Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા બાયપાસ પાસે બુલેટને ટ્રકની ટક્કર કાલાવડના યુવાનનું મૃત્યુઃ સાળાને થઈ ઈજા

વરવાળા પાસે મોટર અકસ્માત સર્જી નાસી ગઈઃ નગરમાં સ્કૂટરને મોટરની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ કાલાવડથી ગઈકાલે બુલેટ મોટરસાયકલ પર જામનગર આવી રહેલા સાળા-બનેવીને ઠેબા બાયપાસ પાસે અકસ્માત નડ્યો છે. પાછળથી આવતી ટ્રકે બુલેટને હડફેટે લેતાં ગંભીર ઈજા પામેલા બનેવીનું મૃત્યુ નિપજ્યું છે અને સાળાને ફ્રેક્ચર થઈ ગયું છે. અનુપમ ટોકિઝ પાસે સ્કૂટરચાલકને મોટરે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો છે અને શનિવારે રાત્રે મીઠાપુરથી ચાલીને દ્વારકા જતાં કેટલાક વ્યક્તિઓને અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ છે.

કાલાવડ શહેરની ટોડા સોસાયટીમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ સોલંકી (ઉ.વ.૨૩) તથા તેના બનેવી જયદીપભાઈ માધુભાઈ શુકલ ગઈકાલે જીજે-૧૦-ઈએફ ૧૬૯૯ નંબરના જયદીપભાઈના બુલેટ મોટરસાયકલ પર જામનગર તરફ આવી રહ્યા હતા.

તેઓ જ્યારે ઠેબા બાયપાસ નજીક પાવર હાઉસ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ટીએક્સ ૯૬૪૪ નંબરનો ટ્રક પાછળથી ધસી આવ્યો હતો. તેણે બુલેટને ઠોકર મારતા પાછળ બેસેલા ભાર્ગવભાઈ ફંગોળાઈ ગયા હતા અને જયદીપભાઈ બુલેટ સાથે પછડાયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં જયદીપભાઈને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે પાછળ બેસેલા ભાર્ગવભાઈનો પગ ભાંગી ગયો હતો.

બંને યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી જયદીપભાઈનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ભાર્ગવભાઈની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા ઈકબાલ અબ્દુલકરીમ પરમાર નામના પ્રૌઢ ગઈ તા.૯ની બપોરે અનુપમ ટોકિઝ નજીકથી એક્સેસમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએ ૭૯૪૪ નંબરની મોટરે ટક્કર મારી હતી. રોડ પર પછડાયેલા ઈકબાલભાઈને ઈજા થઈ છે અને સ્કૂટરમાં નુકસાન થયું છે. મોટરચાલક માર્દવ મનોહરલાલ વયાટા સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરના કૃષ્ણનગરમાં રહેતા રાજેશભાઈ ડુંગરભા માણેક નામના યુવાન શનિવારે રાત્રે અન્ય વ્યક્તિઓ સાથે મીઠાપુરથી ચાલીને દ્વારકા જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે સવારે છ વાગ્યે વરવાળા ગામ પાસે હતા ત્યારે મીઠાપુર તરફથી ધસી આવેલી એક અજાણી મોટરે આ વ્યક્તિઓને હડફેટે લેતા રાજેશભા તથા અન્ય વ્યક્તિને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે. અકસ્માત સર્જી મોટરચાલક મોટર સાથે નાસી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh