Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહીઃ ૧૩ જિલ્લાઓ એલર્ટ પરઃ સમીક્ષા

રાજ્યમાં ૯૮ ટકા વરસાદ પડી ગયોઃ જળાશયો ભરપૂર થતા પાણી છોડાયુઃ સ્ટેટ ઈમરજન્સીની બેઠક યોજાઈ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૬: ગુજરાતમાં ૯૮ ટકા જેવો વરસાદ પડી ગયો છે અને કેટલાક જળાશયો ભરપૂર થતા દરવાજા ખોલાયા છે. રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સીની બેઠકમાં સમીક્ષા કરી છે. બીજી તરફ બે દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી થતા તંત્રોને સાબદા કરાયા છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે (૭ સપ્ટેમ્બર) બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ તેમજ રાહત કમિશનર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહૃાા હતા.

આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ભારતીય હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં જણાવ્યા મુજબ, આજે (૬ સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ છે. તથા પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તો પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી. મુખ્ય સચિવએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ રાહત કમિશનર અલોકકુમાર પાંડે દ્વારા પશુપાલન, ઊર્જા, કૃષિ, સીડબલ્યુસી, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ અમે એનડીઆરએફ સહિતના સંબંધિત વિભાગોને તેમજ સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવ્યું છે.

સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં ૧૨ એનડીઆરએફ અને ૨૦ એસડીઆરએફની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

શનિવારે સવારના ૬થી ૧૨ વાગ્યા સુધામાં રાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ૪.૬૧ ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના સંખેડામાં ૧ મિમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ ૩૪.૩૨ ઈંચ એટલે કે, ૯૮.૮૫ ટકા વરસાદ વરસી ગયો છે. બીજી તરફ મહીસાગરના કડાણા ડેમમાં સતત જળસ્તર વધવાના કારણે ડેમમાંથી મોટીમાત્રામાં પાણી છોડવામાં આવશે.

બીજી તરફ મધ્ય પ્રદેશના ઉપરવાસમાથી વરસાદ ઓછો થતા ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું હતું. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. શુક્રવાર (પાંચમી સપ્ટેમ્બર) રાતે ૯ વાગ્યે ડેમના ૨૩માંથી ૮ દરવાજા બંધ કરાયા હતા. જેથી નર્મદા નદી કાંઠાના ગામોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ ડેમના ૧૫ દરવાજા ૩.૧૦ મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, નર્મદા નદીમાંપાણીની જાવક ઘટાડવામાં આવી છે અને ડેમ ૯૧.૫૯ ટકા ભરાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૩૨ મીટર છે, જે ઓવરફ્લો થવાથી માત્ર ૨.૫૪  મીટર દૂર છે. નોંધનીય છે કે, આ વર્ષે નર્મદા ડેમ ૧૦૦ ટકા ભરવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, નવમી ઓગસ્ટ ૨૦૧૯માં મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં જળપ્રવાહ વધતા ૨૬ દરવાજા ખોલવામાં આવ્યા હતા. અગાઉ જુલાઈ ૨૦૧૯માં ૨૨ દરવાજા ખોલવામાં આવ્યા હતા. પહેલી વાર વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩,૨૦૨૪ અને ૨૦૨૫માં છઠ્ઠી વાર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, વર્ષ ૨૦૨૩માં ૨૩ દરવાજા ખોલતા ગુજરાતમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા તબક્કાવાર પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા નદી કાંઠાના ગામોને રાહત મળી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ ૩૧મી જુલાઈના રોજ નર્મદા ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારથી દરવાજા ખોલવાની સંખ્યામાં વધારો થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh