Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ગોવાણા પાસે પુલની પાળી સાથે બાઈક ટકરાતા બેના મૃત્યુ

લાખાબાવળ પાસે અકસ્માતમાં બે જિંદગી હણાઈઃ સલ્ફર ભરેલા ડમ્પરની પલ્ટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: લાલપુરના ગોવાણા ગામ પાસે શનિવારે સાંજે પસાર થતાં એક ત્રિપલ સવારી બાઈકે ચાલકના કાબુ બહાર જઈ પુલ સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બે પરપ્રાંતીય શ્રમિકના ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઠોકર મારતા એક યુવાનનું ઘટનાસ્થળે અને એક યુવાનનું હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા હતા. કાલાવડ બાયપાસ રોડ પર સલ્ફર ભરેલા ડમ્પરે રોડ પર પલ્ટી મારતા સલ્ફરનો ઢગલો થઈ ગયો હતો. બેડ ટોલનાકા પાસે ખાનગી કંપનીમાં જતી બસનું ટાયર ફાટતા બસ રોડ ઉતરી ગઈ હતી. જોડિયાના કેશીયા પાસે ઓવરબ્રિજ નજીક ટ્રોલી સાથેના ટ્રેક્ટરને મોટરે ઠોકર મારતા બે વ્યક્તિને ઈજા થઈ છે.

લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા કેસુરભાઈ ભીખાભાઈ બંધીયાના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની દયારામ અનસિંગ ડાવર નામના શ્રમિક શનિવારે સાંજે બબરજર ગામથી ગોવાણા ગામ તરફ આવવા માટે અમરસિંગ સીતારામ વાસ્કેલના એમપી ૧૧ એનએ-૪૦૨૯ નંબરના બાઈક પર નીકળ્યા હતા. તેઓની સાથે અમરસિંગ તથા સાવન રાજુભાઈ વાસ્કેલ પણ હતા.

તેઓનું મોટરસાયકલ જ્યારે ગોવાણા ગામ પાસે પુલ નજીક પહોંચ્યું ત્યારે મોટરસાયકલ ચલાવી રહેલા દયારામે કોઈ કારણથી કાબુ ગુમાવ્યો હતો અને સર્પાકારે દોડી મોટરસાયકલ પુલની પાળી સાથે ટકરાઈ પડ્યું હતું. મોટરસાયકલ પરથી ઉથલી પડેલા દયારામ તથા સાવન રાજુભાઈ નીચે પથ્થર પર પટકાતા બંનેને માથામાં ગંભીર ઈજા થતાં તેઓના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે સાથે રહેલા અમરસિંગ સીતારામને ગંભીર ઇજા થઈ છે. આ અકસ્માતની પોલીસને કૈલાશ દયારામભાઈએ જાણ કરી છે.

જામનગરના એરફોર્સ રોડ પર રહેતા પિયુષ બાબુભાઈ (ઉ.વ.૧૯) તથા તેના અંધાશ્રમ પાસે રહેતા મિત્ર ભરત ભૂપતભાઈ ગઈકાલે મોટરસાયકલ પર જામનગરથી ખંભાળિયા ધોરીમાર્ગ પર જતા હતા. ત્યારે લાખાબાવળ ગામના પાટીયા નજીક એક ટ્રકે તેઓને હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં પિયુષ ધવડના શરીર પરથી ટ્રકનંુ પૈંડુ ફરી વળતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભરત ડોડીયાને ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનને હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮ દોડી આવી હતી. આ યુવાનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. દોડી આવેલી સિક્કા પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

મોરબી તાલુકાના હળવદ ગામ પાસે એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની દિલુભાઈ કાળુભાઈ માવી તથા તેમના પરિવારના સદસ્યો હળવદથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામે જવા માટે ઈન્દ્રભાઈ નામના આસામીના એમપી-૪૫-ઝેડજી ૨૩૫૫ નંબરના ટ્રેક્ટરમાં ગઈ તા.રરની સવારે નીકળ્યા હતા.

આ ટ્રેક્ટર જ્યારે જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીક પહોંચ્યું ત્યારે પાછળથી જીજે-૧૨-ઈઈ ૩૭૦૭ નંબરની આઈ-૨૦ મોટર ધડાકાભેર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર તથા ટ્રોલી ઉંધા પડી ગયા હતા. આ અકસ્માતમાં દિલુભાના પુત્ર વિશાલ તથા ઈન્દ્રભાઈને ગંભીર ઈજા થઈ છે. મોટરચાલક સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ વચ્ચે સલ્ફર ભરેલું એક ડમ્પર કોઈ કારણથી પલ્ટી મારી ગયું હતું. આડા પડી ગયેલા ડમ્પરમાંથી રોડ પર સલ્ફર વેરવિખેર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તથા ફાયરબ્રિગેડની ટૂકડી દોડી ગઈ હતી.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ટોલનાકા પાસેથી ગઈકાલે ખાનગી કંપનીની પસાર થતી બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગૂમાવ્યો હતો અને બસ રોડથી નીચે ઉતરી બાવળીયામાં ઘૂસી ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh