Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયું. જામનગર સહિત ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વે હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા અને પતંગ રસિયાઓએ પતંગો ઉડાડવાની મજા માણી. જો કે, પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કેટલાક લોકોનો જીવ ગયો, તો કેટલાક પંખીઓ પણ ઘાયલ થયા. સતત અપાતી વોર્નિંગ, તંત્રોની ગાઈડલાઈન્સ અને પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી અપાતી ચેતવણીઓ છતાં આ પ્રકારની ઘટનાઓ તદ્દન અટકતી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે, અને આત્મ ચિંતનનો વિષય છે.
કેટલાક સ્થળે વીજ કરંટ તો કોઈ સ્થળે છત પરથી પડી જવાની ઘટનાઓ બની. કેટલાક સ્થળે પતંગ ઉડાડવા, કાપવા કે દેકારો કરવાના કારણે તકરારો પણ થઈ. નાની-મોટી તકરારો કેટલાક સ્થળે મારામારી અને જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ અને હત્યાના બનાવો પણ બન્યા. આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણી મૂળભૂત સંસ્કૃતિને અનુરૂપ નથી. આપણે પરસ્પર સ્નેહ, પ્રેમ, આદર અને સહનશીલતા રાખીને તહેવારો ઉજવતા રહેવા જોઈએ, ખરૃં ને ?
આજે પણ વાસી મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિ પર્વ સાત ધાનનો "ખીચડો" આપણાં પ્રદેશની પરંપરાગત વિશેષતા છે, અને તેને પાછળ ઋતુગત પોષણનો કોઈ સાયન્ટિફિક દૃષ્ટિકોણ પણ હોઈ શકે છે. હજુ પણ પતંગ ઉડાડતી વખતે સાવધાન રહેવાની અપીલો કરવામાં આવી રહી છે.
જો કે, ગઈકાલે ભારતના ક્રિકેટ રસિયાઓની મકરસંક્રાંતિ તો મોજભરી રહી હશે, પરંતુ રાજકોટના મેદાનમાં જે રીતે ન્યુઝીલેન્ડની ટીમ સાથે ભારતીય ટીમ હારી ગઈ, તે ઘણું જ નિરાશાજનક હતું...રોહિત શર્મા અને કોહલી, ગીલ સહિતના બેટધરોને ન્યુઝીલેન્ડના બોલરોએ એવા તો નિયંત્રણમાં રાખ્યા હતા કે એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સાવ સસ્તામાં આઉટ થઈ જશે, પરંતુ કે.એલ.રાહુલે સદી ફટકારતા ભારતીય ટીમ કાંઈક સન્માનજનક સ્કોર પર પહોંચી હતી. જો કે, ભારતીય બોલરોની નિષ્ફળતાના કારણે ટીમ ઈન્ડિયા શરમજનક રીતે હારી ગઈ અને કે.એલ.રાહુલની સદી એળે ગઈ.
રમત-ગમત હોય કે રાજકારણ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા કરે, પરંતુ જ્યારે ક્રિકેટ જેવી રમતમાં કેટલીક વખત "લક" પણ કામ કરતા હોય તેવું લાગે. રાજકોટની ગઈકાલની રમતમાં નસીબ કદાચ ન્યુઝીલેન્ડની તરફેણમાં હતું, તેવું પણ ઘણાં ક્રિકેટ રસિયાઓ કહે છે, તેની સામે ઘણાં દુભાયેલા કે નિરાશ થયેલા ક્રિકેટ રસિયાઓ એવું પણ કહે છે કે એ તો બધી મન મનાવવાની વાતો છે, બાકી ભારતીય ટીમના કહેવાતા દિગ્ગજો કાગળ પર દોરેલા સિંહ જેવા જ પૂરવાર થયા છે. પહેલી વન-ડે માંડ માંડ જીત્યા, તેમાં પણ કે.એલ.રાહુલે છેલ્લે સુધી ચતુરાઈ પૂર્વક રમીને ભારતને જીત અપાવી હતી, તો ગઈકાલની મેચમાં પણ કે.એલ.રાહુલ સિવાયના મોટાભાગના બેટધરો તદ્દન નિષ્ફળ ગયા, તેથી કહી શકાય કે પહેલી બંને મેચો ન્યુઝીલેન્ડ અને કે.એલ.રાહુલ વચ્ચેની જ સ્પર્ધા હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે.
જો કે, ટીમ ઈન્ડિયા પાસે હજુ શાખ બચાવવાની તક છે. ૧૮મી જાન્યુઆરીના દિવસે ત્રીજી વન-ડે ફાયનલ જેવી હશે, અને તેમાં ભારતીય ટીમ નહીં જીતે, તો વર્તમાન ટીમના ઘણાં ચહેરાઓ બદલી જશે, તે નક્કી છે. ક્રિકેટ રસિયાઓ રાજકોટની મેચમાં ભારતના ટોચના બેટધરો અને બોલરો નિષ્ફળ રહ્યા અને જેની "હોમ-પીચ" હતી, તેમણે પણ નિરાશ કર્યા હોવાની ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ બધા દિવસો સરખા નથી હોતા તેવું કહીને ઘણાં ક્રિકેટ રસિયાઓ ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના નિષ્ફળ ગયેલા બેટધરો, બોલરો અને ઓલરાઉન્ડરો "કમાલ" કરી બતાવશે, તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, તટસ્થ રીતે ક્રિકેટની રમતને નિહાળતા વિશ્લેષકો ગઈકાલે જે રીતે બે ખેલાડીઓએ સદી ફટકારી અને બંને ટીમોના ખેલાડીઓએ જે રીતે સુંદર ફિલ્ડીંગ કરીને પોતાની ટીમ માટે પોતાની તમામ તાકાત અજમાવી દીધી, તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
જો કે, રાજકોટમાં આ વખતે ખંઢેરી સ્ટેડિયમ કદાચ હાઉસફૂલ થયું નહીં, તેનું કારણ મકરસંક્રાંતિના શુભ દિને યોજાયેલા કેટલાક શુભ પ્રસંગો અને પરંપરાગત રીતે ધાર્મિક સ્થળો પર થતી ઉજવણીઓ વગેરે હોઈ શકે. મકરસંક્રાંતિનું પર્વ સૌરાષ્ટ્રમાં પૂર્વ-નિર્ધારિત અને પૂર્વ આયોજિત હોય છે અને તેની રાહ ઘણાં લોકો લાંબા સમયથી જોતા હોય છે. તેથી સ્ટેડિયમ પૂરેપૂરૃં ભરાયુ નહીં હોવા છતાં પ્રેક્ષકોની સંખ્યા સારી હતી. એવું કહેવાય છે. જો કે, ભારતની બોલીંગ નિષ્ફળ ગયા પછી ધીમે ધીમે પ્રેક્ષકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા અને પતંગોત્સવમાં જોડાવા લાગ્યા હતા. તો ઘણાં ક્રિકેટ રસિયા પતંગ પ્રેમીઓએ છત પર જ પતંગ ઉડાડતા ઉડાડતા ક્રિકેટ મેચનું જિવંત પ્રસારણ નિહાળી શકાય, તેવી વ્યવસ્થા કરીને બંને પ્રકારની મોજ માણી હતી.
જામનગર સહિત હાલારમાં પણ મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાયુ અને પતંગ ઉડાડતા ઉડાડતા વન-ડે મેચની મોબાઈલ સેલફોન પર આવતા જિવંત પ્રસારણનો ઓડિયો ચાલુ રાખીને તેની મોજ માણી, ત્યારે ભૂતકાળમાં રેડિયો પર અપાતી રનીંગ કોમેન્ટ્રીની યાદ પણ તાજી થઈ ગઈ હતી.
બીજી તરફ સરકારી 'પતંગોત્સવો'ના અહેવાલો પણ અગ્રીમ હરોળમાં રહ્યા હતા. કાઈટ ફેસ્ટિવલનું પહેલેથી વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતુ અને તે પછી મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ ગઈકાલે જ જ્યાં જ્યાં પતંગો ઉડાડયા, ત્યાં ત્યાં મીડિયાવાળા પહોંચ્યા હતા, અને "બાઈટ" લીધી હતી. તેવી જ રીતે સેલિબ્રિટીઝ તથા સામાન્ય જનતાના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
ગઈકાલે નભમાં પતંગો અને વાતાવરણમાં કર્ણપ્રિય ગીત-સંગીતથી છવાયા હતા, તો "કાપ્યો છે" ના હર્ષનાદો સાથે પતંગ ઉડાડવાની તંદુરસ્ત સ્પર્ધાઓ પણ થઈ હતી. લોકોએ પરંપરાગત જીંજરા, બોર, ચિક્કી, શેરડી, મમરાના લાડવા, તલસાંકરી વગેરેની જહેમત માણી હતી, તો આ જ પ્રકારે ચીજવસ્તુઓનું દાન કરીને તથા મંદિરોમાં ધરાવીને પુણ્ય પણ કમાયુ હતું. ગૌશાળા-પાંજરાપોળમાં ગાયોને લાડુ અને ધાસચારો ખવડાવાયા હતા, તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા ઘાયલ પંખીઓને સારવાર માટે કરાયેલી વ્યવસ્થાઓ પણ ખૂબ જ ઉપયોગી બની હતી. કેટલાક સ્થળે ગરીબ પરિવારોને પતંગ-ફીરકી તથા ખાણીપીણીની ચીજવસ્તુઓનું વિતરણ પણ થયું હતું. કેટલાક સ્થળે રક્તદાન કેમ્પ, વિવિધ રોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, લેબોરેટરી કેમ્પ વગેરે પણ યોજાયા હતા. તેથી એવું કહી શકાય કે ખેલ, પતંગ અને સેવાકાર્યોનો જાણે ત્રિવેણી સંગમ રચાયો હતો !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial