Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં બનેલી આગ-દુર્ઘટનાઓના દૃષ્ટાંતોઃ આને અગ્નિકાંડ જ કહેવાયને?

ગોવામાં બનેલી જીવલેણ આગ-દુર્ઘટનાને અગ્નિકાંડ જ ગણવી જોઈએ... સંચાલકથી માંડીને સરકાર સુધી બધા જવાબદાર...

                                                                                                                                                                                                      

મગફળીની ટેકાના ભાવે ખરીદીની યોજના ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં થોડા વર્ષો પહેલા મગફળીના ગોડાઉનો સળગી જવાથી શ્રેણીબદ્ધ ઘટનાઓ યાદ આવી ગઈ. એ ગોડાઉનો તો કદાચ વ્યાપક ષડ્યંત્રો હેઠળ સળગ્યા હતાં અને તેના સંદર્ભે કાનૂની કાર્યવાહી થઈ અને કેટલાક દોષિતોની ધરપકડ થઈ હતી, તો કેટલાક રહસ્યો અકબંધ પણ રહી ગયા હતાં, જો કે તે સમયે સતત ચાલેલા આગ-દુર્ઘટનાના સીલસીલા પછી ડેમેજ કંટ્રોલ થયો હતો. હવે એ ઘટનાક્રમોમાંથી બોધપાઠ લેવાયો હતો, જેથી જ હમણાંથી મગફળીના ગોડાઉનો સળગવાની ઘટનાઓ બની નથી.

ગોડાઉનોમાં ગરબડોના કારણે સર્જાયેલા અગ્નિકાંડોની યાદ ગોવામાં સર્જાયેલી નવી અગ્નિ દુર્ઘટના પછી તાજી થઈ ગઈ, અને તેની સાથે સાથે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ભયાનક્તા પણ યાદ આવી ગઈ. અગ્નિકાંડ અને આગ દુર્ઘટનામાં તફાવત એ હોય છે કે, અગ્નિકાંડ અન્ય ગરબડીને છૂપાવવા-વીમો પકવવા કે કોઈને નુક્સાન પહોંચાડવા થતા હોય છે, જ્યારે આગ દુર્ઘટના આકસ્મિક રીતે સર્જાતી હોય છે, જો કે લાપરવાહી કે લોભ-લાલચમાં આવીને લોલંલોલ ચલાવી લઈને કે નિયમભંગ કરીને થતા કાર્યક્રમોમાં આગ-અકસ્માતે લાગે તો પણ તે અગ્નિકાંડ જેવો જ ગંભીર ગુન્હો ગણાવો જ જોઈએને?

ગોવાની આગ-દુર્ઘટના

ગોવામાં રપ વ્યક્તિને ભરખી જનાર આગ-દુર્ઘટનાને પણ અગ્નિકાંડ જ કહેવો પડે, કારણ કે જ્યાં ફાયરબ્રિગેડની ગાડીઓ પણ જ્યાં પહોંચી પણ શકે તેમ ન હોય અને આ આગથી દાઝીને ઓછા તથા ધૂમાડામાં ગુંગવાઈ જવાથી વધુ લોકોના મૃત્યુ થયા હોય તો તેવી ગંભીરતા અગ્નિકાંડના અપરાધથી ઓછી નથી. ગોવાની આ દુર્ઘટનાએ ફરીથી પૂરવાર કરી દીધું છે કે, નાણા કમાવા તથા પ્રસિદ્ધિની લાલચમાં નીતિ-નિયમો નેવે મૂકી દેતા પરિબળોને સંબંધિત તંત્રો તથા સ્થાનિક શાસકોનું પણ મજબૂત 'ગુપત' પીઠબળ હોવાની માન્યતામાં દમ છે.

શનિવારે ગોવાની બિર્ચ બાય રોમિયો લોન નામની જે નાઈટ ક્લબમાં વીક એન્ડ પાર્ટી ચાલી રહી હતી, તેમાં ડાન્સ ફ્લોર પર દોઢસો જેટલા લોકો ડાન્સ કરી રહ્યા હતાં, ત્યારે કિચનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો અને થોડા સમયમાં જ ભીંષણ બનેલી આગમાં બે જણા ભુંજાઈ ગયા, તો બીજા ર૦ થી વધુ લોકો ગુંગળાઈને મૃત્યુ પામ્યા. ઘણાં લોકો દાઝી જવાથી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડાયા તો કેટલાક લોકોને આગ દુર્ઘટનાથી આઈસીયુમાં ખસેડાયા હોવાના અહેવાલોએ અરેરાટી ફેલાવી દીધી.

તે પછી રાબેતામુજબ તપાસના આદેશો અપાયા, કેટલીક ધરપકડો થઈ, રાજ્ય અને કેન્દ્રની સરકારોએ મૃતકોના પરિવારો તથા ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાતો કરી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી વગેરેએ સંવેદના વ્યક્ત કરી હતી, અને વિપક્ષી નેતાઓએ સવાલો ઊઠાવ્યા.

આ પ્રકારની તમામ રાબેતા મુજબની પ્રક્રિયા પ્રત્યેક આગ-દુર્ઘટનાઓ પછી થતી રહે છે અને સત્તાલોલૂપો તથા ધનના લાલચીઓના પાપે લોલંલોલ ચાલતું જ રહે છે, અને અગ્નિકાંડો સર્જાતા જ રહે છે, પરંતુ તે પછી થોડો સમય નિયમ-કાયદાનું કડક પાલન કરાવ્યા પછી બધું ભૂલાય છે, અને બધું જ ફરીથી 'જૈસે થે' થઈ જાય છે.

તક્ષશિલા અને ટીઆરપી

ઝોન અગ્નિકાંડ

ગુજરાતમાં સુરતના તક્ષશિલા આગ દુર્ઘટના અને તે પછી ટી.આરી.પી. આગ દુર્ઘટનાની ભયાનક્તા અને તપાસમાં ખુલેલા ભયંકર ભ્રષ્ટાચારના પોપડા ખૂલ્યા હતાં, ત્યારે દેશવ્યાપી પડઘા પડ્યા હતાં, અને દેશભરમાં ફાયરસેફ્ટી મજબૂત કરાઈ રહી હોવાના દાવાઓ પણ થયા હતાં. આવી દુર્ઘટના થાય ત્યારે રાજનીતિ પણ ગરમાતી હોય છે, અને ગુજરાત પછી ગોવામાં થયેલી અગ્નિ દુર્ઘટનાઓ પાછળ જો તંત્રો બોદા હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સ્થાનિક નેતાગીરીની મિલીભગત હોય, તો તેના માટે રાજ્યમાં સત્તાસ્થાને બેઠેલી સરકારને પણ જવાબદાર તો ગણવી જ પડે ને?

જો કે, ગોવાની દુર્ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે અને ફાયનલ રિપોર્ટ આવ્યે વાસ્તવિક્તા બહાર આવશે, પરંતુ આ પ્રકારના સ્થળે આ પ્રકારના આયોજનો કરવામાં આવે, તે જ એક પ્રકારના ભ્રષ્ટાચારના સંકેતો આપે જ છે ને?

આ દુર્ઘટનાઓ પછી ગુજરાત અને તેની આજુબાજુના વિસ્તારોમાં થયેલી ભૂતકાળની મુખ્ય મુખ્ય આગ-દુર્ઘટનાઓની ભયાનક્તા તથા તે તછી શું થયું, તેની થોડી ચર્ચા કરીએ તથા ક્યાં, કોણ કેટલું દોષિત છે અને નૈતિક્તા અને માનવતાને નેવે મૂકીને માનવીની જિંદગીઓ સાથે કેટલો ખિલવાડ થાય છે, તેના તારણો કાઢીએ.

ગુજરાતમાં અગ્નિ-દુર્ઘટનાઓ

ગુજરાતમાં જાન-માલનું મોટું નુક્સાન થયું હોય તેવી મુખ્ય દુર્ઘટનાઓમાં વર્ષ ૧૯૮૧ ની છઠ્ઠી ડિસેમ્બરની આગ-દુર્ઘટના, વર્ષ ર૦૦ર માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ સળગાવવાનો અગ્નિકાંડ, વર્ષ ર૦૧૧ માં ગુજરાત રિફાઈનરીની આગ, વર્ષ ર૦૧ર માં હજીરા આઈઓસી ટર્મિનલમાં આગ, વર્ષ ર૦૧૮ માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ, વર્ષ ર૦ર૦ માં અમદાવાદ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, દહેજમાં કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ, ભરૂચની હોસ્પિટલમાં વર્ષ ર૦ર૧ માં અગ્નિકાંડ, રાજકોટમાં વર્ષ ર૦ર૪ ના ટીઆરપી અગ્નિકાંડ, વર્ષ ર૦રપ માં ફટાકડાના ગોડાઉનમાં ડીસા વિસ્ફોટ ઉપરાંત થોડા વર્ષો પહેલા થયેલા શ્રેણીબદ્ધ મગફળીના ગોડાઉનોના અગ્નિકાંડોનો સમાવેશ થાય છે. આ આગ-દુર્ઘટનાઓ અથવા અગ્નિકાંડો પૈકી કેટલાક ગમખ્ગાર તથા જંગી નુક્સાન કરનાર અગ્નિકાંડો પર દૃષ્ટિપાત કરીએ.

બનાસકાંઠા ફેક્ટરી વિસ્ફોટ

આ વર્ષે જ બનાસકાંઠા જિલ્લામાં ધમધમતી ગેરકાનૂની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ર૧ લોકોના જીવ ગયા હતાં, અને મૃતકોમાં મોટાભાગના લોકો મધ્યપ્રદેશથી પેટિયું રળવા ગુજરાતમાં આવેલા મધ્યપ્રદેશના શ્રમિકો હતાં.

ટી.આર.પી. ગેઈમ ઝોન

અગ્નિ હોનારત-રાજકોટ

મે-ર૦ર૪ માં રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનમાં સર્જાયેલી અગ્નિ હોનારતમાં ૯ બાળકો સહિત ૩૩ લોકોના મૃત્યુ થયા હતાં. આ દુર્ઘટના પછી ભ્રષ્ટાચારના ભયાનક ભોરીંગો ઝડપાયા હતાં અને તંત્ર, નેતાગીરી અને લાપરવાહ સંચાલકો ગેઈમ ઝોનના માલિકો વચ્ચેની સાઠગાંઠ બહાર આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો.

ભરૂચની હોસ્પિટલમાં

આગ-વર્ષ ર૦ર૧

વર્ષ ર૦ર૧ માં ભરૂચની કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા ૧૮ લોકોના જીવ ગયા હતાં, જેમાં ૧૬ દર્દીઓ અને બે નર્સોના મૃત્યુ થયા હતાં.

અમદાવાદની કેમિકલ

ફેક્ટરીમાં વિસ્ફોટ-વર્ષ ર૦ર૦

નવેમ્બર ર૦ર૦ માં અમદાવાદના પીરાન્હા વિસ્તારમાં કપડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૧ર શ્રમિકના મૃત્યુ થયા હતાં.

વર્ષ ર૦૧૯: સુરત તક્ષશિલા

આગ દુર્ઘટના

મે-ર૦૧૯ માં સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ લાગતા રર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતાં. તપાસમાં બહાર આવ્યું હતું કે, એ ઈમારતમાં ફાયર સેફ્ટી સહિત સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હતું.

વર્ષ-ર૦ર૦માં દહેજ

કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ

વર્ષ ર૦ર૦ માં ભરૂચ જિલ્લાના દહેજના એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટમાં આગ લાગવાથી ૧૦ લોકોના મૃત્યુ થયા હતાં.

વર્ષ ર૦રપઃ અમદાવાદ

પ્લેન આગ દુર્ઘટના

અમદાવાદથી લંડન જતા વિમાનમાં આગ લાગતા વિમાનના ક્રૂ મેમ્બર્સ સહિત ર૪ર પ્રવાસીઓમાંથી ર૪૧ લોકો સહિત લગભગ ર૬૦ લોકોના જીવ ગયા હતાં. આ એક હવાઈ આગ દુર્ઘટના હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દિવંગત થયા હતાં.

મગફળીના ગોડાઉનોમાં આગ

ગુજરાતના થાનગઢ, જૂનાગઢ સહિતના વિવિધ સ્થળે શ્રેણીબદ્ધ ગોડાઉનોમાં લાગેલી આગની દુર્ઘટનાઓમાં પણ જંગી આર્થિક નુક્સાન થયું હતું.

બોધપાઠ લ્યો...

આ તમામ દુર્ઘટનાઓ પરથી બોધપાઠ લ્યો અને જીવલેણ લાપરવાહી કે લોલંલોલ ચાલવી લેવાનું બંધ કરો તેઓ જનમત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh