Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકાર રાહત પેકેજ જાહેર કરશે કે તરત જ અમારી રજૂઆત ફળી તેવો લીંબડ જશ ખાટવામાં પણ પડાપડી થાય તો નવાઈ નહીંઃ
સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં કુદરતના કહેર સમાન માવઠા અને અષાઢ મહિના જેવા ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુક્સાન થયું છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી અત્યંત ગંભીર અને કફોડી સ્થિતિ થઈ છે, અને મોટાભાગના ખેડૂતોને અતિશય આર્થિક નુક્સાની થઈ છે.
આ સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા વિરોધ પક્ષો, કિસાન આગેવાનો દ્વારા ખેડૂતોને થયેલા વ્યાપક નુક્સાન સંદર્ભમાં તાકીદે સર્વે કરાવી નુક્સાનીનું વળતર-સહાય ચૂકવવા માગણીકરવામાં આવી રહી છે, અને સ્વાભાવિક રીતે જ વિરોધ પક્ષના નેતાઓ આવી રજૂઆતો કરતા જ હોય છે, વિધાનસભામાં અને રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થઓમાં તોતિંગ બહુમતિ ધરાવતા ભાજપના કોઈ નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિએ અગાઉ ક્યારેય ખેડૂતોની મુશ્કેલી સમયે કે પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હિંમત કરી ન હતી, અને સરકાર પણ ખેડૂતોને રાહત-વળતર કે સહાય આપવામાં વિલંબ કરીને વિપક્ષની માગણી-રજૂઆતોની અવગણના કરતી હતી.
હવે હાલના સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થયેલા ભારે નુક્સાન અંગે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના નેતાઓ સફાળા જાગ્યા કે પછી મોવડીમંડળનો આદેશ થયો હોય તેમ ખેડૂતોને થયેલા નુક્સાન પેટે વળતર ચૂકવવા રજૂઆતો કરવા પડાપડી કરી રહ્યા છે. સરકારે પણ ખેડૂતોને વળતર તાકીદે મળે તેવી વ્યવસ્થા કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
હવે... સર્વે થશે, તેની આંકડાકીય વિગતો-રિપોર્ટ સુપરત થશે, તેના પર વિચારણા થશે, અને ત્યારપછી ખુદ ભાજપની સરકાર જ જાહેર કરશે કે ભાજપના વિવિધ વિસ્તારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓની માગણીને લક્ષમાં લઈને ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ આપવામાં આવ્યું છે, અર્થાત્ આ અતિશય ગંભીર પરિસ્થિતિમાં ભાજપ સરકાર એવું પૂરવાર કરવા મથશે કે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓના હૈયામાં હંમેશાં ખેડૂતોનું હિત રહેલુ છે અને ભાજપ ખેડૂતોની સાથે છે.
અને... ત્યારપછી શરૃ થશે 'લીંબડ જશ' ખાટવાની સ્પર્ધા... મારી રજૂઆતને સફળતા મળી, સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું, જેવા નિવેદનોનો પ્રવાહ પણ વહેવાની તૈયારી થઈ જ ચૂકી છે.
એની વે... ખેડૂતોના પાકને થયેલા નુક્સાનની વાસ્તવિક્તાને ધ્યાને લઈને સરકાર વ્હેલીતકે યોગ્ય રાહત પેકેજ જાહેર કરે તો તે આવકાર્ય ગણાશે... બાકી રાજકીય લાભ ખાતર માત્ર રજૂઆતો કરીને અને પોતાની જ રજૂઆતને સફળતા મળી છે તેવા નિવેદનિયાઓના રાજકીય દાવપેચને સરકારે તેમજ ખેડૂતોએ અને આમ જનતાએ સાઈડ લાઈન કરી દેવાનો સમય છે.
આ બધી લમણાંઝીંકમાં ખેડૂતોના પાકને નુક્સાન સંદર્ભમાં ગુજરાતમાં શા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં નથી? શા માટે ખેડૂતોના ધિરાણને અન્ય રાજ્યોની જેમ માફ કરવામાં આવતું નથી? શા માટે ખાતરની અછત સર્જાય છે? શા માટે તાલપત્રીના કાળાબજાર થાય છે? જેવા પ્રશ્નો અંગે ભાજપના રજૂઆત કરનારાઓ મૌન જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial