Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ટી-૨૦ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ૧૦૧ રને જીતી અને દ.આફ્રિકાની ટીમ માત્ર ૭૪ રનમાં જ સમેટાઈ ગઈ. આમ, પહેલી જ મેચ હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ થોડી બેકફૂટ પર આવી ગઈ, અને ઈન્ડિયાનો જુસ્સો વધ્યો. દ.આફ્રિકાની ટીમ પૂરી ૧૩ ઓવર પણ રમી શકી નહીં, અને ભારતના બોલરો સામે દ. આફ્રિકાએ ઘૂંટણીયા ટેકવી દીધા હોય,તેમ જણાયુ. ક્રિકેટના ટી-૨૦ મેચની જેમ જ રાજકીય પીચ પર પણ રસાકસીભરી રાજરમત રમાઈ રહી છે અને રોમાંચક રાજકીય ખેલ જામશે, તેમ જણાય છે.
સંસદમાં પણ વંદે માતરમ્ના વિષય પર ઐતિહાસિક ચર્ચા થઈ અને એસઆઈઆરના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થશે, આ ચર્ચાઓ દરમ્યાન ટ્રેઝરી બેન્ચ અને ઓપોઝીશન (શાસક પક્ષો અને વિપક્ષો) વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ફટકાબાજી થઈ, ચોકા અને છક્કા ફટકારાયા, બાઉન્સર અને પેસ બોલીંગ પણ થઈ અને સ્પીન તથા મીડિયમ પેસર બોલરની જેમ દ્વિઅર્થી તથા વ્યંગાત્મક વકતવ્યો પણ થયા, ગુગલી પણ ફેંકાઈ અને શોર્ટપીચ બોલીંગની જેમ તીખા-તમતમતા નિવેદનો પણ થયા. છેલ્લી ત્રણ સદીના ઈતિહાસથી લઈને રામાયણ-મહાભારત કાળ અને તેથીયે પ્રાચીનકાળના ઉલ્લેખો થયા. એકંદરે આ બધી ચર્ચાઓ સાર્થક નિવડી, નિરર્થક હતી કે કેટલાક અંશે ઉપયોગી અને કેટલાક અંશે ફાલતૂ હતી, તેનું તારણ કાઢવાનું મહત્ત્વપૂર્ણ કામ દેશની શાણી અને લોકતાંત્રિક ઢબે પરિપક્વ થઈ ચૂકેલી જનતા પર છોડીએ, પરંતુ આ ચર્ચાઓ દરમ્યાન પણ "ઘૂંટણીએ" પડી જવાના વ્યંગાત્મક સંકેતો પણ અપાયા, અને કટાક્ષો પણ થયા.આ પ્રકારની ચર્ચાઓ દરમ્યાન દેશની ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવી સમસ્યાઓથી લઈને બેલેટ પેપરથી ચૂંટણીઓમાં થતા બૂથ કેપ્ચરીંગ થી લઈને ઈવીએમ અને એસઆઈઆર સુધીના ઉલ્લેખો કરીને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા અને પરસ્પર "ચીર હરણ" કરતા હોય, તેવા તથ્યો વર્ણવીને પૂરવાર કર્યું કેે "હમામ મેં સબ નંગે હૈ..."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ્ના મુદ્દે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીએ પડવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો, તો વિવિધ ચર્ચાઓ દરમ્યાન સંસદમાં રાહુલ ગાંધીએ "વોટચોરી"નો મુદ્દો ઉઠાવ્યો, અને નિશાંત દુબેએ ભૂતકાળની વોટચોરી વર્ણવી...તો ગુજરાતમાં કાંઈક અલગ જ દૃશ્યો સર્જાયા.
જેવી રીતે દ.આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે ઘુંટણીયા ટેકવી દીધા, અને રાજકીય ખેલની વાતોમાં પણ ઘુંટણીયે પડવાનો મતલબ નીકળતો હોય, તેવા વ્યંગબાણો છૂટ્યા હતા, તેવી જ રીતે ગુજરાતની મુલાકાતે "આપ"ના અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઈન્ડિગો એરલાઈન્સ સામે ઘુંટણીયે પડી ગઈ હોવાનો આક્ષેપ કર્યો...
જેવી રીતે અમદાવાદમાં વિરાટ ખેલ સંકુલ ઊભું કરીને તથા મોટેરા સ્ટેડિયમને વધુ મોટું કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવીને ગુજરાતને ગ્લોબલ ઓલિમ્પિક તથા કોમનવેલ્થ ખેલો માટે તૈયાર કર્યું, તેવી જ રીતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ પણ આગામી ચૂંટણીઓ માટે ગુજરાતની ભૂમિ પસંદ કરી લીધી હોય તેમ જણાય છે. કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીયકક્ષાનું અધિવેશન યોજ્યું અને યાત્રાઓ કાઢી, તો આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં શ્રેણીબદ્ધ પ્રવાસો, કાર્યક્રમો અને સભાઓ યોજવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે અને જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી આમઆદમી પાર્ટીનું નેટવર્ક ગોઠવાઈ રહ્યું છે, તેથી હવે રાજકીય ક્ષેત્રના ટી-૨૦, વન-ડે અને છેલ્લે ટેસ્ટમેચ એટલે કે પંચાયત, પાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીઓ માટેની રાજકીય પીચ પણ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ જણાય છે.
અરવિંદ કેજરીવાલે રાજકોટની મુલાકાત દરમ્યાન ગુજરાતની ભાજપની સરકારને તાનાશાહીનું જિવંત ઉદાહરણ ગણાવી છે. ગોવા અગ્નિકાંડના દોષિતો દેશ છોડીને ભાગી ગયા, અને ખેડૂતો સાથે અન્યાય થાય છે, તેવા આક્ષેપો ઉપરાંત કેજરીવાલે પેપરલીક, દારૂબંધી, ડ્રગ્સ વગેરે મુદ્દાઓ ઉઠાવીને એવો વિચિત્ર આક્ષેપ પણ કર્યો કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સાઠગાંઠ છે, અને બંને સાથે મળીને શાસન ચલાવી રહ્યા છે !
કેજરીવાલે આક્ષેપબાજી અને બળાપો કાઢયા પછી એવો દાવો પણ કર્યો છે કે વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને બહુમત મળશે. કેજરીવાલની આ મુલાકાત દરમ્યાન ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા વગેરે સ્થાનિક નેતાઓના નિવેદનો પણ ઘણાં જ સૂચક છે.
હવે કોણ કોના ઘુંટણીએ પડયું છે, કોની-કોની વચ્ચે મિલીભગત છે અને આગામી ચૂંટણીઓ કોણ જીતશે, તેનો નિર્ણય અંતે તો ગુજરાતની જનતા જ કરશે ને ? યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ...
એટલું ચોક્કસ છે કે આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને તે પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભાજપ તદૃન સરળતાથી જીતી શકે તેમ જણાતુ નથી, જ્યારે આપ અને કોંગ્રેસ માટે પણ કપરાં ચઢાણ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial