Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામની ચિંતામાં પરપ્રાંતીય યુવકનો ગળાટૂંપોઃ મેઘપરમાં યુવાનનો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૭: જામનગર તાલુકાના નાની લાખાણી ગામના એક પરિણીતાએ દિવાળીના તહેવારમાં પિયર જવાની ઈચ્છા પૂર્ણ ન થતાં દિવાળીની સાંજે ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે મેઘપરમાં એક પરપ્રાંતીય યુવાને અકળ કારણથી ધોકાથી રાત્રે ગળાટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. મોટી ખાવડીમાં રહેતા પરપ્રાંતીય યુવાને કામ ન મળતું હોવાની ચિંતામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે અને પત્નીએ દારૂ પીવાના પૈસા ન આપતા એક પરપ્રાંતીય શ્રમિકે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.
જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા પ્રિયાબા યશપાલસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના પરિણીતાએ દિવાળીના તહેવારો પર પોતાના પિયર ભાવનગર જવાની પતિ યશપાલસિંહને વાત કરી હતી પરંતુ પતિ તથા ઘરના સભ્યોએ હાલમાં ખેતીની સિઝન ચાલુ હોવાથી તહેવાર પછી નવરાશમાં પ્રિયાબાને માવતરે જવાનું કહેતા આ પરિણીતાને માઠું લાગી આવ્યું હતું. તેણીએ ગઈ તા.૨૦-દિવાળીની સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે શયનખંડમાં જઈ ત્યાં આવેલા પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ થતા આ પરિણીતાને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. ભાવનગરથી દોડી આવેલા પ્રિયાબાના પિતા ચંદ્રસિંહ નટુભા ગોહિલનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા મનુભા કાળુજી કેર નામના આસામીની ઓરડીમાં ભાડેથી રહેતા મૂળ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાના વતની સંજીતકુમાર મુખલાલ પાસવાન નામના ૨૫ વર્ષના યુવાને ધોકાની રાત્રે એક વાગ્યા પછીથી કોઈ અકળ કારણથી પોતાના રહેણાંકમાં આવેલા દરવાજાને અંદરથી બંધ કરી લઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ બીજા દિવસે સવારે કિરીટસિંહ મનુભા કેરને થઈ હતી. તેઓએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં નવી હાઈસ્કૂલ પાસે ચંદુ મહારાજ નામના આસામીની ઓરડીમાં વસવાટ કરતા મૂળ છત્તીસગઢ રાજ્યના કરાડોર જિલ્લાના મલદી ગામના વતની દેવચરણ નરેશભાઈ કેવટ નામના ૨૩ વર્ષના યુવાને ભાઈબીજની બપોરે પોતાના રહેણાંકના સ્થળે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મિલાપભાઈ નરેશભાઈ કેવટે પોલીસને જાણ કરી છે. પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં મિલાપભાઈએ જણાવ્યા મુજબ તેના નાનાભાઈ દેવચરણને કામ ધંધો કરવો હતો પરંતુ થોડા વખતથી ક્યાંય કામ ધંધો મળતો ન હતો અને જે કામ મળતું હતું તેમાં વધુ સમય સુધી આ યુવાન ગેરહાજર રહેતો હોવાના કારણે તેના હાથમાંથી કામ સરકી જતું હતું. આ બાબતથી માઠું લાગી આવતા દેવચરણે ભાઈબીજની બપોરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં આવેલા ઈરફાનભાઇ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એપ્રેમભાઈ રમેશભાઈ મેહેડા ઉર્ફે બીટુભાઈ નામના યુવાને દારૂ પીવા માટે પોતાની પત્ની હીનાબેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ હીનાબેને પૈસા આપવાની ના પાડતા ગઈ તા.૧૩ની રાત્રે આઠેક વાગ્યે બીટુભાઈએ માઠું લાગી આવતા ખેતરમાં જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનને સારવાર માટે ગોંડલ દવાખાને તથા વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. હીનાબેને પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial