સી ૩૪૪૫ નંબરના હીરો મોટરસાયકલ પર દ્વારકાથી રાંગાસર જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે નાગેશ્વર રોડ પર ધ્રાંસણવેલ ગામ પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણથી કાનાભાએ મોટરસાયકલ પરનો કાબૂ ગૂમાવતા તેઓનું બાઈક રોડની સાઈડમાં આવેલા પથ્થર સાથે ધડાકાભેર ટકરાઈ પડ્યું હતું અને તેના પરથી કાનાભા ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા આ યુવાનના માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા કાનાભાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જેઠાભા માંડણભા સુમણીયાએ પોલીસને જાણ કરી છે.

રાજકોટ શહેરમાં ગોકુલ મીલ પાસે શ્રદ્ધા પાર્કમાં વસવાટ કરતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ રામાણી (ઉ.વ.પર) નામના પ્રૌઢ તથા પત્ની શોભનાબેન અને અન્ય લોકો રાજકોટથી પગપાળા દ્વારકા જવા માટે નીકળ્યા પછી ગઈકાલે સવારે પોણા સાતેક વાગ્યે ખંભાળિયા તાલુકાના મેઘપર ટીટોડી ગામના પાટીયા નજીક દેવાંગી આશ્રમના બોર્ડ નજીક પહોંચ્યા ત્યારે એક અજાણી મોટર ફૂલ સ્પીડમાં ધસી આવી હતી.

ઉપરોક્ત મોટરે રોડ પર ચાલ્યા જતા શોભનાબેનને હડફેટે લેતા છાતી તથા માથામાં ગંભીર ઈજા પામેલા શોભનાબેનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ મહિલાનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. જીતેન્દ્રભાઈએ અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ શહેરમાં શંભુનગર વિસ્તારમાં શિવરંજની એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ નાથાલાલ વાઘેલા નામના આસામી પોતાની જીજે-૧-આરએસ ૭૨૮૩ નંબરની ઈકો સ્પોર્ટ્સ મોટરમાં રવિવારની રાત્રે પોણા અગિયારેક વાગ્યે અન્ય વ્યક્તિઓ સાથે ખંભાળિયા પહોંચ્યા પછી જામનગર તરફ આગળ વધ્યા ત્યારે બેડ ટોલનાકા નજીક એક મોલ સામે પહોંચ્યા ત્યારે ખંભાળિયા તરફથી ધસી આવેલી જીજે-૩-બીડબલ્યુ ૪૮૩ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસે તેમની મોટરને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. સિક્કા પોલીસ સ્ટેશનમાં ટ્રાવેલ્સની બસના ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh