Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભવ્ય એકતા પરેડ, માર્ચપાસ્ટ, પુષ્પવર્ષા, પ્રતિમાને પુષ્પાંજલિ, એરફોર્સ દ્વારા આકાશી સલામી
રાજપીપળા તા. ૩૧ઃ આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રજૂ થયેલા કાર્યક્રમો તથા પરેડનુ નિરીક્ષણ કરી સંબોધન કર્યુ હતું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતાને યાદ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સરદાર પટેલનું ભારત છે, જે રાષ્ટ્રની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથી. ભારત ઘરમાં ઘુસીને મારે છે. તે હવે આખી દુનિયા જાણે છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં સ્થિત સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે એકતા નગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર પટેલ અમર રહે... અમર રહે' ના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતુ કે આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દ્વારા એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ.
તેમણે કહૃાું કે સ્વતંત્રતા પછી સરદાર પટેલે ૫૫૦થી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કર્યું અને તેમના માટે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું વિઝન સર્વોપરી હતું.
વડાપ્રધાને સરદાર પટેલનો વિચાર ટાંક્યો કે *આપણે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં; આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ.*
તેમણે કહ્યું હતુ કે આજે કરોડો લોકોએ એકતાના શપથ લીધા છે અને રાષ્ટ્રની એકતાને નબળી પાડતા દરેક વિચાર કે કાર્યનો ત્યાગ કરવો એ સમયની જરૂરિયાત છે.
તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર સરદાર પટેલની સમગ્ર કાશ્મીરને એક કરવાની ઈચ્છા પૂર્ણ થતી અટકાવવાનો આક્ષેપ કર્યો હતો અને કહૃાું હતુ કે કોંગ્રેસની નબળી નીતિઓને કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં આવ્યો, જેના કારણે દેશે દાયકાઓ સુધી કિંમત ચૂકવી.
તેમણે ભૂતકાળની સરકારો પર રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે ગંભીરતાનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો, જેના કારણે કાશ્મીર, ઉત્તરપૂર્વમાં સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદ અને માઓવાદી આતંકવાદનો ફેલાવો થયો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથી. કલમ ૩૭૦ના બંધનો તોડીને કાશ્મીર આજે મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે અને *ભારત ઘર મેં ઘુસ કર મારતા હૈ* તે હવે આખી દુનિયા જાણે છે.
તેમણે દાવો કર્યો કે ૨૦૧૪ પછી નક્સલવાદ અને માઓવાદને ઠેકાણે પાડવામાં આવ્યા છે અને જ્યાં સુધી દેશમાંથી આતંકવાદ મુક્ત નહીં થાય ત્યાં સુધી સરકાર અટકશે નહીં. પીએમ મોદીએ દેશની સુરક્ષાને ઘૂસણખોરોથી મોટો ખતરો ગણાવ્યો. તેમણે અગાઉની સરકારો પર વોટ-બેંકની રાજનીતિના અનુસંધાનમાં આ મુદ્દાને અવગણવાનો અને ઘૂસણખોરોને મદદ કરવાનો આક્ષેપ કર્યો. તેમણે એક-એક ઘૂસણખોરોને બહાર કાઢવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
તેમણે કોંગ્રેસ પર અંગ્રેજો પાસેથી ગુલામ માનસિકતા વારસામાં મેળવવાનો આક્ષેપ કર્યો અને કહૃાું કે કોંગ્રેસે ધાર્મિક આધાર પર વંદે માતરમનો એક ભાગ દૂર કરીને સમાજને વિભાજિત કર્યો, જે કામ અંગ્રેજો પણ કરી શક્યા નહોતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે એકતા પરેડ શો યોજાયો હતો. જેમાં રાજ્યની વિવિધ પોલીસ દળ, બીએસએફ, એનડીઆરએફ, આર્મી ડોગ સહિત એનસીસી દ્વારા એકતા પથ પર પોતાના શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય રાજ્યોના વિવિધ ટેબ્લો દ્વારા પોતાના પ્રદેશની વિશેષતાની ઝાંખી દર્શાવાઈ હતી. વિવિધ રાજ્યોના નૃત્ય અને બાઇક સ્ટંટ તેમજ ડોગ સ્ટંટ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત એકતા પરેડની સમાપ્તિ લોહપુરૂષ સરદાર પટેલના ભાષણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતા બાદ સરદાર પટેલ દ્વારા દેશના સંબોધનનો જૂનો ઓડિયો રજૂ કરાયો હતો. એકતા દિવસ નિમિત્તે ભારતીય વાયુસેના દ્વારા લોહપુરૂષ સરદાર પટેલને અનોખું આકાશી સેલ્યુટ આપવામાં આવ્યું હતુું.
એનએસડી, એનડીઆરએફ અંદમાન-નિકોબાર દ્વિપ સમૂહનો ટેબ્લો, છત્તીસગઢની બસ્તરની ઝાંખી કરવાતો, ગુજરાતના લોહપુરૂષ સરદાર પટેલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાથેનો ટેબ્લો, જમ્મુ-કાશ્મીરની પ્રતિષ્ઠા અને સૌંદર્ય દર્શાવતો ટેબ્લો, મહારાષ્ટ્રના ટેબ્લોમાં છત્રપતિ શિવાજીની શાનદાર પ્રતમા સાથે રાજ્યનું વૈભવ દર્શાવાયું, મણિપુરના પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવતો ટેબ્લો, પૂંડુચેરીની એક ભારત-શ્રેષ્ઠ ભારતને પ્રદર્શિત કરતો ટેબ્લો, ઉત્તરાખંડનો કેદારનાથ મંદિર અને રાજ્યના વિકાસને દર્શાવતો ટેબ્લો રજૂ કરાયો. આસામ પોલીસ દ્વારા બાઇક પર સ્ટંટ દ્વારા રાજ્યની વીરતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એકતા પરેડમાં બીએસએફ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ બેન્ડ અને રાયફલ સાથે ગુજરાત પોલીસ અને બીએસએફની ટીમે સંયુક્ત રીતે એકતા પથ પર પોતાનું શાનદાર પ્રદર્શન આપી શૌર્યની નવી પરિભાષા વ્યક્ત કરી હતી. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રદર્શનમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. એકતા પથ પર રાજ્યની દરેક પોલીસ પોતાના મંત્ર સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એકતા પરેડમાં જોડાઈ છે. આ સિવાય બીએસએફ, એનસીસી અને ખાસ સૈન્ય ડોગ પણ આ પરેડમાં જોડાયા હતા. ઓપરેશન સિંદૂરના બીએસએફના ૧૬ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાયા.
એકતા પરેડ પછી વડાપ્રધાન મોદીએ *આરંભ ૭.૦* ના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. *શાસનની પુનઃકલ્પના* થીમ પર આધારિત છે. કાર્યક્રમમાં ભારતની ૧૬ અને ભૂટાનની ૩ સિવિલ સર્વિસીસના કુલ ૬૬૦ અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહૃાા છે, જેમની સાથે પીએમ મોદીએ સીધો સંવાદ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  