Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા બનશે પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર

દ્વારકા કોરીડોરના નિર્માણ સાથે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪ઃ કેન્દ્રીય ટુરીઝમ મીનીસ્ટ્રી તથા ગુજરાત ટુરીઝમ વિભાગના આગામી મહાત્વાકાંક્ષી પ્રોજેકટ પૈકીના મુખ્ય એવા દ્વારકા કોરીડોર પ્રોજેકટના શ્રીગણેશ ટૂંક સમયમાં થાય તેવા અહેવાલો સાંપડી રહ્યા છે ત્યારે મહદ્અંશે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, શિવરાજપુર બીચને સાંકળતા કોરીડોર પ્રોજેકટનો આગામી ઓગસ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શિલાન્યાસ થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. આ યોજના અંતર્ગત દ્વારકાધીશ જગતમંદિર આસપાસના વિસ્તારને વિવિધ સુવિધાઓ સાથેના ટેમ્પલ સ્કવેર આકારમાં ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે.

ટેમ્પલ સ્કવેર બનશે

કેન્દ્રીય ટુરીઝમ વિભાગ તથા રાજ્યના ટુરીઝમ વિભાગ દ્વારા અમદાવાદની ખાનગી કાું.ને દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંગેની થ્રી-ડી ડિઝાઈન તથા વ્યાપક રૃપરેખાની જવાબદારી સોંપાયેલ હોય જેમના દ્વારા રજૂ કરાયેલ પ્રેઝન્ટેશન તથા હૃદય યોજના અંતર્ગત પ્રોજેકટ રિપોર્ટમાં ફર્સ્ટ ફેઈઝમાં દ્વારકાધીશ જગતમંદિર આપાસના ૧૦૦ મીટરના વિસ્તારનો વિકાસ થશે. જેને ટેમ્પલ સ્કવેર તરીકે ઓળખવામાં આવશે. જેમાં મંદિર પરિસર સાથે સાથે ભવ્ય કોરીડોર પણ સમાવિષ્ટ હશે.

સુદામા સેતુ

દ્વારકા ક્ષેત્રના સર્વાંગી વિકાસ હેતુ દ્વારકાધીશ મંદિરની સાથે સાથે દ્વારકા તેમજ આસપાસના ધાર્મિક અને ટુરીઝમ કેન્દ્રોનો પણ વિકાસ કરવામાં આવનાર હોય જેના ભાગરૃપે દ્વારકાના ગોમતી નદીને સામે ઘાટે આવેલ પંચનદતીર્થ સાથે જોડતાં સુદામા સેતુનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે. આ સાથે દ્વારકાથી ૧૬ કિમી દૂર આવેલ દ્વાદશ જયોતિર્લિંગને પણ નાગેશ્વર જયોતિર્લિંગ કોરીડોરને 'લાઈવ ઓફ શિવા'ની વિશેષ થીમ હેઠળ વિકાસાવવામાં આવી રહેલ છે. સાથોસાથ સુદર્શન સેતુના નિર્માણ બાદ યાત્રાધામ બેટ દ્વારકા રોડ રસ્તે જોડાઈ જતાં ત્યાં યાત્રાળુઓના પ્રવાહમાં સતત વૃદ્ધિ જોતાં બેટ દ્વારકાનો માળખાગત રીતે વિકાસ કરી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

દ્વારકાધીશ મંદિરની ભવ્યતામાં અનેકગણો વધારો થશે

દ્વારકા યાત્રાધામ ચાર ધામો પૈકીનું એક ધામ, સપ્તપુરી પૈકીની એક દ્વારકાપુરી તેમજ ચાર શંકરાચાર્ય પીઠ પૈકીની શારદાપીઠ ધરાવતું અદ્વિતીય અને મહત્ત્વપૂર્ણ તીર્થક્ષેત્ર હોવાની સાથે દ્વારકા કોરીડોરના નિર્માણ સાથે પશ્ચિમ ભારતના આ તીર્થસ્થાનની ભવ્યતામાં અનેકગણો વધારો થશે. વૈશ્વિક ઓળખ ધરાવતા તીર્થધામમાં વૈશ્વિક શ્રેણીની આધુનિક યાત્રીકલક્ષી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. હાલમાં યાત્રીકોને ભારે ભીડભાડવાળી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોરીડોર નિર્માણથી ભાવિકોને શ્રીજીના દર્શન કરવા વધુ સરળ બનશે. આ અંગે પ્રોજેકટ અને ટેન્ડરીંગ પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

ગોમતી ઘાટનો વિકાસ અદ્યતન પાર્કિંગ સુવિધા

દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરૃં મહત્ત્વ રહેલું હોય દર માસે પૂનમ ભરવા તેમજ પૂનમ, અમાસ, અગિયારસ જેવી મહત્ત્વની તિથિઓ પર તેમજ વાર તહેવારોએ તેમજ પવિત્ર પુરૃષોત્તમ માસ દરમ્યાન કિડિયારૃ ઉભરાય તે રીતે માનવ મહેરામણ ગોમતી નદીમાં સ્નાન કરી જગતમંદિરે દર્શન કરવાની પરંપરા ઉપરાંત વર્તમાન સમયમાં યાત્રાળુઓના પ્રવાહમાં સતત વધારો જોતાં આ ૧૬ જેટલા જૂના ગોમતી ઘાટોના વિસ્તૃતીકરણની જરૃરિયાત જણાતી હોય આ ગોમતી ઘાટોના વિસ્તૃતીકરણ સાથે ભવ્ય ઘાટોનું નિર્માણ કરવાનું પ્રસ્તાવિત છે. આ સાથે મંદિરમાં સરળ પ્રવેશ માટે નજીકમાં જ વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે.

જગતમંદિર નજીકના રહેણાંક તથા દુકાનનું થશે રીલોકેશન

દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંતર્ગત મંદિર આસપાસ વિસ્તૃતીકરણના ભાગરૃપે મંદિર તરફ જતાં મુખ્ય રસ્તાને પહોળા કરી આધુનિક બનાવવા રહેણાંક મિલકતો તથા દુકાનદારોનું સ્થાનાંતર કરવામાં આવશે જેમાં જગ્યાના ભૂમિધારકો તથા દુકાનદારોને યોગ્ય વળતરના ચૂકવણા સાથે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અમલમાં આવે તે માટે વહીવટી તંત્ર વિવિધ વિકલ્પો અંગે અભ્યાસ કરી રહયુ છે.

દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંતર્ગત દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થશે. આ સાથે શહેરમાં પ્રમુખ જગ્યાઓ પર યાત્રાળુઓને ૩-ડી ઈમર્સિવ ભાગવત ગીતાજીના શ્લોકની અનુભૂતિ કરાવાશે. આ સિવાય સમુદ્રમાં ડૂબેલી સુવર્ણ દ્વારકા જોવા માટે ગેલેરીનું પણ નિર્માણ કરાશે.

૧૦૦ ટકા સૌરઊર્જા

કેન્દ્ર તથા રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ દ્વારકા કોરીડોર પ્રોજેકટના ભાગરૃપે દ્વારકા તથા પાલીતાણા જેવા પ્રવાસન સ્થળોને મોઢેરાની જેમ ૧૦૦ ટકા સૌર ઉર્જાથી ચાલતા સ્થળોમાં રૃપાંતરીત કરવામાં આવશે.

 

આલેખનઃ ચંદુભાઈ બારાઈ, તસ્વીરઃ રવી બારાઈ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh