Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે પૂર્વ નગરસેવક અને અન્ય ર૭ સામે ગુજસીટોકઃ ૧૪ની ધરપકડ

બંને ગેંગના ર૯ સામે કાર્યવાહીઃ ૮નો જેલમાંથી કબજો લેવાશેઃ ૭ની શોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના વોર્ડ નં.૧૨ના બે પૂર્વ નગરસેવક સામે અને તેની ગેંગના અન્ય ર૭ સામે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હા નોંધ્યા છે. એક નગરસેવક સહિત તેની ગેંગના ૧૮ અને બીજા નગરસેવક અને તેની ગેંગના ૧૧ સામે આ કાયદા હેઠળ ગુન્હાની નોંધ કરાઈ છે. હાલમાં ૧૪ આરોપીની ધરપકડ કરાઈ છે, ૮નો જેલમાંથી કબજો લેવાની તજવીજ કરાઈ રહી છે અને ૭ શખ્સની શોધખોળ પોલીસ કરી રહી છે. ઝડપાયેલા આરોપીઓને આજે રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવામાં આવશે. રેન્જ આઈજી તરીકે નવા અધિકારી મુકાયા પછી બંને ગેંગ સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરના દરબારગઢ વિસ્તાર તથા તેની બહાર આવેલા વિસ્તારના નગરસેવક તરીકે સેવા આપી રહેલા અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી વોર્ડ નં.૧રમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડતા આવી રહ્યા હતા અને એક જ વોર્ડમાંથી બંને ઉમેદવારો ચૂંટાતા પણ હતા. તે દરમિયાન બંને વચ્ચે વિખવાદ થયા પછી ગયા ડિસેમ્બર મહિનાની ૨૯ તારીખે સાંજે લાલબંગલા રોડ પર અસલમ ખીલજી પર પાંચ શખ્સે જીવલેણ હુમલો કર્યાે હતો. આ શખ્સોએ અલ્તાફ ખફીના કહેવાથી હુમલો કર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થયા પછી હાથ-પગ ભાંગી જવાથી અસલમ ખીલજીને સારવારમાં ખસેડાયા હતા.

આ ગુન્હામાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કર્યા પછી અલ્તાફ ખફીની પણ તાજેતરમાં ધરપકડ કરી જેલહવાલે કર્ય હતા. ઉપરોક્ત હુમલા પછી અલ્તાફ ખફીના જૂથના મનાતા લોકો પર અસલમ ખીલજીના જૂથના વ્યક્તિઓએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી અને તે પછી તા.૨૩ માર્ચની રાત્રે અસલમ ખીલજીના ભત્રીજા સહિતના વ્યક્તિઓ પર ખંભાળિયા ધોરીમાર્ગ પર અલ્તાફ ખફીના જૂથના શખ્સોએ તમંચામાંથી ફાયરીંગ કરી જીવલેણ હુમલો કર્યાે હતો. આમ બંને જૂથ દ્વારા સામસામા હુમલા કરાતા હોય, કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ રહી હોય. ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને જૂથ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુન્હા નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ બે ગુન્હા નોંધવામાં આવ્યા છે.

ગયા સપ્તાહે જામનગરની મુલાકાતે આવેલા રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્તરાયની મુલાકાત પછી શનિવારે સાંજે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ આ ટોળકીઓ ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી હોવાથી કડક પગલાં ભરવા આઈજી દ્વારા સુચના આપવામાં આવી હતી. તેના પગલે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એમ.વી. ભાટીયા તેમજ એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, સિટી એ ડિવિઝન પીઆઈ વી.એમ. ડોડીયા તથા સ્ટાફે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી હતી.

ત્યારપછી ગઈકાલે અસલમ કરીમ ખીલજી અને તેની ગેંગના ૧૭ સામે અને અલ્તાફ ખફી અને તેની ગેંગના ૧૦ સામે એમ કુલ ર૯ શખ્સ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હાની નોંધ કરવામાં આવી છે.

ઉપરોક્ત બાબતે ગઈકાલે સાંજે એસપી ડો. રવિમોહન સૈનીએ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, અસલમ ખીલજી અને અલ્તાફ ખફીની ટોળકીઓ સામે હત્યા, હત્યા પ્રયાસ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, ધાડ પાડવાની તૈયારી, મારી નાખવાખી ધમકી, ફાયરીંગ, એટ્રોસિટી, ઘરફોડ ચોરી, દારૂબંધી ભંગ, જુગારધારા, નાર્કોટીક્સ, હથિયારબંધી ભંગ, કેફી પદાર્થના વેચાણ, જાહેરમાં મારામારી સહિતના કુલ ૯૮ ગુન્હા નોંધાયેલા છે. જેમાંથી અસલમ ખીલજીના ૧૮ શખ્સ સામે ૪૬ ગુન્હા અને અલ્તાફ ખફીની ગેંગના ૧૧ શખ્સ સામે બાવન ગુન્હા જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છે.

અસલમ ખીલજી તેમજ શાકીર રફીક ખીલજી, આસીફ મહંમદહુસેન ખીલજી, રેહાન ઈકબાલ બેલીમ, સદામ અસગર શેખ ઉર્ફે ઈંડો, અકીલ અસગર શેખ, અસગર અલી મહંમદહુસેન મકવાણા ઉર્ફે હસુ વાઘેર, આફતાબ મહંમદહુસેન મકવાણા ઉર્ફે અકુ, મહંમદ અખ્તર પંજા ઉર્ફે ચોર, રઉફ ગુલામહુસેન બેલીમ ઉર્ફે ભુરા, મકસુદ અબ્દુલરઝાક પંજા ઉર્ફે પવન, એજાઝ મહંમદહુસેન કુરેશી ઉર્ફે ગોકુલ તથા હસન હારૂન બશર નામના ૧ર શખ્સની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના ગની ઉમર બશર ઉર્ફે ગની પટેલ, અસલમ કાદર શેખ, ઈસ્માઈલ હસન માંડલીયા ઉર્ફે ધરાર, નદીમ મહંમદહુસેન ખીલજી તથા લતીફ હાજી શેખ ઉર્ફે બાપુ નામના પાંચ શખ્સની શોધ કરાઈ રહી છે.

અલ્તાફ ખફી અને તેની ટોળકીના સમીર શકીલ ચૌહાણ, જુનેદ રઝાક ચૌહાણ ઉર્ફે જુનીયો, ઈસ્તિયાક યુનુસ કુરેશી, મોહસીન મહેબુબ રૂમી ઉર્ફે પંચાસીયા, તોહિતખાન ફિરોઝખાન શેખ ઉર્ફે પપ્પુ, તબરેજ રફીક હાલાણી, હમીદ જાનમામદ બ્લોચ ઉર્ફે રાંજા નામના આઠ શખ્સ હાલમાં વસઈ પાસેના ફાયરીંગના ગુન્હામાં જેલહવાલે છે અને ગઈકાલે સાહીદ ઈમ્તિયાઝ ખફી નામના નવમા આરોપીની ગુજસીટોકમાં ધરપકડ કરાઈ છે. તે ઉપરાંત અબુ સુફીયાન રહેમાન કુરેશી અને ઓસમાણ મુસા ખફી નામના બે શખ્સને શોધ કરાઈ રહી છે.

ઉપરોક્ત બંને ફરિયાદમાં હાલમાં અસલમ ખીલજી જૂથના ૧૩ શખ્સ અને અલ્તાફ ખફી જૂથના એક શખ્સ મળી ૧૪ની ધરપકડ કરાઈ છે. અલ્તાફ ખફી સહિત જેલમાં રહેલા ૮ શખ્સનો કબજો લેવાની તજવીજ કરાઈ રહી છે અને અસલમ ખીલજી જૂથના પાંચ તથા અલ્તાફ ખફી જૂથના બેના સગડ દબાવાઈ રહ્યા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં એસપીએ ઉમેર્યું હતું કે, આ શખ્સોને ગુન્હાહિત પ્રવૃત્તિમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર વ્યક્તિઓની તપાસ પણ કરવામાં આવી રહી છે અને આ શખ્સોએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઈ જમીન, મિલકત પચાવી પાડી હોય તો તેની પણ વિગતો પોલીસ એકત્ર કરી રહી છે. તમામ આરોપીને આજે રિમાન્ડની માગણી સાથે રજૂ કરવાની તજવીજ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh