Advertisement
Author: નોબત સમાચાર

મોડાસા નજીક એમ્બ્યુલન્સ સળગતા ચારના કરૂણ મૃત્યુઃ અરેરાટી

એક દિવસના તાજા જન્મેલા શિશુને મોડાસાથી અમદાવાદ લઈ જતી વેળાએ

                                                                                                                                                                                                      

મોડાસા તા. ૧૮: મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસેથી પસાર થતી એક એમ્બ્યુલન્સમાં આગ લાગતા નવજાત બાળક સહિત ચાર ભડથું થયા હોવાના અહેવાલોથી અરેરાટી પ્રસરી છે. મોડાસાથી સારવાર અર્થે એક દિવસના બાળકને અમદાવાદ લાવતા અકસ્માત નડ્યો, પિતા-ડોક્ટર-નર્સના મૃત્યુ થયા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે (તા. ૧૮-૧૧-ર૦રપ ના રાત્રે ૧ વાગ્યાના સુમારે) એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સવાર ચાર લોકો જીવતા ભડથું થઈ જતા સ્થળ પર જ મોત નિપજ્યા છે. રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા છે.

માહિતી મુજબ (મો.ટા. પોલીસ સ્ટેશન અ.મોત.નં. ૧પ/ર૦રપ), મહિસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉ.વ. ૧ દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. એમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતાં.

મોડાસા નગરપાલિકાના ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાત્રે ૧.૪૦ કલાકે ૧૦૧ નંબર પર કોલ આવ્યો હતો કે, એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે, રાણા સૈયદ પાસે, મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. એમાં ૩ લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં એક ભાઈ, એક બહેન અને એક બાળક હતાં. એમ્બ્યુલન્સ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદની હોવાનું માલૂમ પડ્યું છે.

જો કે, ફાયર અધિકારીના નિદેવનના ગણતરીના કલાકો પછી મૃતક નવજાત બાળકના પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.

ગોઝારી આગમાં ભાઈ અને ભત્રીજાને ગુમાવનાર અને દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું હતું કે, મોડાસાથી અમે નીકળ્યા તો ઓરેન્જ હોસ્પિટલનું એડ્રેસ આપેલું હતું. અમદાવાદથી ઓરેન્જ હોસ્પિટલે એમ્બ્યુલન્સ મોકલી હતી. જેમાં અમે અહીં (મોડસા) થી નીકળ્યા તે દરમિયાન આવો આગ લાગવાનો બનાવ બન્યો છે.

ઘટના અંગે વિગતે વાત કરતા ગૌરાંગ મોચીએ કહ્યું કે, લુણાવાડાથી અમે રિયાન્સ હોસ્પિટલના ડોક્ટરે મોડાસાનું એડ્રેસ આપ્યુ હતું કે તમે મોડાસા જતા રહો, મોડાસાના દવાખાનામાં સારવાર કરી, રિપોર્ટ કરાવ્યાં અને ડોક્ટર સાહેબે અમને એવું કહ્યું કે, અમદાવાદ લઈ જાવ. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલથી ગાડી (એમ્બ્યુલન્સ) મોકલી હતી. અમે તેમાં બેસીને મોડાસાથી નીકળ્યા હતાં. રસ્તામાં આગ લાગી હતી. તેમાં મારો ભાઈ, ડોક્ટર, નર્સ અને નાનું બાળક દાઝી ગયા. મારી મમ્મી, ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા. અમે આગળની સીટમાં બેઠેલા હતાં.

આગમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાં જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચી (ઉ.વ. ૩૮, રહે. લુણાવાડા, મહિસાગર) નવજાત શિશુના પિતા, જિજ્ઞેશભાઈનું તાજું જન્મેલું બાળક (ઉ.વ. ૧ દિવસ), રાજકરણ શાંતિલાલ રેટિયા (ઉ.વ. ૩૦, રહે. ચાંદખેડા, અમદાવાદ) ડોક્ટર), ભૂરીબેન ડો/ઓ રમણભાઈ મનાત (ઉ.વ. ર૩, રહે. ઓઢા ભડવચ, અરવલ્લી) નર્સનો સમાવેશ થાય છે.

એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતાં, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં એ ત્રણેયનો સમાવેશ થાય છે.

બર્નિંગ એમ્બ્યુલન્સમાં દાઝેલા ઈજાગ્રસ્તોમાં અંકિતભાઈ રામાભાઈ ઠાકોર (ઉ.વ. ર૪, રહે. અમદાવાદ) એમ્બ્યુલન્સના ડ્રાઈવર, ગૌરાંગકુમાર મહેશભાઈ મોચી (ઉ.વ. ૪૦, રહે. લુણાવાડા, મહિસાગર) અને ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઈ મોચી (ઉ.વ. ૬૦, રહે. લુણાવાડા, મહિસાગર) નો સમાવેશ થાય છે.

મોડાસા ટાઉન પોલીસના પીએસઆઈ, એએસઆઈ મનુબેન જગમાલભાઈ, તપાસ અધિકારી પીએસઆઈ એ.એચ. રાઠોડ વિગેરેએ ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૯૪ મુજબ અકસ્માતે મૃત્યુનો ગુન્હો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh