Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામ્રાજ્યોને હચમચાવતી અને સત્તાઓ છીનવતી ક્રાંતિઓને આદિકાળથી આજ સુધીનો અનોખો ઈતિહાસ
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે,
ચલી બાદલો કે પાર,
હો કે ડોર પે સવાર,
સારી દુનિયા યે દેખ દેખ જલી રે...
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...
યું મસ્ત હવા મેં લહેરાયે,
જૈસે ઊડન ખટોલા ઊડા જાયે,
લે કે મન મેં લગન, જૈસે કોઈ દુલ્હન,
ચલી જાએ રે સાંવરિયા કી ગલી રે...
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...
રંગ મેરી પતંગ કા ધાની,
હૈ યે નીલ ગગન કી રાની,
બાંકી બાંકી હૈ ઊઠાન,
હૈ ઉમર ભી જવાન,
લગે પતલી કમર, બડી ભલી રે,
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...
છૂના મત દેખ અકેલી,
હૈ સાથ મેં ડોર સહેલી,
હૈ યે બીજલી કી તાર,
બડી તેજ હૈ કટાર,
દેગી કાટ કે રખ, દિલ જલી રે..
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...
આ જુની ફિલ્મનું ૧૯પ૭ નું હિન્દી ફિલ્મ 'ભાભી'નું ગીત આજે પણ એટલું જ કર્ણપ્રિય લાગે છે. લતા મંગેશ્કર અને મહમ્મદ રફીના કંઠે ગવાયેલું રાજેન્દ્રકૃષ્ણનું આ ગીત માટે ચિત્ર ગુપ્તના નિર્દેશન હેઠળ સંગીતબદ્ધ કરાયું હતું.
આ ફિલ્મમાં બલરાજ સહાની, નંદા અને પંડરીબાઈની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. એવીએમ પ્રોડક્શન માટે કૃષ્ણજી-પંજુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઓમપ્રકાશ અને દુર્ગા ખોટેએ પણ ભૂમિકા ભજવી હતી. કદાચ આ ફિલ્મ કોઈ બંગાળી ફિલ્મની રીમેક હતી, પરંતુ તેમાં ગીત-સંગીત અને અભિનયકલાએ રંગ પૂરતા તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થતો હતો.
આ ફિલ્મની કથાવસ્તુ અને રોમાંચક વળાંકો જાણવા અને માણવા તો ફિલ્મ જ જોવી પડે, પરંતુ આજે આ ફિલ્મની યાદ તાજેતરમાં ઉજવાયેલા મકરસંક્રાંતિના પર્વના કારણે આવી ગઈ, મકરસંક્રાંતિના પર્વે અગાસીઓ પર, મેદાનો તથા ગામડાઓ અને શહેરોમાં પતંગ ઊડાવતી વખતે ગીત-સંગીત અને ખાણીપીણીના જલસા સાથે ઘણાં ફિલ્મી ગીતો વાગતા સંભળાયા હતાં, અને તે પૈકીનું આ ગીત હતું. ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...
મકરસંક્રાંતિના પર્વે આકાશ વિવિધ રંગી પતંગોથી ઉભરાઈ રહ્યું હતું. કર્ણપ્રિય મધૂર કોલાહલ સાથે ગીત-સંગીતનો ધ્વનિ ગૂંજી રહ્યો હતો. મકરસંક્રાંતિના પર્વની ગૂંજ દેશભરમાં સંભળાઈ હતી અને આ વખતે તો જર્મનીના ચાન્સેલર સાથે વડાપ્રધાને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટત કર્યું હોવાથી ભારત ઉપરાંત જર્મનીમાં પણ આ વખતે પતંગ મહોત્સવનો કુતૂહલ અને ઉત્સાહ સાથેનો ઉન્માદ પડઘાયો હતો.
સંક્રાંતિનો કાળ ખરેખર
ક્રાંતિ કેરો કાળ છે...
મકરસંક્રાંતિનો કાળ એટલે કે સમય ક્રાંતિકારી કહેવાય છે. ક્રાંતિના દિવસે મકરસંક્રાંતિથી શરૃ થાય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, એટલે મકર સંક્રાંતિ અને ઉત્તર દિશામાં ગતિ કરતો હોવાથી ઉત્તરાયણ કહેવાય છે. પુરાણોમાં આ દિવસ અંગે વિવિધ કથાઓ પણ પ્રચલીત છે.
વિશ્વના પ્રવાહો અને ક્રાંતિકાળ
અત્યારે વિશ્વમાં જે ઘટનાક્રમો ચાલી રહ્યા છે, તેમાં ઘણાં ઉલટફેર થઈ રહ્યા છે, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આશ્ચર્ય પમાડે તેવી હરકતોથી આખી દુનિયા પરેશાન છે. બીજી તરફ કેટલાક દેશોમાં ચાલી રહેલી જનચળવળો ખરેખર મકરસંક્રાંતિના પર્વથી જનાક્રાંતિ બની રહી છે, અને આગામી સમયમાં આ જનક્રાંતિઓના પરિણામો પણ સામે આવવાના છે. ખાસ કરીને પડોશી દેશોમાં ચાલી રહેલા ઘટનાક્રમો કોઈ નવી દશા અને દિશા તરફ જઈ રહ્યા હોય તેમ જણાય છે.
ઈરાનમાં જનક્રાંતિ?
આપણે હમણાંથી ઈરાનમાં ચાલી રહેલા આંદોલનો તથા ત્યાંની સરકાર દ્વારા થઈ રહેલા દમનના કારણે ત્યાં એવી સ્થિતિ ઊભી થઈ રહી હતી કે ત્યાં ગમે ત્યારે કાંઈપણ થઈ શકે તેમ હતું. ઈરાનને ટ્રમ્પની ધમકી કરતાં ય વધુ ત્યાંની જનતાની નારાજગી વધુ અસરકારક બની છે. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સલરે પણ ઈરાનની સરકાર દ્વારા ત્યાંની જનતા પર થઈ રહેલા દમનની આલોચના કરી હતી અને માનવાધિકારોના ખૂલ્લેઆમ હનન સામે કડક શબ્દોમાં પ્રહારો કર્યા હતાં.
નેપાળની જેન-ઝેડ ક્રાંતિ
નેપાળમાં ઝેન-ઝેડ ક્રાંતિ થઈ અને તેના દેશને સાથે મળીને લૂંટી રહેલા નેતાઓ સામે યુવાશક્તિએ પોતાનો દમ દેખાડ્યો. પરસ્પર ઘોર વિરોધી નેતાઓ વારાફરતી દેશનું સૂકાન સંભાળતા રહ્યા હતાં અને દેશની જનતાને ગુમરાહ કરતા રહ્યા હતાં. તે પછી ક્રાંતિ થઈ અને દેશના નેતાઓને દોડાવ્યા, સિંહાસનો ડોલ્યા અને ત્યાંની સેનાએ સમજદારીપૂર્વક પોતાના નેતાઓને તથા તેના પરિવારોને તો બચાવી લીધા, પરંતુ સત્તા ગુમાવવી પડી. નેપાળની આ ક્રાંતિ પછી વચગાળાની સરકાર તો સ્થપાઈ, પરંતુ હવે ફરીથી ત્યાં નવી ક્રાંતિના સંકેતો મળી રહ્યા છે, અને ફરીથી કાંઈક નવાજુની થવાના એંધાણ છે.
બાંગલાદેશની ક્રાંતિ
પડોશી દેશ બંગલાદેશમાં જેન-ઝેડની ક્રાંતિ તો થઈ, પરંતુ ત્યાંની સેનાએ ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને તેમના જ દેશમાં રક્ષણ આપવાના બદલે દેશ છોડીને ભાગવા દીધા. શેખ હસીનાને ભારતે રાજ્યાશ્રય આપ્યા પછી બાંગલાદેશની વચગાળાની સરકારે ભારત સાથે સંબંધો બગાડ્યા તો કેટલાક ભારત વિરોધી પરિબળોએ હિન્દુ કોમ્યુનિટી પર અત્યાચારો કરવા લાગ્યા અને હિન્દુઓની કત્લેઆમ થવા લાગી. હવે ત્યાં ચૂંટણી થવાની છે અને ત્યાંના પૂર્વ વડપ્રધાન ખાલિદા જીયાના નિધન પછી તેના પુત્ર તારિક રહેમાન મેદાનમાં આવ્યા છે, ત્યારે ત્યાં નવી લોકતાંત્રિક ક્રાંતિ થવાની અપેક્ષાઓ વચ્ચે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે.
દુનિયામાં તાજેતરની ઝેન-ઝેડ ક્રાંતિઓ
આમ તો દુનિયામાં ઘણી બધી ક્રાંતિઓ અને સ્વાતંત્ર્ય ચળવળો થઈ છે, પરંતુ તાજેતરની ક્રાંતિઓ જોઈએ તો કોરોનાકાળ પછી શ્રીલંકામાં યુવાનોએ ત્યાંની સરકાર સામે અવાજ ઊઠાવ્યો હતો અને આર્થિક સંકટ, મોંઘવારી, બેરોજગારી તથા કેન્દ્ર સરકારની નિષ્ફળતાની સામે યુવાવર્ગ સડકો પર ઉતર્યો હતો, તે કારણે વર્ષ ર૦રર માં શ્રીલંકામાં જે ક્રાંતિ થઈ તેમાં ગોટબાયા રાજપક્ષેની સરકારે સત્તા છોડવી પડી હતી.
વર્ષ ર૦રર માં જ સુદાનમાં જેન-ઝેડ ક્રાંતિ થઈ અને યુવાવર્ગના પ્રચંડ આંદોલનના કારણે અબ્દુલ્લા હમદોકની સરકાર તૂટી ગઈ હતી.
વર્ષ ર૦ર૪ માં બાંગલાદેશની જેમ ઝેડ ક્રાંતિ પછી વર્ષ ર૦રપ માં નેપાળની જેન-ઝેડ ક્રાંતિ થઈ અને બન્ને દેશોમાં અત્યારે પણ વચગાળાની સરકારો છે.
ક્રાંતિઓનો ઈતિહાસ
ક્રાંતિઓનો આમ તો ઘણો જ જુનો ઈતિહાસ છે. શ્રીકૃષ્ણે કરેલો કંસવધ પણ એક પ્રકારની તે સમયની જેન-ઝેડ ક્રાંતિ કહી શકાય. ફ્રાન્સની વર્ષ ૧૭૮૯ થી ૧૭૯૯ ની ક્રાંતિ ઈતિહાસના પાને લખાયેલી છે. ભારતની આઝાદી માટે ચાલેલી બે સદીની સ્વાતંત્ર્ય ચળવળને પણ એક પ્રકારની જનક્રાંતિ જ ગણી શકાય. વર્ષ ૧૯૧૭ ની રશિયન ક્રાંતિની પણ હંમેશાં ચર્ચા થતી રહે છે. વર્ષ ૧૭૭પ થી ૧૭૮૩ની અમેરિકાની ક્રાંતિને રાજનૈતિક અને લોકતાંત્રિક વર્તમાન ચળવળોની બુનિયાદ ગણી શકાય. ભારતમાં બ્રિટિશ સલ્તનત સામે વર્ષ ૧૮પ૭માં થયેલા વિદ્રોહને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની બુનિયાદ ગણી શકાય.
આ બધી ક્રાંતિ તો રાજનૈતિક અને શાસન વ્યવસ્થાને લગતી હતી, પરંતુ ઘણી હકારાત્મક અને લોકોપયોગી ક્રાંતિઓ પણ થઈ છે.
જનહિતકારી ક્રાંતિઓ
જનહિતકારી હકારાત્મક અને પ્રેરણાત્મક ક્રાંતિઓમાં ઔદ્યોગિક ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, સફેદ ક્રાંતિ અને બ્લ્યુ ક્રાંતિ વિગેરેને ગણાવી શકાય.
અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ૧૯ મી સદીના પ્રારંભમાં પશ્ચિમી દેશોમાં ઘણાં બદલાવો આવ્યા હતાં. ટેકનોલોજી, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને સાંકળતી ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના મૂળ ૧૮૩પ ના કાપડ ઉદ્યોગથી લઈને પ્રવર્તમાન રોબોટ અને એઆઈ યુગ સુધી વિસ્તરેલી છે જ. ઔદ્યોગિક ક્રાંતિ સામે ઘણાં પડકારો આવ્યા છતાં આજે ઔદ્યોગિક ક્ષેત્ર પણ રોજગારી અને વિકાસનું મહત્ત્વનું સોપાન બન્યું છે અને કૃષિપ્રધાન ગણાતા ભારતમાં પણ કૃષિ અને ઉદ્યોગનું અનોખું સંયોજન થઈ રહ્યું છે.
હરિયાળી ક્રાંતિ કૃષિ ઉત્પાદનો વધારવા માટે વર્ષ ૧૯૬૦ માં શરૃ થઈ હતી,અને રસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સિંચાઈ વધારીને વધુમાં વધુ ખેતઉત્પાદનો વધારવા માટેના ઉપાયો કરાયા હતાં, જ્યારે ભારત સરકાર દ્વારા હાલમાં ચલાવાઈ રહેલી હરિયાળી ક્રાંતિની ઝુંબેશમાં સોઈલ હેલ્થ, પ્રાકૃતિક ખેતી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેત ઉત્પાદનો વધારવા અને એ.આઈ. અને ડ્રોનનો ઉપયોગ કૃષિ સિંચાઈ માટે કરીને વધુમાં વધુ ખેતઉત્પાદન મેળવવાનું લક્ષ્ય રખાયું છે.
ખેતી સાથે પશુપાલનને જોડીને દેશમાં દૂધ અને દૂધની બનાવટો અંગે પણ શ્વેતક્રાંતિ આવી છે અને સહકાર ક્ષેત્ર તથા અમુલ ફેઈમ ડેરી ઉદ્યોગનો વિકાસ શ્વેતક્રાંતિના સ્વરૃપો છે, જ્યારે સાગરખેડો દ્વારા વધુમાં વધુ મત્સ્ય-ઉત્પાદનો કરીને બ્લ્યૂ રિવોલ્યુશન નવો કોન્સેપ્ટ પણ અપનાવાયો છે, જેને 'નીલ ક્રાંતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial